જાણો આરતી સાથે સંકળાયેલ કેટલીક ખાસ વાતો અને તેનાથી થતા લાભ

‘હે ભગવાન, તમારા મુખ ચંદ્રનાં દર્શન કરવા માટે કપૂર અને ઘીથી મિશ્રિત, રત્નોથી શણગારેલી, સર્વ પાપને હરણ કરનારી, શુભકારી આરતીનો આપ સ્વીકાર કરો.’ ભગવાનનાં ચરણ કમળથી માંડી તેમનાં મુખારવિંદ સુધીનું દર્શન કરાવનાર જ્યોતનો હું કેટલો ઋણી છું! ભગવાનનાં અંગ ઉપર ફરી જેણે મારા મનને ભગવાનમાં કેન્દ્રિત કર્યું તેને શું હું માથે ન ચડાવું? આવા ભાવથી જ આપણે આરતીની આશકા લઇએ છીએ, તેને માથે ચડાવીએ છીએ. આરતીનાં દર્શન ન કરીએ તો દર્શન અધૂરાં ગણાય.

આરતીમાં આર્તતા હોવી જોઇએ, પ્રભુ માટેના ભાવથી અંતઃકરણ ભીનું થયેલું હોવું જોઇએ. વિશ્વચાલક એવા પ્રભુની શક્તિ માટે અખૂટ વિશ્વાસ હોવો જોઇએ. તેના ચરણે જીવનને ધરવાની તીવ્રતમ અભિલાષા હોવી જોઇએ. સાથે સાથે અત્યાર સુધી કંઇ કરી શકયો નહીં તેની દિલમાં વ્યથા હોવી જોઇએ. બાલ્ય રમતમાં ખોયું, યૌવન વિષયોમાં વેડફયું અને શક્તિહીન વાર્ધક્યમાં મનડું મુંઝાતું રહ્યું. આવી બધી વાતોનો પ્રભુ પાસે ખુલ્લા દિલે એકરાર કરવો જોઇએ. પ્રાયશ્ચિતની આગથી બળતા હૃદયે પ્રભુ પાસે ક્ષમાની યાચના કરવી જોઇએ.

‘જાગ્યા ત્યારથી સવાર’ – એ નિયમાનુસાર જીવનનો રાહ બદલવાની પૂર્ણ તૈયારી હોવી જોઇએ. તે માર્ગનાં સ્પષ્ટ દર્શન માટે જોઇતી દૃષ્ટિ, તે પંથે આગળ વધવા માટે જોઇતી શક્તિ અને તે જ રાહ પર મક્કમતાપૂર્વક સતત ટકી રહેવાને ભાવપૂર્ણ આરતી ઉતારવામાં આવે તો આરતીનો પ્રકાશ આપણા જીવન-પથને અજવાળી રહે. આરતીની સૌરભ આપણા ચારિત્ર્યને સુગંધી બનાવે અને આરતીનું ગાન આપણા જીવનમાં એક અનોખું સંગીત નિર્માણ કરે!

વિષયાસકત થયેલું મન ક્ષણભર સંસારની તુચ્છતા ભૂલી આરતીની આશંકાની સાથે ભગવાનની મૂર્તિ ઉપર ફરે છે, એકાગ્રતા સાધે છે. આરતીમાં મનને ખેંચી રાખવાનું સામર્થ્ય છે. આરતી મનની એકાગ્રતાને વેગ આપે છે. વાતાવરણને પ્રસન્નતાથી ભરી નાખે છે. આરતી ઉતારવાની પણ એક લાક્ષણિક રીતે છે. મન, મૂર્તિમાં સ્થિર રહે તે માટે પૂજારી આરતીની આશકા ભગવાનનાં અંગેઅંગ ઉપર ફરે તે રીતે આરતી ફેરવે છે. દર્શનાર્થીનું મન આરતીની આશકાની સાથે સાથે ભગવાનના અંગેઅંગ ઉપર ફરે છે. ચિત્તને પ્રસન્નતા લાધે છે. તેમજ અનોખી શાંતિનો અનુભવ થાય છે.

ભગવાનને એના સમગ્ર રૂપમાં જોવા અને જાણવા જોઇએ એવો મૂકે સંદેશ પણ આરતી આપણને આપે છે. જુદી જુદી ભૂમિકા પર રહેલા ભક્તો ભગવાનના જુદા જુદા અવયવો છે અને તત્ અવયવ પર તેમનું ધ્યાન કેન્દ્રિત થાય છે. ભગવાનની મદદની અપેક્ષા રાખનાર તેમજ તેમની ચરણ સેવાની તમન્ના રાખનાર ભક્તો ભગવાનના પગને જોવામાં મશગૂલ બની જાય છે. પોતાના વિકાસની ઇચ્છા રાખનાર તેમજ ભગવાન પાસેથી શાબાશીની ઝંખના રાખનાર ભક્તો ભગવાનના હસ્તકમલ પર પોતાનું મન સ્થિર કરે છે. ‘કોઇ મને સાંભળતું નથી’ – એવી સતત ફરિયાદ કરનાર, પોતાનાં સુખદુઃખો કોની પાસે કહેવા તેની મૂંઝવણ અનુભવનાર લોકો ભગવાનના કાન નિહાળીને ખુશ થાય છે. કોઇ ભગવાનની અમીદૃષ્ટિ ઝંખે છે. તેથી ભગવાનના નયનો નિહાળીને આનંદે છે, તો કોઇ જ્ઞાની ભક્ત ભગવાનનાં અધરામૃતની અભિલાષા સેવે છે. આ રીતે ભગવાનનાં સમગ્ર સ્વરૂપને પ્રકાશિત કરતી આરતી સર્વજનોની અભિલાષાને સંતોષે છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer