તમે ઘણા લગ્ન જોયા હશે જેમાં લાખો અથવા કરોડો રૂપિયાનો ખર્ચ થયો હોયપરંતુ લાખો રૂપિયાના ખર્ચા કરી દેખાડો કરવા કરતાં એક યુગલે ફકત 17 મિનિટમાં જ લગ્ન કરી લીધા હતા. રવિવારના વડોદરાના હરણીસ્થિતમાં આવેલ વાલમ હોલ ખાતે 17 મિનિટમાં રાજસ્થાનના યુવક અને રાજપીપળાની યુવતીના લગ્ન યોજાયા હતા.
જેની અંદર પરિણીતાને ફકત એક જોડી કપડામાં સાથે જ વિદાય આપવામાં આવી હતી. અત્રે નોંધનીય છે કે તેઓએ કબીરપથના રિતીરિવાજ અનુસાર લગ્ન કરી લીધા હતા. કબીર પંથ સાથે જોડાયેલા સંતરામપાલજી મહારાજના સાંનિધ્યમાં 11 જુલાઈના રોજ સત્સંગનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ સત્સંગ બાદ તેમના જ શિષ્ય અને રાજસ્થાનમાં રહેતા હરીશ લોહાર જે પ્રાઇવેટ કંપનીમાં લોજિસ્ટિક મેનેજર તરીકે ફરજ બજાવે છે, તેમના લગ્ન સંત રામપાલજીનાં જ શિષ્યા અને રાજપીપળામાં રહેતાં રુચિ પાંડે સાથે કરવામાં આવ્યા હતા.
આ લગ્ન માત્ર 17 મિનિટમાં જ પૂરા કરી દેવામાં આવ્યા હતા, જેમાં ધાર્મિક વિધીમાં માત્ર કબીર વાણીનો પાઠ કરવામાં આવતો હોય છે. 17 મિનિટના લગ્નમાં વર-વધૂ એકબીજાને હાર કે મંગળસૂત્ર નથી પહેરાવતા કે ન તો 7 ફેરા લેવામાં આવતા.
આ પ્રકારના લગ્નમાં કોઈ પંડિત કે બ્રાહ્મણની જરૂર પણ નથી પડતી. કબીર પંથના લગ્નમાં કોઈ ખર્ચો કે દેખાડો હોતો નથી.કબીર પંથ લગ્નમાં ખોટા ખર્ચા કરી દેખાડો કરવામાં વિશ્વાસ રાખતો નથી. આ ઉપરાંત તેમના દ્વારા આયોજિત લગ્નમાં કોઈ દહેજ કે સામાન્ય મીઠાઈનો પણ ખર્ચો હોતો નથી.
માત્ર કબીરવાણીના પાઠ દ્વારા સાદાઈથી 17 મિનિટમાં જ યુવક-યુવતીના લગ્ન કરી લેવાતા હોય છે. સંત રામપાલજીના દેશભરમાં લાખો શિષ્યો કોઈ પણ વધારાના ખર્ચા કર્યા વગર ફકત કબીરવાણી દ્વારા લગ્ન કરતા હોય છે. જોકે આ પહેલાં તેઓ કોર્ટ મેરેજ કરી રજિસ્ટ્રેશન કરાવી લેવાનું ફરજિયાત હોય છે. વડોદરામાં છેલ્લાં 3 વર્ષમાં આવાં આશરે 15 લગ્ન થયાં છે.