એક વાયરલ વોટ્સએપ મેસેજ દાવો કરી રહ્યો છે કે ભારત સરકારે રાત્રિ દરમિયાન એપને સ્થગિત કરવાનો આદેશ જારી કર્યો છે. મેસેજમાં જણાવવામાં આવ્યું છે કે, સરકાર ફેસબુક દ્વારા વિકસિત ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપ્લીકેશન, વોટ્સએપના કામકાજ પર રાત્રે 11:30 થી 06:00 વાગ્યાની વચ્ચે પ્રતિબંધ મુકી રહી છે.
ગેરમાર્ગે દોરનારા સંદેશમાં કહેવામાં આવ્યું છે કે જો મેસેજ વધુ યુઝર્સને ફોરવર્ડ નહીં કરાય તો યુઝરનું એકાઉન્ટ ડિએક્ટિવેટ થઈ જશે. આ સિવાય, ફેલાયેલા ફેક ન્યૂઝ જણાવે છે કે વોટ્સએપ યુઝર્સે તેમના ખાતાઓને સક્રિય કરવા માટે દર મહિને પૈસા ચૂકવવા પડશે.
મેસેજમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે ફોરવર્ડ કરેલા મેસેજમાં દર્શાવેલ સ્ટેપ્સને ફોલો કરતા યુઝર્સ માટે એક નવું અને સુરક્ષિત વોટ્સએપ એકાઉન્ટ સક્રિય કરવામાં આવશે.
હવે, પ્રેસ ઈન્ડિયા બ્યુરો (PIB) એ ફેક્ટ ચેક અપડેટ બહાર પાડ્યું છે, જેને નકલી કહીને ફગાવી દેવામાં આવ્યું છે. ખોટી માહિતીના સંદેશાનો સામનો કરવા માટે, PIB દ્વારા બહાર પાડવામાં આવેલ ફેક્ટ ચેક અપડેટ વપરાશકર્તાઓને મેસેજ ફોરવર્ડ કરવાનું ટાળવા વિનંતી કરે છે.
ટ્વિટર પર ફેક મેસેજ શેર કરતા PIB એ લખ્યું, ‘એક ફોરવર્ડ મેસેજમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે #WhatsApp 11:30 થી સવારે 6 વાગ્યા સુધી બંધ રહેશે અને તેને એક્ટિવેટ કરવા માટે માસિક ફી ચૂકવવી પડશે. #PIBFactCheck: આ દાવો #FAKE છે. ભારત સરકાર દ્વારા આવી કોઈ જાહેરાત કરવામાં આવી નથી.
વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક જેવા સોશિયલ મીડિયા જાયન્ટ્સને આ મહિનાની શરૂઆતમાં આઉટેજનો સામનો કર્યાના થોડા દિવસો પછી નકલી વાયરલ મેસેજ પ્રથમ વખત સામે આવ્યો હતો.