અમદાવાદથી ૨૫૦ કિલોમીટરના અંતરે આવેલું રાજસ્થાના જોલાર જિલ્લામાં સુંધાની ટેકરી પરનું માતાનું મંદિર ગુજરાત અને રાજસ્થાનની પ્રજા માટે અનોખું પાવન સ્થળ છે. ચામુંડા માતા ઘણા બધા લોકોની કૂળદેવી છે. ગુજરાતમાં ચોટીલામાં ચામુડાં સિંહ પર બિરાજમાન છે. એવી જ રીતે રાજસ્થાનમાં સુંધા ખાતે ચામુંડા પણ બિરાજમાન છે. પરંતુ અહીં તેમની તદ્દન અલગ જ મૂર્તિ છે. માત્ર મસ્તક છે. ધડનો ભાગ નજીકમાં આવેલા કોટડા ખાતે પૂજાય છે અને પગ સુંદરીયાવાલમાં પૂજાય છે.
અરવલ્લીની પર્વતમાળામાં અલગથી આવેલી સુંધા નામે ઓળખાતી ઊંચી પહાડી પરનું સુંધા માતા નું પવિત્ર મંદિર સ્વચ્છ, સુંદર અને પ્રાકૃતિક દ્દષ્ટિએ આસ્થા, શ્રદ્ધાનું સ્થળ ઉપરાંત કુદરતના વિવિધ રૃપો નિહાળવા અને માણવા માટેનું તીર્થધામ પ્રવાસન સ્થળ પણ છે. અમદાવાદથી ૨૭૫ કિલોમિટરના અંતરે રાજસ્થાનના જાલોર જિલ્લામાં જસવંતપુરા નજીક આવેલું છે. પ્રાચીનકાળમાં ગુજરાતની રાજધાની ભીનમાલ હતી. સોલંકી કાળમાં તે ભીનમાલથી પાટણ સ્થળાંતર થઈ હતી. ભીનમાલથી સુંધા માતા માત્ર ૨૦ કિ.મિ. દૂર છે. ગુજરાતમાંથી ઘણા બધા યાત્રાળુંઓ દર પૂનમે અહીં દર્શને કરવા આવે છે. પાલનપુરથી ડીસા થઈ દાંતીવાડા થઈ રાણીવાડા થઈને અહીં પહોંચે છે. રાજસ્થાનમાં ગયા વર્ષે પડેલા ભારે વરસાદના પરિણામે દાંતીવાડાથી પાથાવાડા અને ત્યાંથી રાણીવાડા જતો રસ્તો ખુબ વધારે ધોવાઈ ગયો હોવાથી ઘણી મુશ્કેલી સર્જાઈ હતી.
તેથી આબુરોડથી ૭૫ કિ.મિ.નો રસ્તો ખુબ સારો અને ઝડપથી કપાય છે. અરવલ્લીની પર્વતમાળાના ભાગ ગણાતી સુંધાની ટેકરી વિશિષ્ટિતા ધરાવે છે. અંદાજે ૪ હજાર ફૂટની ઊંચાઈ ધરાવતી આ પહાડી ઇડર જેવા સખત ખડકો છે પરંતુ સાથે લીલીછમ હરિયાળી ધરાવતી વનરાઈ પણ છે અને જેસલમેરના રણમાં જોવા મળતા રણની રેતીની ધાણી પણ છે. વિશાળ પાર્કિંગ, શિખર પર પહોંચવા માટે તૂટક તૂટક એકંદરે સહેલાયથી ચઢી શકાય તેવા પગથિયાવાળો માર્ગ અને જો પગથિયા ન ચઢવા હોય તો રોપ વે-ઉડ્ડન ખટોલા પણ ઉપલબ્ધ છે. વૃધ્ધો, અશક્તો અને બાળકો પણ માતાજીના દર્શન કરી શકે તે માટે ટ્રસ્ટ દ્વારા આધુનિકતાને સ્વીકારી સ્થાન પ્રેરણાદાયક છે.
આ પ્રાચીન મંદિર ૯૦૦ વર્ષ જુનું હોવાનું મનાય છે. સુંધા પર્વતમાળાની ટોચ પર આરસપહાણમાં અદ્દભૂત કલાકૃતિ ધરાવતા મંદિરમાં એક ગુફાની અંદર ચામુંડા માતાનું મસ્તકની ભવ્ય નાની મૂર્તિ છે. આ મૂર્તિ એવી રીતે ગોઠવાયેલી છે કે દર્શનાર્થીએ દર્શન કરવા માટે સહેજ નમવું પડે અને એક તરફ ઝુકવું પણ પડે. સુંધા માતાના મંદિર સમીપ શિવ, પાર્વતી અને ગણેશ પણ બિરાજમાન છે. વહેલી સવારે ૬ વાગ્યાથી સાંજના સાત વાગ્યા સુધી મંદિરના દર્શન ખૂલ્લા રહે છે. કૂળદેવી ચામુંડા માતાએ આસપાસના નવદંપતિ છેડાછેડી માટે પણ આવે છે. સુંધા માતા મંદિરની પાછળના ભાગે ત્રણ રેતીની ટેકરીઓ છે. જે ધાણી તરીકે ઓળખાય છે. ઇડર જેવા સખત શીલાઓ ધરાવતા પહાડના ટોચના ભાગે રણની રેતીઓની ટેકરીઓ હોવી એક કુદરતી અજાયબી છે. આ રેતીની ધાણી પર ચઢીને ટોચ પરથી આસપાસનો નજારો નિહાળવો એક લ્હાવો છે અને ત્યારબાદ તેના પરથી લપસણી ખાતા નીચે ઉતરવાનો આનંદ પણ અનેરો છે.
ભારતના ઇતિહાસના પાના સમી મંદિરમાં ત્રણ તકતીઓ છે. ઇ.સ.૧૨૧૨માં ચૌહાણ વંશના રાજવીઓએ પરમારવંશના રાજાઓને હરાવી વિજય પ્રાપ્ત કર્યો તેનો ઇતિહાસ વર્ણવે છે. બીજી તકતી ઇ.સ.૧૩૨૬ ની તારીખ દર્શાવે છે અને ત્રીજી તકતી ઇ.સ. ૧૭૨૭ની છે. સુંધા માતા ટ્રસ્ટ હસ્તકના ભોજનાલયમાં માત્ર ૧૦ રૂપિયામાં ભોજનની વ્યવસ્થા છે. ચોમાસાની ઋતુમાં સુંધા માતાનું મંદિર વધુ રળીયામણું બને છે. વરસાદના આગમન પછી ટોચ પરથી તળેટી સુધી પથરાયેલી પહાડીઓમાં ખળખળ વહેતા ઝરણા અને લીલીછમ હરિયાળી પાવન વાતાવરણને વધુ અલ્હાદક બનાવે છે. દર્શનાર્થીઓ માટે કુદરતનો આ અદ્દભૂત નજારો મનને પ્રફૂલ્લિત બનાવે છે. રાજસ્થાનના ખોડેશ્વર વનક્ષેત્રમાં આવેલી આ પહાડીઓમાં વન્યપ્રાણીઓ પણ છે. જેમાં હરણ, નીલગાય, ઝરખ, લોમડી વગેરેનો સમાવેશ થાય છે. યાત્રાધામ સાથે પ્રવાસન સ્થળ પણ છે.