જાણો દુર્ગા અષ્ટમી અને નોમ પર કુંવારીકાઓને ભોજન કરાવવાની પરંપરા વિશે

આજે દુર્ગા આઠમ અને સોમવારે દુર્ગા નોમ છે. આ તિથિએ નાની કન્યાઓની પૂજા કરવાની પરંપરા છે. નાની બાલિકાઓને દેવી સ્વરૂપ માનવામાં આવે છે. નવરાત્રિમાં તેમની વિશેષ પૂજા કરવામાં આવે છે. ભોજન કરાવવામાં આવે છે. ત્યાર બાદ પોતાના સામર્થ્ય પ્રમાણે દક્ષિણા સાથે તેમને ભેટ આપવમાં આવે છે.

નવરાત્રિના છેલ્લાં દિવસે આઠમ અને નોમ તિથિએ કન્યાઓને તેમના ઘરે જઇને સન્માન ભોજન માટે આમંત્રણ આપવું જોઇએ. જ્યારે કન્યાઓ ઘરે આવે ત્યારે તેમને સાફ આસન ઉપર બેસાડવી. બધી જ કન્યાઓના પગ ધોઇને, કંકુથી તિલક કરો. હાર-ફૂલ પહેરાવો. ભોજન કરાવો અને છેલ્લે તમારા સામર્થ્ય પ્રમાણે દક્ષિણા આપવી જોઇએ. જો સંભવ હોય તો તેમને કોઇ ભેટ પણ આપી શકો છો. ભેટમાં નવા કપડાં, અભ્યાસ સાથે સંબંધિત વસ્તુ, નવા બૂટ-ચપ્પલ, શ્રૃંગારનો સામાન આપી શકાય છે.

ઉંમર પ્રમાણે કન્યાઓને કઇ દેવીનું સ્વરૂપ માનવામાં આવે છેઃ- દેવી ભાગવત મહાપુરાણના તૃતીય સ્કંધ પ્રમાણે બે વર્ષની કન્યાને કુમારી કહેવામાં આવે છે. ત્રણ વર્ષની કન્યાઓને ત્રિમૂર્તિ કહેવામાં આવે છે. ચાર વર્ષની કન્યાઓને કલ્યાણી કહેવાય છે. પાંચ વર્ષની કન્યા રોહિણી, છ વર્ષની કન્યા કાલિકા કહેવાય છે. સાત વર્ષની કન્યાને ચંડિકા, આઠ વર્ષની કન્યાને શાંભવી કહેવાય છે. નવ વર્ષની કન્યાને દુર્ગાનું સ્વરૂપ માનવામાં આવે છે. દસ વર્ષની કન્યાને સુભદ્રા નામ આપવામાં આવ્યું છે.

કન્યા પૂજનના શુભ મુહૂર્ત- 6 ઓક્ટોબરે કન્યા પૂજન માટેના બે શુભ મુહૂર્ત છે. સવારે 9-15 થી બપોરે 12-09 મિનિટ સુધી, સાંજે 5-58 થી રાત્રે 9-04 મિનિટ સુધી

Leave a reply:

Your email address will not be published.

Site Footer