નારાયણનું નિરંતર સ્મરણ કરનારા દેવર્ષિ નારદ વિશેની કેટલીક રોચક વાતો

નારાયણનું નિરંતર સ્મરણ કરનારા દેવર્ષિ નારદને કોણ નથી જાણતું ? લગભગ બધાં પુરાણોમાં તેમની ચર્ચા છે. એક રીતે જોતા તેઓ ભગવાનના સંદેશ વાહક છે. શાસ્ત્રોમાં તેમને ભગવાનનું મન કહ્યા છે. તેથી નારદજીને બધી જગ્યાએ ખૂબ મહત્વનું સ્થાન મળ્યું છે. ફક્ત દેવો જ નહિ દાનવો પણ તેમનો આદર કરતા હતા. બધા જરૂર પડયે તેમની પાસેથી સલાહસૂચન માગે છે. શ્રીમદ્ ભગવદ્ગીતાના દશમાં અધ્યાયના ૨૬મા શ્લોકમાં સ્વયં ભગવાન શ્રીકૃષ્ણે કહ્યું છે કે દેવર્ષીણામ્ ચ નારદ: એટલે કે દેવર્ષિઓમાં હું નારદ છું. હિંદુ શાસ્ત્રો અનુસાર દેવર્ષિ નારદ બ્રહ્માજીના માનસ પુત્ર છે. તેઓ ભગવાન વિષ્ણુના અનન્ય ભક્ત છે. તેઓ ભક્તિ તથા સંકીર્તનના આદિ આચાર્ય છે.
તેઓ સદૈવ ભગવાન નારાયણનું કીર્તન પ્રસિધ્ધ રચનાઓ નારદ પંચરાત્ર નારદ ભક્તિસૂત્ર, નારદપુરાણ, નારદ સ્મૃતિ વગેરે છે. એમની સાથે સંબંધિત ઉપાખ્યાનો આપણા વૈદિક સાહિત્ય રામાયણ, મહાભારત, પુરાણો, સ્મૃતિઓ , અર્થવ વેદ, ઐતરેય બ્રાહ્મણ વગેરેમાં મળે છે.

નારદજી બધા લોકોમાં ઇચ્છાપ્રમાણ વિચરણ કરે છે. તેઓ સંદેશાઓને એક લોકમાથી બીજા લોકમાં તથા એક વ્યકિતથી બીજી વ્યકિત સુધી પહોંચાડવાનું કાર્ય કરે છે. દેવર્ષિનારદ ધર્મનો પ્રચાર કરતાં કરતાં લોકકલ્યાણ માટે હંમેશા પ્રયત્નશીલ રહેતા હતા. તેઓ સંભવિક સંકટોને અગાઉથી જાણી લઈને લોકોને સચેત કરી દેનારા દીર્ઘદ્રષ્ટા તથા જ્ઞાાનિ વ્યકિત હતા. તેઓ જાગૃતિ ફેલાવવાનું કામ કરે છે. તેઓ ગમે તેવા ચમરબંધીને પણ સાચી તથા કડવી વાત કહેવામાં સંકોચ રાખતા ન હતા. પુરાણો અનુસાર તેઓ ગૃહસ્થોને પરોપકાર, નિઃસ્વાર્થતા, દીર્ઘદૃષ્ટિ જેવા ગુણોનો ઉપદેશ આપતા જોવા મળે છે.

નારદ શબ્દનો એક વિશેષ અર્થ છે- નાર શબ્દનો અર્થ જ્ઞાન થાય છે અને દ નો અર્થ છે- આપવું એટલે કે જે ત્રણેય લોકોને જ્ઞાન આપે છે તેને નારદ કહે છે. જે અજ્ઞાનતાનો નાશ કરે તે નારદ છે. બ્રહ્મવૈવર્તપુરાણ અનુસાર દદાતિનારં જ્ઞાાનં ચ બાલકેભ્યશ્ય બાલક જાતિસ્મરો મહાજ્ઞાનીતેનાય નારદ: સ્મૃત: ।। અર્થાત જે જ્ઞાનનું દાન કરે છે, બાળકો સાથે બાળક જેવા અત્યંત સરળ તથા છળકપંટરહિત બની જાય છે. તેઓ જાતિસ્મર છે એટલે કે તેમને તેમના પુનર્જન્મોની સ્મૃતિ રહે છે.

