૨૦૦ વર્ષ પુર્વે શ્રી સ્વામિનારાયણ ભગવાનના સ્વમુખ માંથી ‘વચનામૃત’ રૂપી વાણી અવતરી હતી, જાણો તેમના વચનો

ઘણી વાર સ્વયં ભગવાનના મુખ દ્વારા પણ અમૃતવાણી સાંભળવા મળતી. વેદનો પ્રાદુર્ભાવ ભગવાનના મુખ માંથી થયો છે. આશરે પાંચ હજાર વર્ષ પૂર્વે મહાભારતના યુદ્ધના રણમેદાનમાં શ્રીમદ્ ભગવદ્ગીતા રૂપી વાણી શ્રીકૃષ્ણ ભગવાનના મુખેથી સાંભળવા મળી. જ્યારે આજથી આશરે ૨૦૦ વર્ષ પર્વે શ્રી સ્વામિનારાયણ ભગવાનના સ્વમુખમાંથી ‘વચનામૃત’ રૂપી વાણી અવતરી. ભાષાકીય સરળ શૈલી, દૃષ્ટાંતસભર સચોટ શૈલી અને ઉપનિષદિક પ્રશ્નોત્તર શૈલીનું પ્રયાગ એટલે વચનામૃત.

ભારતવર્ષની ભૂમિ અનેક ઋષિમુનિઓ, સંતો, મહાત્માઓ અને અવતારોનાં પ્રાક્ટય અને વિચરણથી પુનિત થયેલી છે. આપણા ઋષિમુનીઓ સાધના કરતા ત્યારે ભગવાનની વાણીનો ગુંજારવ મુનિઓની હૃદય ગુફામાં થતો અને તે અમૃત વાણી પછી ઋષિમુનિઓનાં મુખકમળ દ્વારા જગતના જ્ઞાનપિપાસુ માનવોને સાંભળવા મળતી.

શ્રી સ્વામિનારાયણ ભગવાને માનવીના જીવનમાં આવતી નાનામાં નાની સમસ્યાથી લઈને મોટામાં મોટા પ્રશ્નોના ઉકેલ માટેનું જો કોઈ પ્રેક્ટિકલ મેન્યુઅલ જો આપ્યું હોય તો એ છે વચનામૃત. આ વચનામૃત્ત એવું છે કે, અઘણને અઘરું ન લાગે અને વિદ્વાનને સહેલું ન લાગે. ખરેખર, આ વચનામૃત જીવન જીવવાની કળા શીખવે છે.

દરેક વ્યકિત વિચારે તો તેને ખ્યાલ આવે કે, આ વચનામૃત પોતે ક્યાં છે ? ક્યાં તેને જવાનું છે ? અને તે જવા માટે શું કરવાનું છે તેનો સ્પષ્ટ નિર્દેશ આપે છે. પોતાની ભૂલોની સામે દર્પણ બતાવે છે, અને ભૂલોને ટાળવાનો ઉપાય પણ દર્શાવે છે. સંસારમાંથી મુક્ત કરીને ભગવાનમાં જોડવાની કડી આ વચનામૃત ગ્રંથ છે.

સમગ્ર માનવજાતના સાધકવૃંદને તિમિરમાંથી પ્રકાશમાં, અસત્માંથી સત્યમાં અને જન્મોજન્માત્તર માંથી- ભગવદ્ ધામમાં લઈ જવામાં સહાયભૂત થનાર આ અપૂર્વ વચનામૃત ગ્રંથરત્નરૂપી પરાવાણી વહાવીને શ્રી સ્વામિનારાયણ ભગવાને અપાર અનુગ્રહ કર્યો છે. આ વચનામૃતની દ્વિશતાબ્દી પ્રસંગે મુમુક્ષુજનોની આ ઉપદેશામૃતનું પાન કરીને આધ્યાત્મિક માર્ગે ઉત્તરોત્તર પ્રગતિ થાય અને સૌ કોઈ શ્રી સ્વામિનારાયણ ભગવાને ઉપદેશેલ સ્વધર્મપૂર્વક, વૈરાગ્યપૂર્ણ, માહાત્મયજ્ઞાને યુક્ત ભક્તિને માર્ગે ચાલે અને તેમનો અનુગ્રહ મેળવી આત્યંતિક કલ્યાણને પ્રાપ્ત કરે એ જ અભ્યર્થના.

