જાણો શું છે પુજાના ફૂલોનું મહત્વ, શા માટે પૂજામાં ઉપયોગમાં લેવાય છે ફૂલો?

ભગવાનનું પૂજન કરતી વખતે સુંદર, ખીલેલું, સુવાસથી મહેકતું કોમળ પુષ્પ તેના ચરણે ધરી ધન્યતા અનુભવીએ છીએ. એક કવિની પંક્તિમાં કહેવું હોય તો ‘તારું દીધેલું તુજને સમર્પણ થઈ જતો હું અવ ધન્ય ધન્ય.’ નિરુક્તમાં પુષ્પ શબ્દની વ્યાખ્યા મુજબ પણ તેનો ભાવ કંઈક આવો છે.

વિશ્વના બધા ધર્મો પોતપોતાની રીતે ભગવદ્શક્તિનું-ઈશ્વરનું પૂજન કરે છે, પરંતુ તેની જે પરંપરા છે, તેની પાછળ જે કાંઈ ભાવ છે તે અનેરો જ છે. અર્થાત્, કાળક્રમે તેમાં તાંત્રિકતા અને અંધશ્રદ્ધાનું ગાંડપણ ઘૂસી ગયું છે, તે વર્જ્ય છે, પરંતુ પૂજનની પ્રત્યેક કૃતિ પાછળનો ભાવ જોતાં આપણી સંસ્કૃતિ, આપણા ઋષિઓ તથા આપણા ધર્મ માટે નતમસ્તક થવાય છે.

પુણ્યસંવર્ધનાચ્ચાપિ પાપૌધપરિહારતઃ ।

શ્રેષ્ઠફલાર્થપ્રદાનૃ પુષ્પમિત્થાભિધીયતે ।।

અર્થઃ ‘પુણ્યને વધારનાર, પાપોને ભગાડનાર અને શ્રેષ્ઠ ફળ પ્રદાન કરનારને પુષ્પ કહે છે.’ એવી વ્યાખ્યા કુલાવર્ણ તંત્રમાં છે.

દેવોપાસનાનાં બધાં સાધનોમાં પુષ્પને શ્રેષ્ઠ સાધન માન્યું છે.

પુષ્પૈદેવાઃ પ્રાસીદન્તી પુષ્પે દેવાશ્ચ સંસ્થિતાઃ ।

ન રત્તૈર્ન પ્રસાદમાયાતિ યથા પુષ્પૈઃ જનાર્દનઃ ।।

અર્થઃ ‘હે જનાર્દન! પુષ્પોથી દેવો પ્રસન્ન થાય છે. પુષ્પોમાં દેવો છે. અને તે દેવો રત્નો, સુવર્ણ કે વિત્તથી પ્રસન્ન ન થતાં પુષ્પોથી ઘણા પ્રસન્ન થાય છે.’

પરંતુ આપણે ભગવાનને ફૂલ ચડાવીએ એમાં આપણી શું વિશિષ્ટતા છે? વિશ્વનિયંતાએ ફૂલ નિર્માણ કર્યું, તે ખીલવ્યું. તેમાં સૌંદર્ય અને કોમળતા નિર્માણ કરી સૌરભથી મહેકતું કર્યું. તેણે નિર્માણ કરેલું તે ફૂલ આપણે બાગમાંથી ચૂંટી લાવીએ એ સિવાય આપણું, બીજું કયું કર્તૃત્વ છે? જોકે આજે તો બાગમાં ચૂંટી લાવવાની તકલીફ પણ બહુ ઓછા લોકો લે છે. મોટા ભાગના તો બે રૂપિયામાં ખરીદી કરીને લાવેલાં ફૂલ ભગવાનને ચડાવે છે. મતલબ પૈસાથી ખરીદેલું ફૂલ ભગવાનને ચડાવે છે

પૂજાનું ફૂલ જીવન પુષ્પનું પ્રતીક

હકીકતમાં તો આપણા કર્તૃત્વથી ખીલાવેલું આપણું જીવનપુષ્પ ભગવાનના ચરણે ધરવાનું છે. એમ પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રીજી કહેતા અને તેના પ્રતીક તરીકે આપણે બાગમાં ખીલેલું ફળ વિશ્વનિયંતાને ચરણે ધરીએ છીએ.

