ચાલી જાણીએ ગણેશજીને આપવામાં આવેલ હાથીના મુખનું રહસ્ય

ગણેશ ચતુર્થીથી લઇને અનંત ચૌદસ સુધી જે ગણેશજીની આપણે રોજ પુજા કરવાના છીએ તેના વિશે આપણે કેટલુ જાણીએ છીએ. ગણેશજીનું રુપ માત્ર બાહ્ય નથી, આંતરિક પણ છે. ગણેશજીના સુપડા જેવા કાન, લાંબુ નાક, મહાકાય પેટ અને એકદંત આ બધા શેના સુચક છે જાણો છો. આપણે ગાઇએ તો છીએ એકદંત દયાવંત ચારભુજા ધારી પરંતુ તેનો અર્થ જાણવાની કોશિશ કરી છે.આજના જમાનામાં આપણા પ્રિય દેવ ગણેશજી પાસેથી ખરેખર ઘણી બાબતો શીખવા જેવી છે.

કદાચ આજના દરેક યુવાનો ને આવા પ્રશ્નો થતા હશે કે ભગવાન શંકર સર્વજ્ઞ છે તેમને બધી વાતની જાણ હોય છે તો તેમને એ કેમ ખબર ના પડી કે ગણેશ પાર્વતીજી એ ઉત્પન્ન કરેલો તેમનો જ પુત્ર છે. શા માટે અજ્ઞાન બનીને તેમણે માતાએ આપેલા કાર્યને પૂર્ણ કરી રહેલા એક બાળકનો ક્રોધવેશમાં શિરચ્છેદ કરી નાખ્યો.? અને જો ભગવાન શિવ એક હાથીનું મસ્તક મૂકી ને બાળકને સજીવન કરી શકે છે તો એ જ બાળકના મસ્તકને મૂકીને ફરી સજીવન ન કરી શકે.??અને મનમાં એક બીજો પણ સવાલ ઉઠે છે કે ગણેશ માટે નવા મસ્તક તરીકે બીજા કોઈ નું નહીં અને હાથી નું જ મસ્તક શા માટે.?

હાથીનું મુખ પ્રતીકાત્મક છે તે બુદ્ધિનું પ્રતીક છે હાથીના મોટા સુપડા જેવા કાન, લાંબી સૂંઢ, ઝીણી આંખો, મોટું પેટ, વગેરે.. આ દરેક અંગો પાછળ એક ખાસ અર્થ છુપાયેલો છે.

એકદંત : વિધ્નહર્તાનો એક દાંત આખો છે અને એક તુટેલો છે. એ બંને પણ સુચક છે. સ્વામી સચ્ચિદાનંદ કહે છે કે હથિયાર ઉપાડવાની ક્ષમતા પણ હોય અને પોતાની વ્યક્તિ માટે શસ્ત્ર ઉપાડવાની તૈયારી પણ હોવી જોઇએ. સમય સાથે નિર્ણય લેવાની ક્ષમતા હોવી જોઇએ.

લાંબી સૂંઢ : મોટું નાક અર્થાત સુગંધ/દુર્ગંધ પારખવાની તીવ્ર શક્તિ.. પ્રત્યેક વાત પાછળનો મર્મ એટલે કે ગંધ પ્રથમથી જ આવી જવી જોઈએ કે એ વાત પાછળનો અર્થ શું નીકળે છે . કારણ કે કૂકર્મ ના ઉકરડા પર ઘણાય લોકો કહેવાતા સત્કર્મનું મખમલ પાથરીને બેઠા હોય છે તો આ કહેવાતી સત્કર્મની સુગંધની પાછળ છુપાયેલા કુકર્મને ઓળખવાની શક્તિ.

મોટા કાન : સુપડા જેવા કાન અર્થાત સાંભળવાની વિશાળ શક્તિ.. વાત દરેક ની શાંતિથી સાંભળવી પણ ઉપયોગ સુપડાની જેમ કરવો. જેમ સુપડામાં અનાજ રહે છે અને ફોતરાં ઉડી જાય છે તેમ સંસારમાં થતી દરેક વાતમાંથી એમાં રહેલી સારપ ગ્રહણ કરવી અને નકામી વાતોને ફોતરાની જેમ બહાર ઉડાડી દેવી.