વચનામૃત ગ્રંથમાં શ્રી સ્વામિનારાયણ ભગવાને આપેલો ઉપદેશ…

જે હરિભક્તને તો જેટલી કાંઈ કસર રહે છે, તે પોતાની આળસે કરીને રહે છે… જેને આળસ બહુ હોય ને નિદ્રા બહુ હોય ને સ્નાન ધ્યાનાદિક જે નિયમ તેને પાળવાનું કોઈક કહે તો કહે, હમણાં કરીશું, શી ઉતાવળ છે? ધીરે ધીરે થશે. એમ બોલે તે સીધો સારો હોય તો પણ તેનો સંગ ન કરવો.

ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ કોને કહેવાય ?

ધર્મ એટલે શ્રૂતિસ્મૃતિઓ કહેલ સદાચાર તથા શ્રી હરિની આજ્ઞાા તે ધર્મ જાણવો. મહાત્મ્યેજ્ઞાાનેયુક્ત ભગવાનને વિષે જે સ્નેહ તેને ભક્તિ જાણવી. ભગવાન સિવાય બીજા પદાર્થમાં અરુચિ તેને વૈરાગ્ય જાણવો. જીવ, ઇશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ તેના સ્વરૂપને યથાર્થ જાણવું તે જ્ઞાન કહેવાય.

જેને પોતાનું કલ્યાણ ઇચ્છવું તેને તો ભગવાનને ભગવાનના સાધુ એથી ઉપરાંત બીજું કાંઈ જગતમાં સુખદાયી નથી. માટે જેમ પોતાના શરીરને વિષે જીવને આત્મબુદ્ધિ વર્તે છે, તેવી ભગવાનને ભગવાનના સંતને વિષે આત્મબુદ્ધિ રાખી જોઈએ અને ભગવાનના ભક્તનો પક્ષ દૃઢ કરીને રાખ્યો જોઈએ, અને તે પક્ષ રાખતાં થકાં આબરું વધો અથવા ઘટો અથવા માન થાઓ કે અપમાન થાઓ અથવા દેહ જીવો કે મરો પણ કોઈ રીતે ભગવાનને ભગવાનના ભક્તનો પક્ષ મૂક્વો નહિ, ને એમનો અભાવ આવવા દેવો નહિ. અને ભગવાનના ભક્ત જેવાં દેહ ને, દેહનાં સગાં, સંબંધીને વહાંલાં રાખવાં નહિ. એવી રીતે જે હરિભક્ત વર્તે તેને અતિ બળવાન એવા જે કામ, ક્રોધાદિક શત્રુ તે પણ પરાભવ કરી શક્તા નથી.

હનુમાન, નારદ, પ્રહલાદ એ જે મોટા મોટા ભગવાનના ભક્ત તેમણે પણ ભગવાન પાસે એમ જ માગ્યું છે જે, અહંમમત્વરૂપ માયા થકી રક્ષા કરજો, ને તમારે વિશે પ્રીતિ થાજો, ને એ માયાને તર્યા હોય ને તમારે વિશે પ્રીતિવાળા હોય એવા જે સાધુ તેનો સંગ થાજો, ને એ સાધુને વિશે હેત ને મમત્વ થાજો, માટે આપણે પણ એમ કરવું અને એમ માગવું, ને એનો શ્રવણ, મનન, નિદિધ્યાસ કરવો.

Leave a reply:

Your email address will not be published.

Site Footer