શ્રીમદ્ ભાગવત મહાપુરાણમાં કહ્યું છે કે- સૃષ્ટિચક્રમાં ભગવાને દેવર્ષિ નારદના રૂપમાં ત્રીજો અવતાર લીધો હતો અને સાત્વતતંત્ર જેને નારદ પાંચ રાત્ર પણ કહે છે તેનો ઉપદેશ આપ્યો.

વાયુપુરાણમાં દેવર્ષિના પદ તથા લક્ષણોનું વર્ણન કરવામાં આવ્યું છે. આ પુરાણ અનુસાર દેવલોકમાં પ્રતિષ્ઠા મેળવનાર ઋષિઓ દેવર્ષિ તરીકે ઓળખાય છે. તેઓ ભૂત, વર્તમાન તથા ભવિષ્ય કાળના જ્ઞાાતા, સત્ય બોલનાર, આત્મસાક્ષાત્કાર કરનાર, કઠોર તપસ્યા કરવાને કારણે લોકવિખ્યાત, ગર્ભાવસ્થામાં જ અજ્ઞાાનરૂપી અંધકારનો નાશ થઈ જવાને કારણે જેમનામાં જ્ઞાાનનો પ્રકાશ થઈ ગયો છે એવા મંત્રવેત્તા તથા પોતાના ઐશ્વર્યની બળે બધાં લોકોમાં પહોંચવામાં સક્ષમ, મંત્રણા માટે વિદ્વાનોથી ઘેરાયેલા દેવતા, દ્વિજ તથા નૃપ દેવર્ષિ કહેવાય છે.

અઢાર પુરાણોમાંથી એક પુરાણ એક પુરાણ નાર દોક્ત કે બૃહન્નારદીય પુરાણથી પ્રખ્યાત છે. મત્સ્યપુરાણમાં વર્ણન આવે છે કે નારદજીએ બૃહદકલ્પ પ્રસંગમાં જે અનેક આખ્યાયિકાઓ કહી છે તે ૨૫ હજાર શ્લોકોનો મહાગ્રંથ જ નારદપુરાણ છે. આજે જે નારદપુરાણ જોવા મળે છે. તેમાં ફક્ત ૨૨ હજાર શ્લોકો છે. પ્રાચીન પાંડુ લિપિનો કેટલોક ભાગ નષ્ટ થઈ જવાના કારણે તેમાં ૩ હજાર શ્લોકો ઓછા થઈ ગયા છે.

નારદજીનો ઉલ્લેખ ઋગ્વેદ તથા અથર્વેદમાં પણ થયો છે. વેદમંત્રોનો જે ઋષિએ સાક્ષાત્કાર કર્યો તે સૂક્તના મંત્રોના તે દ્રષ્ટા કહેવાય છે. નારદજીની બાબતમાં સંત નાભાદાસજીએ લખ્યું છે કે દેવર્ષિ નારદ તો પરમાત્માનું મન છે. અને જગતના પરમ ઉપકારક છે. સેવા, પૂજા, કીર્તન, ભક્તિ, પ્રસાદ તથા ભક્તિનો પ્રચાર કરવામાં તેઓ સર્વપ્રધાન છે.
પુરાણો અનુસાર એક વાર નારદજીએ પ્રજાપતિ દક્ષના હર્યસ્વ, શવલાશ્વ વગેરે પુત્રોને યોગશાસ્ત્રનો ઉપદેશ આપીને ત્યાગી બનાવી દીધા. આથી ગુસ્સે થઈને દક્ષે તેમને શાપ આપ્યો કે તમે બે ઘડી કરતાં વધારે સમય સુધી એક જગ્યાએ ટકી નહિ શકો. નારદજીએ આ શાપને બીજા લોકોના પરોપકાર માટે વરદાનમાં બદલી નાખ્યો. તેઓ ફરીફરીને લોકોને આવનારા સંક્ટોથી સચેત કરતા રહ્યા.

