શાસ્ત્રોમાં સૂર્ય દેવનું વર્ણન એક પ્રત્યક્ષ દેવ તરીકે કરવામાં આવ્યું છે. રવિવારે ભગવાન સૂર્યની પૂજા કરવાથી ઇચ્છા પૂર્ણ થાય છે. તેમની પૂજા ખૂબ જ ફળદાયી છે. સૂર્ય દેવને હિંદુ ધર્મના પંચદેવોમાંથી પ્રમુખ દેવ માનવામાં આવે છે. તેમની પૂજા કરવાથી જ્ઞાન, સુખ, સ્વાસ્થ્ય, હોદ્દા, સફળતા, પ્રસિદ્ધિ વગેરે મળે છે. દરરોજ પૂજા કરવાથી વ્યક્તિમાં આસ્થા અને વિશ્વાસ પેદા થાય છે. રવિવારના દિવસે જો ભગવાન સૂર્યની વિધિ પૂર્વક પૂજા કરવામાં આવે તો, વધારે ફાયદાકારક સાબિત થાય છે.
રવિવાર સૂર્ય ભગવાનની પૂજા અને સ્તુતિને સમર્પિત દિવસ છે. જો તમારા મનમાં અનેક ઈચ્છાઓ છે તો તેને પૂરી કરવા માટે રવિવારનું વ્રત શ્રેષ્ઠ ઉપાય છે. ભગવાન સૂર્ય ભાસ્કર, રવિ, મિત્ર, ભાનુ, ખગાય, પુષ્ણ, મારિચ, આદિત્ય, સાવિત્રે, આર્કા, હિરણ્યગર્ભાય વગેરે બહુનામો ધરાવતા સૂર્ય ચરાચર જગતના પ્રત્યક્ષ દેવ છે.
વેદો, પુરાણો, મહાકાવ્યો વગેરેમાં સૂર્ય વિશે અનેક મહત્વની માહિતી જોવા મળે છે. ભારતીય પ્રાચીન પરંપરાથી આરંભીને આજ પર્યંતના લેખાજોખા કરવામાં આવે તો તેમાં સૂર્ય દેવતા વિશિષ્ટ સ્થાન ભોગવે છે. વેદોથી લઈ તમામ ગ્રંથોમાં સૂર્યનું દેવતા તરીકેનું ગૌરવ પ્રતિપાદીત કરવામાં આવ્યું છે. વૈદિક સંસ્કૃતિમાં યુગયુગાંતરથી લોકો સૂર્ય દેવતાની સ્તુતિ, આરાધના, ઊપાસના કરતા આવ્યા છે.તો જાણો કેવી રીતે કરવું ખાસ વ્રત અને પૂજાની વિધિ.
સૂર્યને અર્ધ્ય : પૌરાણિક ધાર્મિક ગ્રંથમાં ભગવાન સૂર્યને અર્ધ્યદાન દેવાની વિશેષ મહત્તા દર્શાવી છે. રોજ સવારે સૂર્યોદય સમયે ત્રાંબાના લોટામાં પાણી ભરી અને તેમાં લાલ ફુલ, કંકુ અને ચોખા પધરાવી અને સૂર્ય મંત્રનો જાપ કરતાં કરતાં સૂર્યને જળ ચડાવવું જોઈએ. સૂર્યને અર્ધ્યદાનથી ભગવાન સૂર્ય પ્રસન્ન થાય છે અને નિરોગી કાયા, ધન-ધાન્ય, પુત્ર, તેજ અને યશ-પદની પ્રાપ્તિના આશીર્વાદ આપે છે.
સૂર્યપૂજાના નિયમો :
– પ્રતિદિન સૂર્યોદયથી પહેલા સ્નાનાદિ કાર્ય કરી લેવું.
– નહાયા પછી ત્રણવાર સૂર્યદેવને અર્ધ્ય આપી પ્રણામ કરવા.
– સંધ્યા સમયે પણ સૂર્યને જળ ચડાવવું.
– સૂર્ય મંત્રોનો જાપ શ્રદ્ધાપૂર્વક જાપ કરવો.
– આદિત્ય હૃદયનો નિયમિત પાઠ કરવો..
– સ્વાસ્થ્ય લાભની કામના કરી અને ક્ષમાયાચના કરવી.
– રવિવારે તેલ, નમક વિનાનું ભોજન કરવું અને એક સમયે જ જમાવાથી વ્રતનું ફળ મળે છે.