સંસાર હંમેશાં કાંટાથી ભરેલો છે અને તે દુઃખભર્યા સંસારમાં સદાયે હસતા રહી આપણા જીવનપુષ્પને ખીલતું રાખવામાં જ માનવીનું કર્તૃત્વ છે. તે જીવનપુષ્પ દુઃખના બોજા નીચે દબાઈ ન જાય, સદાય પ્રસન્ન અને ખીલતું રહે તેમાં માનવીના પુરુષાર્થને આહ્વાન છે. તેમાં કલાકારનો જીવંત આદર્શ છે. માનવીના સત્કર્મની જ આ વિશિષ્ટતા છે અને પોતાના કર્તૃત્વથી ખીલાવેલું પ્રસન્ન, સદાય હસતું જીવનપુષ્પ ખુમારીથી ઊભું રહ્યું હોય એવું પુષ્પ, પ્રભુને ચરણે ધરી કૃતકૃત્યતા અનુભવવાની.

પ્રભુને ચરણે ધરવાનું જીવનપુષ્પ સુંદર હોવું જોઈએ, તેમાં જીવનના વિવિધ સદ્ગુણોના રંગોની કલાત્મક પુરવણી હોવી જોઈએ. તેને સદ્ગુણોથી સુશોભિત કરવાનું. એટલે કે તે સદ્ગુણો જીવનમાં વણાઈ ગયેલા હોવા જોઈએ. ફક્ત કહેવા પૂરતા, દેખાવના નહીં. નહીં તો પછી તે ચોંટાડેલા કાગળના ફૂલ પર અત્તર છાંટવા જેવું થશે. તેથી સદ્ગુણો ખીલવી તેમાં સૌંદર્ય નિર્માણ કરવાનું અને સદ્ગુણોથી મંડિત થયેલા સુંદર બનેલા જીવનપુષ્પને પ્રભુચરણે ધરવાનું. ભર્તૃહરિ કહે છે તેમઃ

અહિંસા એ પ્રથમ પુષ્પ છે. ઈન્દ્રિય નિગ્રહ (ઈન્દ્રિયોને તેમના મનમાન્યા વિષયમાં જવા ન દેવા) એ બીજું પુષ્પ, પ્રાણીમાત્ર ઉપર દયા (બીજાના દુઃખને પોતાનું સમજી તે દૂર કરવા પ્રયત્ન કરવો) એ ત્રીજું સર્વોપયોગી પુષ્પ છે, શાંતિ (કોઈપણ અવસ્થામાં ચિત્તને ક્ષુબ્ધ થવા ન દેવું) એ ચોથું પુષ્પ, બધાથી વિશેષ છે. પાંચમું પુષ્પ શમ (મનને વશમાં રાખવું) તપ (કોઈપણ પરિસ્થિતિમાં-સુખમાં દુઃખમાં સ્વધર્મનું પાલન કરવું) એ છઠ્ઠું પુષ્પ છે. ધ્યાન (ઈષ્ટદેવના સ્વરૂપમાં ચિત્તની તદાકાર વૃત્તિ) એ સાતમું પુષ્પ છે અને આઠમું પુષ્પ, સત્ય છે. તેનાથી ભગવાન કેશવ સંતુષ્ટ થાય છે. આ આઠ પુષ્પો દ્વારા પૂજિત થવાથી ભગવાન હરિ પ્રસન્ન થાય છે. હે મનુષ્યોમાં શ્રેષ્ઠ! આ સિવાય બાહ્ય પુષ્પો પણ તને પ્રાપ્ય છે. મતલબ, તેનાથી પણ તું ભગવાનનું પૂજન કરે.

આ રીતના ગુણોથી જીવનપુષ્પને આભૂષિત કરી સૌંદર્યથી ઓપતું રાખી પ્રભુ ચરણે ધરવાનું છે. આ જીવનપુષ્પમાં દૈવીકાર્યની-પ્રભુકાર્યની સત્કાર્યની સુવાસ ભરવાની, સત્કાર્ય એટલે જે સત્ની સમીપ લઈ જાય તે. તેવાં સત્ કૃત્યોથી જીવન પુષ્પને મહેકતું કરવાનું. આ દેહ સત્કૃત્યોથી જેટલો ઘસાશે તેટલી તેમાં વધુ સુવાસ આવશે. આ જીવનપુષ્પને પ્રભુચરણે ધરતાં પહેલાં તપાસવાનું કે તેમાંથી સત્કૃત્યોની સુવાસ આવે છે કે પછી ભોગની, લંપટતાની, વિલાસી-વિષયી જીવનની બૂ આવે છે? આ જીવનપુષ્પને ભગવાનના ચરણે ધરતી વખતે તેમાં ભક્તિથી હૃદયની કુમાશ લાવવાની. એ જીવનપુષ્પને પ્રભુ ચરણે ધરતાં પહેલાં તપાસીએ કે તેમાં ભક્તિનું માધુર્ય છે કે પછી મારે ફૂલ ચડાવવું જોઈએ તેથી ચડાવું છું, તેવી યાંત્રિકતાથી તો હું તે ચડાવતો નથીને?

Leave a reply:

Your email address will not be published.

Site Footer