ઝીણી આંખો : ઝીણી આંખો શુક્ષ્‍મત્તમ અવલોકન કરવાની ક્ષમતા દર્શાવે છે. જાણે એ દ્વારા સમજાવવાનો પ્રયાસ છે કે જીવનમાં સૂક્ષ્‍મ દ્રષ્ટિ રાખવી મતલબ સારા-નરસાનું બારીકાઈ થી અવલોકન કરવું અને જીવનમાં પ્રવેશતા શુક્ષ્‍મ દોષોને પણ બારીકાઈ થી જોઇને જાણીને પ્રવેશતા અટકાવવા.

વિશાળ પેટની : લંબોદરની જે સારી પાચન શક્તિ નું પ્રતીક છે. બધી સાંભળેલી વાતોને પચાવવાની ક્ષમતા દર્શાવે છે.જાણે સમુદ્રની જેમ.. જેમ સમુદ્રમાં ઘણું બધું સમાતું જાય છે એમ આપણે પણ બધાની વાતોને આપણા મનમાં સમાવી લેવી જોઈએ. ઘણા મહાનુભાવોનું પેટ ખૂબ સાંકળું હોય છે સાવ ખોબા જેટલું. કહેવાની અને ન કહેવાની દરેક વાત જ્યાં ને ત્યાં કહેતા ફરતા હોય છે. ગણેશજીના મોટા પેટ દ્વારા જાણે એમ સમજાવવામાં આવે છે કે વ્યક્તિએ સાગરની જેમ પોતાની અંદર અનંત વાતોને સમાવવાની શક્તિ રાખવાની છે. જેથી અન્ય કોઈ પણ વ્યક્તિએ આપણા પર મુકેલા વિશ્વાસ અને ભરોસા જળવાઈ રહે.

ગણેશજીનું વાહન પણ ઘણું રહસ્ય કહી જાય છે. ઉંદરની પ્રકૃતિમાં ચોર વૃત્તિ છે. ઉંદર સારી સારી વસ્તુઓ પહેલા તો એકઠી કરે છે અને પછી તેનો ઉપયોગ કરે છે. આ એક પ્રતીકરૂપ છે જે દ્વારા આપણને એમ સમજાવવા માંગે છે કે આપણે પણ સમાજમાંથી સારી વાતનું ગ્રહણ કરવું જોઈએ અને પછી તેનો ઉપયોગ કરવો જોઈએ. ઉંદરની એક બીજી પણ ખસીયત છે કે એ જ્યારે કરડે છે ત્યારે ફૂંક મારી મારી ને કરડે છે. જેથી કોઈને ખબર ન પડે આપણે એ ગુણ પણ ગ્રહણ કરવા જેવો છે. જ્યારે કોઈની વાત આપણને ન ગમી હોય, કોઈને એની ભૂલ બતાવવી હોય તો એવી મીઠાશથી ધીમે ધીમે કહેવું જોઈએ જેથી સામી વ્યક્તિ ને ખોટું પણ ન લાગે અને આપણું કામ પણ થઈ જાય.

ગણેશજીનો પ્રસાદ પણ સુચક છે : હિન્દુ સંસ્કૃતિમાં ફક્ત એક એવા ભગવાન છે જેમના ફોટામાં તેમની સાથે પ્રસાદ પણ દર્શાવાય છે. ગણેશજીના પ્રસાદ લાડુનો અર્થ એ છે કે એટલા કડવા ન બનો કે લોકો તમારી પાસે આવવાનું ટાળે. હંમેશા મીઠા બનીને રહો. તમારા વાણી અને વર્તનમાં મીઠાશ હોવી જોઇએ. તો આ છે ગણપતિજીના અનોખા દેખાવ પાછળનું રહસ્ય

Leave a reply:

Your email address will not be published.

Site Footer