દેવર્ષિનારદજીનું મહત્વ સ્મૃતિઓ તથા પુરાણોમાં પણ વિશેષરૂપે દર્શાવવામાં આવ્યું છે. નારદજીએ મહારાજ યુધિષ્ઠિરને રાજનીતિ માટે જે ઉપદેશ આપ્યો તે ઉચ્ચકોટિનો છે. જ્યારે યુધિષ્ઠિર છળકપટના કારણે જુગારમાં હારી ગયા. અને તેમને વનવાસ આપવામાં આવ્યો તે વખતે નારદજીએ કૌરવોની સભામાં કહ્યું હતું કે દુર્યોધન તથા શકુનિના દોષોના કારણે આજથી ૧૪મા વર્ષે ભીમ તથા અર્જુનના હાથે સમગ્ર કુરુવંશનો નાશ થશે. દેવર્ષિ નારદ કોઈના શત્રુ પણ નથી કે મિત્ર પણ નથી. જ્યારે દુર્યોધને અન્યાય કર્યો ત્યારે તેને ધમકાવ્યો અને જ્યારે યુધિષ્ઠિર ન્યાયના માર્ગમાંથી વિચલિત થયા ત્યારે તેમને પણ ઠપકો આપતાં અચકાતા ન હતા.

એક વાર મહારાજ ઉગ્રસેને ભગવાન શ્રીકૃષ્ણને પૂછયું કે નારદમાં એવા કયા ગુણો છે, જેનાથી તેઓ ત્રણે લોકમાં પૂજાય છે ? શ્રીકૃષ્ણે કહ્યું કે નારદને કદી પોતાના માટે અભિમાન થયુ નથી. એમનામાં ક્રોધ, ચંચળતા, ભય, કામ, લોભ વગેરે નથી. તેઓ અધ્યાત્મને જાણનાર, ક્ષમાશીલ, જિતેન્દ્રિય, સરળ હૃદયવાળા તથા સત્યવાદી છે. એમનામાં રાગ દ્વેષ નથી. તેઓ સ્વભાવથી જ વિતરાગ છે. તેનું અંતઃકરણ વિકારરહિત છે તેથી નારદ બધેય પૂજાય છે.

દેવર્ષિ નારદે ઘણા લોકોના જીવનને બદલી નાખ્યું હતું એમાં રત્નાકર ડાકુનું નામ પ્રસિધ્ધ છે. તેને એમણે સંસારની વાસ્તવિકતા સમજાવી અને રામનામ જપવાનું કહ્યું. પ્રચંડ તપ કરવાને કારણે તે ડાકુમાંથી ઋષિ બની ગયા. રાજકુમાર ધ્રુવને જ્યારે તેમની અપર માતાએ પિતાની ગોદમાંથી ઉતારી મૂક્યા ત્યારે તેઓ નારદજીની સલાહથી પરમ પિતાના ખોળામાં બેસવા માટે તપ કરવા જંગલમાં ગયા. દેવર્ષિ નારદે તેમને માર્ગદર્શન આપીને’ ઓમ નમો ભગવતે વાસુદેવાય’ મંત્રના જપ કરવાનું કહ્યું હતું. આમ દેવર્ષિ નારદનું વ્યકિતત્વ તથા કાર્યો અંત્યત વિશિષ્ટ અને તેમનો ઉપદેશ લોકો માટે હિતકારી છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer