આપણે ત્યાં મરણ પ્રસંગે ગરૂડ પુરાણ બેસાડવાનો મહિમા છે. તેમાં શું શું કરવાથી સ્વર્ગ યા તો નર્ક મળે અથવા તો હવે પછી કેવો અવતાર મળે એ બાબતે વિસ્તૃત કહેવામાં આવે છે. મૂળ આશય હયાત લોકોને સત્કર્મ કરવાનો છે. પણ લોકો માત્ર સાંભળીને ધૂળ ખંખેરીને હતા તેવાને તેવા જ રહે છે. ડર તો જરા પણ નથી રહેતો.
ગરૂડ પુરાણનો મુખ્ય હેતું દુરાચારનો અંત અને સદાચારનો આરંભ છે. શાસ્ત્રોમાં વર્ણવાયેલા સ્વર્ગની જે કલ્પનાઓ છે તે તો આપણે ઉપર જઈને માણવાના જ છીએ !! ત્યાં સુધી આ ધરતીમાતાના ખોળે જે સ્વર્ગ દેખાય છે તેનો આસ્વાદ માણીએ ચાલો…
૧. જે ઘરમાં મા-બાપને આદરસત્કાર સાથે વંદન કરવામાં આવે છે. તે ઘર એટલે સ્વર્ગ. પહેલા એમનું દિલ જીતવાનું હોય પછી ભગવાનનું જીતાય. માતૃદેવો ભવ- પિત્તૃદેવો ભવ યાદ છે ને??
૨. નાના- નાના ભૂલકાં સાથે ઘરના દરેક સભ્યો એના જેવા બાળક બની જતા હોય તે ઘર એટલે સ્વર્ગ. કારણકે જ્યાં પ્રેમ ત્યાં પરમેશ્વર. સવારે ઉઠતાવેંત કુદરતની લીલાને નિહાળતાં નિહાળતાં કોઈ પરમ ચૈતન્યને યાદ કરતાં કરતાં કૃતજ્ઞાતા અનુભવાય તે પળ તે ઘડી એટલે સ્વર્ગ. પોતાના અસ્તિત્વની ઉજવણી એટલે સ્વર્ગ.
૩. જે ઘરના સદસ્યો મનમાં એકબીજા પ્રત્યે કોઈપણ જાતની કટુતા રાખ્યા વગર વિશ્વાસ, સ્મીત, ગુસ્સો અને સ્નેહની આપ લે કરતા હોય તે સદન એટલે સ્વર્ગ. તેથી જ સ્તો કહ્યું છે ‘ ઘર એક મંદિર.’
૪. એવી કચેરી કે ઓફિસ જ્યાં કામચોરી, દિલચોરી, ચમચાગીરી, કદમબોશી, આઘી-પાછી નિંદાઓ, રાજકારણ કે ભ્રષ્ટાચાર વગર પ્રામાણિકતાથી, ઇમાનદારીથી કર્મચારી ગણ માળાના મણકાની જેમ એકબીજાથી પરોવાયેલા હોય (સ્વચ્છ ભારત અભિયાન તો જ સફળ થાય જ્યારે દેશનો પ્રત્યેક નાગરિક મનનો કચરો જાતે જ સાફ કર) તથા જ્યાં નિષ્ઠા એ જ મંત્ર ત્યાં જ રામરાજ્ય હોય.
૫. ભારતમાતાકી જય બોલવાનો અધિકાર માત્ર નિષ્ઠાવાનને જ હોય. આવું વાતાવરણ જ્યાં રચાતું હોય ત્યાં જ સ્વર્ગ હોય.
૬. જ્યાં દોરા-ધાગા, તાવીજ, માદળિયા તથા બાધા-માનતા જેવી પલાયનવાદી અંધશ્રદ્ધાની ગેરહાજરી હોય ને જાતમાં અતુટ શ્રદ્ધાની આસ્તિકતા કડેધડે હોય એવું સ્વીટ-હોમ.એ સ્વર્ગ. હસી હસીને થાકી જવાય, રડી રડીને હળવાફૂલ થવાય તથા પડી પડીને ઉભા થવાય એ માટે એવા ખભા મળે, એવી સંગત મળે જ્યાં આપણું અસ્તિત્વ મહોંરી ઉઠે એવી આબોહવા એટલે સ્વર્ગ.
આપણે જ કહીએ છીએ કે સ્વર્ગ નરક બધું અહીં જ છે. આવું મજાનું જ્ઞાાન હોવા છતાં આપણે આપણા કુકર્મોથી નરકની યાતના રોજે રોજ ભોગવીએ છીએ. આવું શા માટે ? આ સવાલ કદી જાતને પૂછયો ?।?
સ્વામી રામતીર્થને એકવાર એમના ભક્તે સવાલ કર્યો: સ્વામીજી મને કોઈ એવો રસ્તો બતાવો જેથી મને પરમાત્માના સાક્ષાત દર્શન થાય. પછી મારે ક્યાંય ભટકવું ન પડે.
સ્વામીજીએ જીજ્ઞાાસુ ભક્ત પાસેથી એનું નામ- સરનામું લઈ પરમાત્મા સુધી પહોંચાડવાની વાત કરી. સાથોસાથ એને એક સવાલ પણ પૂછયો કે ભાઈ, આ તારું સ્થાયી સરનામું છે ને ? હા, સ્વામીજી. ભક્તે કહ્યું.
‘હા’ બોલતાની સાથે જ સ્વામીએ વળતો સવાલ પૂછયો. શું પચાસ વર્ષ પહેલાં તમે અહીં હતા ? શું બીજા પચ્ચાસ વર્ષ તમો અહીં જ રહેવાના ?
અરે ! સ્વામીજી ૫૦ વર્ષ પહેલાં તો હું જન્મ્યો પણ નહોતો અને સ્વામી અરેરે શું વાત કરો છો, હજુ બીજા ૫૦ વર્ષ હું અહીં રહીશ કે કેમ એની તો મને પણ ખબર નથી. પહેલા ભક્તે ખૂબ અચરજ સાથે સ્વામીજીને કહ્યું.
ત્યારે અત્યંત ભાવ-વિભોર થઈને સ્વામી રામતીર્થે ભક્તને ટકોર કરી: તને જ્યાં પોતાની જ ખબર નથી, ત્યાં તું પરમાત્માના સ્વર્ગને યા પરમાત્માને ક્યાંથી પામી શકીશ ? જા, પહેલા જાતને ઓળખતા શીખ. પહેલાં તું પોતાનું સરનામું પાક્કું કર. પરમાત્માનું કે સ્વર્ગનું સરનામું શોધવા અહીં- તહીં ભટકવું નહીં પડે.
ભગવાને રચેલી આ સૃષ્ટિ સ્વર્ગથી જરાય ઉતરતી નથી. જો તું જીવતા શીખી જઈશ તો આ સંસાર સુખનો સાગર લાગશે. દુ:ખનો દરિયો કે ધુમાડાના બાચકા કહીં આ સંસારને નિંદવાનું બંધ કર અને કર્મઠતા ધારણ કર. જેણે મનખો આપ્યો છે તે પરમપિતાનો આભાર માન.