એક મણીના કારણે ભગવાન શ્રી કૃષ્ણ પર લાગ્યો હતો ચોરી નો આરોપ

સોનાની દ્વારિકામાં કથીર જેવી એક વાત ફેલાઈ કે શત્રાજિત પાસેથી અતિ કિંમતી સમ્યંતક મણિ શ્રીકૃષ્ણએ ચોરી લીધો છે. હકીકતમાં મણિ યાદવકુળના પ્રસેને ચોર્યો હતો અને તે મણિ લઈને નાસી છૂટયો હતો. શ્રીકૃષ્ણે મણિની શોધ કરી. તો છેવટે એ મણિ શંબર રાજ પાસેથી મળ્યો અને શંબરરાજે કહ્યું,’ વ્યકિતની પોતાની એ વસ્તુ કહેવાય કે એણે પોતાના પરાક્રમથી મેળવી હોય. આથી મણિની માલિકી મારી છે.’ શ્રીકૃષ્ણે ઘણી દલીલો કરી, પરંતુ શંબર માનવા તૈયાર નહોતો એટલે અંતે બોલ્યા,’ શંબરરાજ, મારે કોઈ પણ ભોગે મણિ જોઈએ છે. તમારે એ મણિ મને આપવો પડશે. બોલો, એને માટે હું શું કરું ?’

સંબરરાજે કહ્યું,’મણિ એમ ન મળે, મણિ તો પરાક્રમ દાખવીને મેળવવો પડે. પરાક્રમ કરીને આ મણિ મેં મેળવ્યો છે અને હું એનો માલિક બન્યો છું. અને હવે તમે પરાક્રમ દાખવીને મણિ મેળવીને એના માલિક બનો. બાકી બીજો કોઈ ઉપાય નથી.’

‘મણિ મેળવવાનો શું આ એક જ માર્ગ છે ?’ ‘હા, મારી સાથે યુદ્ધ કરો, મને પરાજય આપો અને મણિ મેળવો. જો યુદ્ધમાં તમે મારા પર વિજય મેળવશો તો આ મણિ પણ તમારો, હું પણ તમારો દાસ અને મારી આ પૃથ્વી પણ તમારી. આદિકાળથી સર્વસમૃદ્ધિ વિજેતાને જ વરતી આવી છે.’

‘શંબર તારી વાતનો સ્વીકાર કરું છું. એકવાર કાલિંદીમાંથી કાલિય નાગની પાસે ગયો હતો, ત્યારે પણ એને કહ્યું હતું કે મારી સાથે લડીને વિજ્ય મેળવ. વિજેતાઓની સર્વ ઇચ્છાને અમે વશ છીએ. એ કાલિય નાગ સાથે હું લડયો અને વિજ્ય મેળવ્યો. હવે તારી સાથે લડવા હું તૈયાર છું. તારું નામ શું છે ?’

શંબર રાજે કહ્યું, ‘મારું નામ જાંબુવાન’ અને પછી કૃષ્ણ અને જાંબુવાન વચ્ચે કુસ્તી થઈ. જાંબુવાન ઘણો બળવાન હતો એણે થોડો વખત તો શ્રીકૃષ્ણને ધોળે દિવસે તારા બતાવ્યા, પણ શ્રીકૃષ્ણે એને કુસ્તીમાં પરાજિત કર્યો અને મણિ લઈને દ્વારિકા પહોંચ્યો.

દ્વારિકામાં કૃષ્ણના આગમને આનંદની લહેર ફરી વળી. પ્રજાને બલરામની બહુ ચિંતા થતી નહીં, વારે વારે બલરામની ખબર પણ પૂછતી નહીં. બલરામએ તો વહેતી હવા જેવા. આજે અહીં, તો કાલે ત્યાં. પરંતુ કૃષ્ણનું તો પ્રજાના ચિત્ત પર એવું કામણ કે ભક્ત હોય કે વેરી- સહુની જીભે કૃષ્ણની વાત થતી હોય. એ ચિત્તચોર હતા અને મનમોહક હતા. આથી કૃષ્ણની ભાળ મળી નહીં ત્યાં સુધી દ્વારિકા નગરી ઉપરતળે થઈ રહી. યાદવોના ચહેરા પર નિરાશા હતી. એવામાં નગરજનોને જાણ થઈ કે જે મણિની શ્રીકૃષ્ણે ચોરી કરી હતી તેમ કહેવાતું હતું તે મણિએ જીવના જોખમે શોધીને લઈ આવ્યા છે, જેની ચોરીનો આરોપ એમના માથે મૂકાયો હતો તે સ્વયંતક મણિ અનેક પરાક્રમો કરીને પોતાની સાથે લઈને આવ્યા છે. શ્રીકૃષ્ણ પર શંકા સેવનારા લોકો આ સંદેશો સાંભળીને એમની આરતી ઉતારવા લાગ્યા. કોઈએ કહ્યું, કૃષ્ણ એટલે કૃષ્ણ.

સત્રાજિતે ક્ષમા માગી અને સમય જતાં એની પુત્રી સત્યભામાના શ્રીકૃષ્ણ સાથે વિવાહ થયા. સત્રાજિતે પોતાની પાસેનો એક મણિ આપવા રાજકુમાર નેમને પ્રયત્ન કર્યો. વળી નેમને આગ્રહ પણ કર્યો કે મણિ જડીને મુગટ બનાવી આપે, એ કહે તો મણિ જડેલી મુદ્રિકા બનાવી આપે. ત્યારે નેમે એના પર નજર નાખતાં કહ્યું,’ આ તો ભાવમણિ સિવાયનો દ્રવ્યમણિ, આનો મારે મન કોઈ મૂલ્ય નથી.’ આમ કહીં રાજકુમાર નેમ એને હાથમાં લઈ પાંચિકાની જેમ રમાડવા લાગ્યા.

નેમે કહ્યું,’ આ મણિનું મૂલ્ય ? આ એક જ મણિએ સત્રાજિતની આખી દુનિયાને અંધારી કરી મૂકી હતી. એને રાતના ઉજાગરા કરાવ્યા અને કંઈ કેટલા અવળાસવળા વિચાર કરાવ્યા. આ મણિએ તો કેવું મોટું તોફાન જગાવ્યું છે, જાણો છો ને ?’

‘ના, મણિ કઈ રીતે તોફાન જગાવે ?’ નેમકુમારે કહ્યું,’ અરે ! જે યાદવો પર શ્રીકૃષ્ણના અસીમ ઉપકાર છે, એ ઉપકાર પણ યાદવો ભૂલી ગયા. પારસમણિ જેવા શ્રીકૃષ્ણને વીસરીને એમને એ તુચ્છ મણિને ખાતર ચોર ઠેરવ્યા. મણિ પ્રકાશ આપતો નથી પણ અંધકાર ફેલાવે છે. ઇષ્ટ સર્જતો નથી પણ અનિષ્ટ ફેલાવે છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer