એકાદશી એ હિંદુ ધર્મનું એક મહત્વપૂર્ણ વ્રત છે. હિંદુ ધર્મમાં માનતા લોકોમાં આ વ્રતનું મહત્વ ઘણું વધારે હોય છે. આપણાં કેલેન્ડર ના વર્ષમાં ૨૪ એકાદશી હોય છે, પરંતુ જો વર્ષમાં કોઈ અધિક માસ હોય તો ત્યારે તે વધીને ૨૬ થઈ જાય છે. એકાદશી વિશે કહેવામાં આવે છે કે તે ભગવાન વિષ્ણુનું સૌથી પ્રિય વ્રત છે. આ કારણે ભગવાન વિષ્ણુના ભક્ત એકાદશીનું વ્રત રાખીને એમના બધા અવતારોનું ધ્યાન ધરતા પૂજા-પાઠ કરે છે. હિન્દુ સંસ્કૃતિ મુજબ દરેક વ્રતના પોતાના ખાસ નિયમ હોય છે. એવી જ રીતે એકાદશીના વ્રતના પણ નિયમ છે. જેનું પાલન કરવું ઘણું જરૂરી છે.
આ દિવસે સાત્વિકતાનું પાલન કરવું ઘણું જરૂરી છે. એટલે કે એકાદશીનું વ્રત કરવા વાળા અને હિંદુ ધર્મમાં આસ્થા રાખવા વાળા લોકોએ આ દિવસે લસણ, કાંદા, માંસ, મચ્છી, ઈંડાં વગેરેનું સેવન કરવું જોઈએ નહીં. સાથે જ એકાદશીના વ્રતમાં ચોખા પણ ના ખાવા જોઈએ. શા માટે એકાદશીમાં ચોખાનું સેવન ન કરવું? અને તેની પાછળનું કારણ શું છે? તે આજે અમે તમને એના વિશે જણાવવા જઈ રહ્યા છીએ.
પૌરાણિક કથા અનુસાર માતા શક્તિના ક્રોધથી બચવા માટે મહર્ષિ મેઘાએ પોતાના શરીરની ત્વચાનો ત્યાગ કરી દીધો હતો. અને તેનો અંશ પૃથ્વીમાં સમાઈ ગયો હતો. ત્યાર બાદ મહર્ષિ મેઘા ચોખાને જવના રૂપમાં ધરતી માંથી ઉત્પન્ન થયા હતા. એ જ કારણ છે કે ચોખા અને જવની અંદર જીવ છે એમ માનવામાં આવે છે. અને જે દિવસે મહર્ષિ મેઘાના અંશ પૃથ્વી પર પડ્યા એ દિવસે એકાદશી હતી.
ચોખા અને જવને જીવ માનવામાં આવે છે, આ કારણે આ દિવસે ચોખા ખાવા વર્જિત છે. એવું માનવામાં આવે છે કે ચોખાનું સેવન કરવું એ મહર્ષિ મેઘાનું માંસ અને લોહીનું સેવન કરવા બરાબર છે. આ તો થઇ ધાર્મિક ચોખા ના ખાવાની વાત, હવે જોઈએ વિજ્ઞાન અનુસાર એકાદશીના દિવસે ચોખા કેમ ન ખાવા જોઈએ? વિજ્ઞાન અનુસાર ચોખામાં પાણીની સૌથી વધારે માત્રા મળી આવે છે. એનું સેવન કરવાથી શરીરમાં પાણીની માત્રા વધે છે. જેના કારણે વ્યક્તિનું મન ચંચળ અને વિચલિત થાય છે. આ કારણે એકાદશીના વ્રતમાં વ્યક્તિનું મન નથી લાગતું. વ્યક્તિના મનમાં વિવિધ પ્રકારના ખ્યાલ આવે છે. એ જ કારણે એકાદશીના દિવસે ચોખા ખાવાની મનાઈ છે.