સુરતના આ હેડ કોન્સ્ટેબલની દિલ્હી પોલીસ દ્વારા ધરપકડ, જાણો શા માટે કરવામાં આવ્યું આવું…

શહેરના એક પોલીસ જવાનની દિલ્હી પોલીસે ધરપકડ કરતા ચકચાર મચી ગઈ છે. સુરત શહેરના કાપોદ્રામાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ વિપુલ રણછોડ કોરડીયાની દિલ્હી પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર વિપુલ નામનો આ કોન્સ્ટેબલ પોતાનો હોદ્દાનો ઉપયોગ કરીને ગુપ્ત રાહે સીડીઆર પુરા પાડતો હતો.

જે બાબત ખુલતા જ દિલ્હી પોલીસ દ્વારા કાર્યવાહી કરીને તેની ધરપકડ કરવામાં આવી હતી. તે બાદ સુરત પોલીસ દ્વારા તેને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. વિપુલનું પોસ્ટિંગ કાપોદ્રામાં હતું પણ છેલ્લા 7 મહિનાથી તે ફરજ પર હાજર રહેતો ન હતો. જોકે આ ગંભીર બાબત ધ્યાનમાં આવતા દિલ્હી પોલીસ દ્વારા સુરતથી આ કોન્સ્ટેબલની ધરપકડ કરાતા સુરત પોલીસ ક્ષોભજનક સ્થિતિમાં મુકાઈ છે.

તાજેતરમાં જ દિલ્હી પોલીસે ડિટેક્ટીવ એજન્સીઓ અને પોલીસના એક રેકેટનો પર્દાફાશ કર્યો છે. જે વ્યક્તિઓ ગેરકાયદેસર રીતે લોકોના કોલ ડિટેલ રેકોર્ડ્સ (સીડીઆર) મેળવવા અને વેચવામાં કથિત રીતે સામેલ છે. આ કેસમાં મુખ્ય શંકાસ્પદની ધરપકડ કરવામાં આવી છે જ્યારે આ ગુનામાં સામેલ અન્યને પકડવા માટે દરોડા ચાલુ છે. પોલીસને શંકા છે કે આ ટોળકીએ તાજેતરમાં 500થી વધુ CDR વેચ્યા હતા.

પોલીસને આશંકા છે કે આરોપી કોઈ મોટા રેકેટનો ભાગ છે. પૂછપરછ દરમિયાન, ડિટેક્ટીવ એજન્સીનો માલિક અને છેલ્લા ચાર-પાંચ વર્ષથી આ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં ભાગ લેનાર વ્યક્તિની ભૂમિકા બહાર આવી હતી. અમને શંકા છે કે ગેંગ દ્વારા 500થી વધુ સીડીઆર વેચવામાં આવ્યા હશે. ગ્રાહકો ફોન નંબર દ્વારા તેમનો સંપર્ક કરતા હતા. આરોપીઓએ ક્લાયન્ટ દ્વારા આપવામાં આવેલા ઈમેલ આઈડીમાં ડ્રાફ્ટ દ્વારા સીડીઆર પણ પૂરા પાડ્યા હતા. અન્ય એક અધિકારીએ જણાવ્યું હતું કે મોટાભાગના સીડીઆર વૈવાહિક વિવાદો અથવા લગ્નેતર સંબંધોની શંકા સાથે સંબંધિત છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer