જ્યાં જીવન છે ત્યાં તેની પાછળ મરણ પણ છે. આ છે જીવનનું સનાતન સત્ય

જ્યાં જીવન છે ત્યાં તેની પાછળ મરણ પણ છે. જે અહીં આવ્યું છે, તેને એકનાં એક દિવસે જવાનું છે, કોઈ વહેલું જશે તો કોઈ મોડું. જ્યાં સુધી જીવન હાથમાં છે. ત્યાં સુધી બધી શક્યતાઓ છે. જગતમાં ભલે બધું અનિશ્ચિત મનાતું હોય, પણ સૌનું મૃત્યુ તો લખાઈને આવ્યું છે. તેનાં નિર્ધારીત આગમનનાં સમય, સ્થળ, અને સંજોગોમાં કોઈ પરિવર્તન થઇ શક્તું નથી, છતાં તે કાયમ અણધાર્યું ટપકી પડે છે. ત્યારે અચાનક ધબકતું હૃદય અટકી પડે, જે રીતે દિવાલ પર ચાલતી ઘડિયાળ બંધ થઈ જતી હોય છે. એક ગીતમાં ગવાયું છે ને કે ‘જીતની ચાવી ભરી રામને ઉતના ચલે ખિલૌના ! વ્યકિત હથેળીમાં જેટલી આયુષ્ય રેખા લાંબી એટલું તેનું જીવન. માનવી વર્તમાન સમયમાં મૃત્યુને બદલે ને મૃત્યુના ડરને કારણે સતત ભયનાં ઓછાયા હેઠળ જીવે છે. ખરેખરનાં મૃત્યુ બદલે ક્ષણે- ક્ષણે તે હજાર વાર મરણની અનુભૂતિ, વ્યથા અને વેદના અનુભવે છે.

તોય તે પોતાની આદતો બદલવા તૈયાર હોતા નથી.  મૃત્યુ માનવીનાં નશ્વર દેહનો નાશ તો કરે છે પણ એ સાથે માણસને કેટલીક કડવી સચ્ચાઈનું શિક્ષણ પણ આપતું જાય છે, જેમકે માત્ર એક ક્ષણમાં તેણે જીંદગીભરની કમાયેલી સંપત્તિ તથા નામિ,યશ, વૈભવ, અદ્રશ્ય થઈ જવાના છે. એ વખતે તો તેની આંખ સામે ગાઢ અંધકાર છવાઈ જતો હોય છે. તેને એવું લાગે છે કે તે જાણે કોઈ ઊંડી ગુફામાં ઉતરી રહ્યો હોય. એ પછી તો બધા અવાજો શાંત થઈ જતાં, એક અદ્ભુત શાંતિ પથરાઈ જતી હોય છે. 

મરણ બાદ વ્યકિત સૌ પહેલાં તો પોતાની સાથે રહેલા નામ ઓળખ ગુમાવી બેસે છે, ત્યારે તે માત્ર શબવાહિનીનો એક મુસાફર બની જતો હોય છે. માણસે આ દુનિયામાંથી વિદાય લીધા પછી તેને બધા સંબંધોની મોહ-માયામાંથી મુક્તિ મળી જાય છે, તો પણ માનવીની જીવન પ્રત્યેની લાલસામાં ક્યારેય ઓટ આવતી નથી !

કુરાને શરીફમાં કહેવામાં આવ્યું છે ને કે,’ આ દુનિયામાં જે કંઈ છે. તે સર્વે ફાની છે. આ સંપત્તિ અને સંતતિ તો જીવનમાં શણગાર માત્ર છે. જે ક્ષણિક જ છે. પરંતુ જે સાથે રહે છે, એ તો માણસનાં નેકી-સત્તકર્મો છે, જે ખરેખરના સુંદર છે, સ્થિર છે. વાસ્તવમાં ઐશ્વર્યવાન કૃપાવાન અને અવિનાશી એક માત્ર અલ્લાહ છે. મૃતક સાથેનાં તેનાં સત્તકર્મો, સદ્ભાવના, પાર્થના અને પરમાત્મા પ્રત્યેની ભક્તિ જ તેનો અસલી સામાન છે. માટે જ બ્રહ્માનંદજી કહે છે ને કે,

‘દો દિન કા જગકા મેલા, સબ ચલા ચલીકા, ખેલ, કોઈ કલ ચલા કોઈ આજ જાવે. કોઈ ગઠડી બાંધ સિધાવે, કોઈ અકેલા ખડા તૈયાર કોઈ કહે બિના ભાગે, સબ ચલા ચલી કા ખેલ.’ જયારે આપણે આ જગતને છોડીએ, ત્યારે પાછળ રહી જનારાઓ માટે તેમનાં જીવન વધારે સુંદર, સારા, નૈતિક બનાવીને, એક ગૌરવ પૂર્ણ વિદાય લઈએ.

Leave a reply:

Your email address will not be published.

Site Footer