શું તમે જાણો છો મહાભારતના યુદ્ધ પહેલા અર્જુને કરી હતી દુર્ગા સ્તુતિ

અર્જુન પોતાના જ્યેષ્ઠબંધુ યુધિષ્ઠિરને ઉત્સાહ આપતા કહે છે, ‘આ આપણું ધર્મયુદ્ધ છે. સૈન્યબળ એ આ યુદ્ધમાં વિજય કે પરાજ્યનું નિર્ધારણ કરે તેમ નથી. સત્ય અને ધર્મના ત્રાજવે આ યુદ્ધના પરિણામને શોધવું જોઈએ. વળી આપણે સમગ્ર ભારતવર્ષમાં કોઈ વિરાટ સામ્રાજ્યની સ્થાપનાને કાજે આ મહાયુદ્ધ ખેલી રહ્યા નથી, પરંતુ આ યુદ્ધની પાછળ આપણો આશય તો ધર્મસ્થાપનાનો છે. આથી તો સનાતન પુરુષ શ્રીકૃષ્ણ આપણી સાથે છે. જ્યાં કૃષ્ણ છે ત્યાં વિજ્ય છે. આથી આપણે નિશ્ચિંત થઈને સઘળું શ્રીકૃષ્ણને સોંપી દેવું જોઈએ.’

અર્જુનના શાંતિદાયક અને સમાધાનકારી શબ્દો સાંભળી મહારાજ યુધિષ્ઠિર સ્વસ્થ થયા. તેમની ચિંતા દૂર થઈ. વિષાદ અળગો થયો. તેમનામાં ઉત્સાહ અને ઉદ્યમ પ્રગટયાં. ભીષ્મપિતામહની પ્રચંડ સેનાની સામે પોતાની સેનાને એકત્રિત થવાની આજ્ઞાા આપી અને ધૃષ્ટદ્યુમ્નને વ્યૂહરચના કરવાનો આદેશ આપ્યો. યુધિષ્ઠિરની ઇચ્છા પ્રમાણે પાંડવસૈન્ય ગોઠવાઈ ગયું. વ્યૂહ રચાઈ ગયો. કૌરવો અને પાંડવોની યુદ્ધાતુરતા જોઈ ભગવાન શ્રીકૃષ્ણે અર્જુનને કહ્યું, ‘પાર્થ, હવે યુદ્ધારંભ થવાની તૈયારી છે. તે પૂર્વે તારે એક અતિ અગત્યનું કામ કરવાનું છે.’ ‘શું, વાસુદેવ ?’

‘તારે દેવી સ્તુતિ કરવાની છે. કોઈ પણ શુભકાર્યની શરૂઆતમાં આપણાં દેવ-દેવીઓની પૂજા અને પ્રાર્થના કરવી જ જોઈએ. એમને પ્રસન્ન કરી એમની પાસેથી આશીર્વાદ મેળવવા જ જોઈએ.’ ભગવાને કહ્યું. ‘મારે કઈ દેવીની સ્તુતિ અત્યારે કરવી જોઈએ ?’ અર્જુને ઉત્સુકતાથી પૂછયું. ‘દુર્ગાની. તારે હવે શત્રુઓના પરાજ્ય માટે અને તારા પોતાના વિજય માટે દુર્ગાસ્તોત્રનો પાઠ કરવો જોઈએ. દેવી દુર્ગાને તું પ્રસન્ન કર. એ તારા કલ્યાણ માટે બધું જ કરશે.’ અચ્યુતે અર્જુનને કહ્યું.

તત્કાળ પૃથાનંદ પોતાના રથમાંથી નીચે કૂદ્યો. પૃથ્વી પર આસનસ્થ થઇ એણે દેવી દુર્ગાનું ધ્યાન કર્યું. પછી દુર્ગાસ્તોત્રનો પાઠ શરૂ કર્યો : ‘હે સિદ્ધસેનાની, હે મંદરવાસિની, હે મહાકાલી, હે ભદ્રકાલી, તને મારા નમસ્કાર.  ‘તું જ ભવતારિણી છે, મહિષાસુરમર્દિની છે, વિજ્યદાત્રી છે. તું સરસ્વતી છે. તું વેદમાતા સાવિત્રી છે. ‘વિધાઓમાં, હે મા, તું બ્રહ્મવિધા છે, વેદ-શ્રુતિમાં તું મહાપુણ્યરૂપિણી છે, જળ, સ્થળ અને નભમાં તું નિત્ય નિવાસ કરનારી જગદંબા છે. ‘તું જગતજનની છે. દેહધારીઓની તું મુક્તિ છે. તું વનોમાં, દુર્ગમ પ્રદેશોમાં અને ત્રણે લોકમાં રહે છે. ભક્તોના ધામમાં નિત્ય તું જ નિવાસ કરે છે.

‘ હે મહાદેવી, હે ભગવતી, હે જનની, ઐશ્વર્યવાનોનું ઐશ્વર્ય તું છે. સિદ્ધોની સિદ્ધિ પણ તું છે. વિશુદ્ધ અંત:કરણથી હું તારી સ્તુતિ કરું છું. ‘હે વરદાયિની, તું કૃપા કર. પ્રસન્ન થા. રણસંગ્રામમાં મને વિજય અપાવ, મારો નિત્ય જય થાય એવું મને તું વરદાન આપ. ‘હે મા ભવાની, તને વારંવાર નમસ્કાર.’ ભક્તહૃદય અર્જુને અંતરથી આ દુર્ગાસ્તોત્ર કર્યું. પછી આંખો મીંચી એકાગ્ર થયો. દેવી દુર્ગાનું સ્મરણ કર્યું. વાત્સલ્યમયી, કરુણામયી મા દુર્ગા તરત ત્યાં પ્રગટ થયાં. અર્જુનના મસ્તક ઉપર તેમણે હાથ મૂક્યો. અર્જુને આંખો ઉઘાડી અને તરત ઊભો થઈ ગયો. માને અભિવાદન કર્યા. ત્યાર બાદ બદ્ધકર એ દુર્ગાની સામે ઉભો રહ્યો.

દેવી દુર્ગા બોલ્યા, ‘હે પાર્થ, હું તારા પર પ્રસન્ન થઈ છું. તને આશીર્વાદ આપું છું. તું શત્રુઓને પરાભવ આપશે. તને વિજ્ય પ્રાપ્ત થશે. તું નારાયણનો સહચર નર છે. તું વજ્રધારી ઇન્દ્રથી પણ અજેય છે. તારું કલ્યાણ થાઓ. તારી કીર્તિ વધો. તને બધું સુલભ થાઓ.’ આવું વરદાન આપી મહિમામયી માતા દુર્ગા ત્યાંથી અંતર્ધાન થઈ ગયાં. અર્જુન આનંદવિભોર બની ગયો.

Leave a reply:

Your email address will not be published.

Site Footer