નવલાં નોરતા એટલેકે નવરાત્રિમાં માતા માટે વ્રત કરવાનો અનોખો મહિમા છે. આદ્યશક્તિ માં અંબાજીની પૂજા કરવા ઉપરાંત પણ કેટલાક રિત રિવાજ હોય છે જેને પૂરા કરવામાં આવે છે. આ રિવાજ માંથી એક છે ઘરમાં માટીના પાત્રમાં જુવારા ઉગાડવા. કહેવાય છે કે માતાની પૂજા જ્યાં થાય છે ત્યાં જુવારા અચૂક ઉગાડવામાં આવે છે. નવરાત્રિમાં આ કાર્ય મહત્વ પૂર્ણ ભાગ ભજવે છે. પરંતુ તેની પાછળ શું કારણ છે તેના વિશે લોકો જાણતા નથી. તો ચાલો જાણી લઈએ કે શા માટે નવરાત્રિમાં જુવારા ઉગાડવામાં આવે છે.
આપણા ગ્રંથોમાં દર્શાવાયું છે કે સૃષ્ટિની શરૂઆત થઈ ત્યાર બાદ પહેલીવાર જવની ખેતી થઈ હતી. એટલા માટે જ દેવી દેવતાઓની પૂજા અને હવનમાં જવનો ઉપયોગ થાય છે. જવ વાવવા પાછળનું અન્ય એક કારણ એ પણ છે કે તેના પરથી ભવિષ્યના સંકેત મળે છે. આ ઉપરાંત માનવામાં આવે છે કે જવ અન્ન બ્રહ્મ છે અને આપણે અનાજનું હંમેશા સન્માન કરવું જોઈએ. તેનું સ્થાન હંમેશા ઉચ્ચ હોય અને તેનું અપમાન ન થાય તેનું ધ્યાન રાખવું જોઈએ.
નવરાત્રિના જુવારા સાથે જોડાયું છે ભવિષ્ય કથન નવરાત્રિમાં વાવેલા જુવારા જો શરૂઆતના ત્રણ દિવસમાં જ અંકુરિત થઈ જાય તો તેને શુભ માનવામાં આવે છે, પરંતુ જો જવારા ઉગે નહીં તો તેને અશુભ ગણવામાં આવે છે. તેનો અર્થ થાય છે કે ભવિષ્યમાં મહેનત કરવા છતા સફળતા પ્રાપ્ત થશે નહીં.
જવ ઉગે અને તેનો નીચેનો રંગ પીળો અને ઉપરનો રંગ લીલો હોય તો સમજી લેવું આગામી સમય સારો અને નબળો બંને રહેશે. વાવેલા જવ સફેદ કે લીલા રંગમાં ઉગે તો તે શુભ ગણાય છે. તેનો અર્થ થાય છે કે આગામી સમય ખુશહાલીમાં પસાર થશે.