ધૃતરાષ્ટ્રની પત્ની ગાંધારીએ જણાવ્યા છે ધર્મ અંગેના અમૂલ્ય વચનો

જેની દૂષિત બુદ્ધિ છે તેના સંગમાં જે કંઈ આવે છે તે દૂષિત થાય છે એટલે દુર્બુદ્ધિને કંઈ પણ ઉપદેશ આપવાની ગાંધારી મનાઈ ફરમાવી દે છે. કોઈ પણ પ્રકારનો ઉપદેશ એટલે કે દુર્બુદ્ધિને શાસ્ત્ર કલ્યાણનો તો ઠીક અકલ્યાણ માટે પણ ઉપદેશ નહીં આપે. આ વચનોમાં ગાંધારી એવું કહે છે કે કોઈએ દુર્બુદ્ધિને ઉપદેશ ન આપવો એ એકાંગી સત્ય ગણાશે. આ વચનોનો બીજો અર્થ એવો પણ થાય છે કે દુર્બુદ્ધિ મનુષ્યોને શાસ્ત્ર સ્પર્શી જ ન શકે એટલે કે કોઈ મહાપુરુષ કે શાસ્ત્રનો દુર્બુદ્ધિને સંગ થાય અને તેઓ દુર્બુદ્ધિને કંઈ આપવા ધારે તો પણ દુર્બુદ્ધિના આત્મા સુધી એ ઉપદેશ નહીં પહોંચે. દુર્બુદ્ધિની બાય ડિફોલ્ટ એવી હોય છે કે કલ્યાણ કે અકલ્યાણના ઉપદેશ તેના અંતરાત્મા સુધી પહોંચતા નથી. ઉપદેશને લાયક થવું હોય તો દુર્બુદ્ધિને ત્યાગવી પડે. દૂષિત બુદ્ધિ નિર્મળ થાય એ પછી જ ઉપદેશ ભીતરમાં ચિત્તને ચોંટે. ગાંધારી કહે છે કે કુપાત્રને કલ્યાણ કે અકલ્યાણનો ઉપદેશ આપવો નહીં.

ગાંધારીના ઉપદેશની આગળની કડી કહે છે કે વૃદ્ધ માણસ ક્યારે પણ બાળકબુદ્ધિનો નહિ થાય અર્થાત ગાંધારી કહે છે કે વૃદ્ધ એટલે કે જ્ઞાની માણસ. જ્ઞાની માણસનું જ્ઞાન ક્યારેય ખરી પડતું નથી અને તે બાળકબુદ્ધિ એટલે કે કોરોધાકોર થઈ જતો નથી. જેમ દુર્બુદ્ધિ ગમે તેટલા ઉપદેશથી ઉપર ઊઠી શકતો નથી તેમ જ્ઞાનને પ્રાપ્ત માણસ કદી જ્ઞાનહીન થતો નથી. દુર્બુદ્ધિ જ્ઞાનને પ્રાપ્ત થતો નથી અને જ્ઞાની દુર્બુદ્ધિને પ્રાપ્ત થતો નથી. આ જ્ઞાન તે રટેલું જ્ઞાન નથી પણ પરમ જ્ઞાન છે.

‘મહાભારત’ના પાને-પાને ધર્મતત્ત્વનો જયઘોષ કરવામાં આવ્યો છે. ધર્મતત્ત્વને પ્રધાન ગણવામાં આવ્યું છે. ‘મહાભારત’નો અસલી હીરો ધર્મ છે. તે અણધાર્યો, ગાંધારી, ધૃતરાષ્ટ્ર કે દુર્યોધન… કોઈ પણ દુષ્ટ ચરિત્રના મુખેથી ધર્મતત્ત્વનું રટણ થાય છે. ‘મહાભારત’માં એક નાનકડો પ્રસંગ હનુમાન અને ભીમના મિલાપનો આવે છે. કથા તરીકે ‘મહાભારત’નું આકલન કરતાં જલદીથી સમજાય નહી કે હનુમાનજી મહારાજને ‘મહાભારત’ના જંગલમાં લાવી મૂકવાનું શું પ્રયોજન હશે? પણ હનુમાનજી મહારાજની પૂંછડી મહાકાય ભીમથી ઊંચકાતી નથી અને ભીમના ગર્વનું ખંડન થાય છે. એ પછી હનુમાનજી મહારાજ અનુજ ભીમને ઉપદેશ સંભળાવે છે. ધર્મતત્ત્વથી સભર એ અતિવિસ્તૃત ઉપદેશ છે.

લોકો તો બસ એટલો સંદેશ લઈને કે હનુમાનજીએ ભીમના ગર્વનું ખંડન કર્યું અને આગળ વધી જાય છે. હનુમાનજીના ઉપદેશમાં ડૂબકી મારવાનું કોને સૂઝે છે? ‘મહાભારત’નું પ્રયોજન પણ એ જ છે કે સમગ્ર ધર્મતત્ત્વને તેમણે ‘મહાભારત’નાં પાત્રોના સંવાદોમાં વણ્યું છે. હનુમાનજીએ ભીમને આપેલા ઉપદેશની એક જ પંક્તિ જોઈએ તો હનુમાનજી નીતિવચનો ઉચ્ચારતાં કહે છે કે વિદ્વાનો સાથે મસલત કરવી, સમર્થો પાસે કર્મો કરાવવાં અને શીળા સ્વભાવના લોકો પાસે નીતિની સ્થાપના કરાવવી પણ મૂરખાઓને સદૈવ તજવા.

Leave a reply:

Your email address will not be published.

Site Footer