કર્મ અને ભાગ્ય એક ગાડાના બે પૈડાં જેવા છે એક વગર બીજું સાવ નિરર્થક છે

ઈશ્વરમાં રાખેલી સાચી શ્રદ્ધા અને પોતાના સારા કર્મોનું ફળ એક દિવસ જરૂર મળે જ છે એ આશાએ આપણે જીવન વિતાવતા હોઈએ છે. ઇતિહાસમાં સારા કર્મોના ફળ મળ્યાના ઘણા ઉદાહરણો મળે છે તો ખરાબ કર્મોના જે દુષ્પરિણામ આવે છે એ પણ આપણાથી છૂપું નથી. કોઈ ખરાબ વ્યક્તિને જયારે કંઈક મોટું નુકશાન થાય છે ત્યારે આપણે તરત બોલી ઉઠીયે છીએ કે “તેના કર્મોનું મળ્યું.” અને ત્યારે ઈશ્વર પ્રત્યે અને આપણા કર્મો પ્રત્યેની આપણી ઇચ્છા શક્તિ વધુ મજબૂત બનતી હોય છે.

જે લોકો કર્મના સહારે જીવન વિતાવે છે તેનું જીવન સંઘર્ષોથી ભરેલું હોય છે પરંતુ ઈશ્વર તેને ક્યાંય અટકવા નથી દેતો, તેમનામાં એક એવી ઉર્જા ભરે છે જેના દ્વારા તે પોતાના કર્મોને મજબૂત કરી શકે. ભાગ્યના સહારે બેસી રહેનારો માણસ દુઃખી અને નિરાશ જ રહે છે કારણ કે તેને પોતાના હાથના કર્મોમાં વિશ્વાસ નથી હોતો, તે ભાગ્યના સહારે જ બેસી રહે છે પરંતુ એ ભૂલી જાય છે કર્મ અને ભાગ્ય એક ગાડાના બે પૈડાં જેવા છે એક વગર બીજું સાવ નિરર્થક જ છે. ભગવાન કૃષ્ણએ ગીતાસારમાં પણ કહ્યું છે “કર્મ કરતો જા, ફળની આશા ના રાખીશ” માટે હંમેશા કર્મ કરતા રહેવા જોઈએ તો ભાગ્ય આપોઆપ સાથ આપે જ છે.

કર્મ અને ભાગ્યને સમજવા માટે એક પૌરાણિક વાર્તા પણ છે જેમાં નારદ મુનિ ભગવાન વિષ્ણુને હાલની પરિસ્થિતિનું વર્ણન કરતા કહે છે કે: “ભગવાન! આપનો પ્રભાવ હવે પૃથ્વી પરથી સમાપ્ત થવા લાગ્યો છે. જે લોકો ધર્મ અને નૈતિકના રસ્તા ઉપર ચાલી રહ્યા છે તેમનું અહિત થઈ રહ્યું છે અને જે લોકો પાપ કરે છે તેમનું ભલું થઇ રહ્યું છે”

ત્યારે ભગવાન વિષ્ણુએ હસીને જવાબ આપ્યો: “એવું નથી દેવર્ષિ, જે પણ કઈ થઇ રહ્યું છે તે નસીબના આધારે જ થઇ રહ્યું છે.” નારદમુનિને પ્રભુની વાતથી સંતોષ થયો નહિ અને તેમને આગળ કહ્યું: “પ્રભુ, હું તો મારી નજરે જોઈને આવ્યો છું કે ધર્મના રસ્તા ઉપર ચાલવા વાળા લોકો તકલીફો ભોગવી રહ્યા છે અને અધર્મના રસ્તા ઉપર ચાલવા વાળને સારા ફળ મળી રહ્યા છે.”

નારદમુનિના મનને સંતોષ કરાવવા માટે ભગવાને કહ્યું કે: “મુનિવર, કોઈ એવી ઘટના જણાવો જેનાથી તમને આ અસંતોષ થયો છે.” નારદમુનિએ શ્રી હરિ સમક્ષ નમન કરીને કહ્યું: “પ્રભુ, હું હમણાં જ એક જંગલ માંથી પસાર થઈને આવ્યો અને ત્યાં મેં જોયું તો એક ગાય કાદવમાં ફસાઈ ગઈ હતી ત્યાં તેને બચાવવા વાળું કોઈ હતું નહિ અને એવામાં જ એક ચોર ચોંરી કરીને ત્યાંથી ભાગતો ભાગતો પસાર થઇ રહ્યો હતો. તેને પણ એ ગાયને કાદવમાં ફસાયેલી જોઈ તેને આગળ જવા માટે પણ એ કાદવવાળો જ રસ્તો પસાર કરવાનો હતો પરંતુ તેને ગાયને બચાવવાનું વિચાર્યા વગર જ એ ગાય ઉપર પગ મૂકી કાદવ પાર કરી આગળ નીકળી ગયો.

આગળ જતા તેને એક સોના મહોર ભરેલો થેલો મળ્યો. થોડી જ વારમાં એ જગ્યા ઉપરથી એક વૃદ્ધ સાધુ પસાર થઇ રહ્યા હતા તેમને અથાગ પ્રયત્નો કરી અને ગાયને એ કાદવમાંથી બહાર કાઢી પરંતુ એ વૃદ્ધ સાધુ આગળ જતાં ખાડામાં પડી ગયા. તો પ્રભુ હવે તમે જ જણાવો આમાં લાભ કોને થયો? પાપ કરવા વાળને? કે પુણ્ય કરવા વાળને?”

નારદમુનિની વાત સાંભળીને ભગવાન વિષ્ણુએ કહ્યું: “મુનિવર, જે થયું છે એ બરાબર જ થયું છે. તે ચોરનું અને સાધુનું નસીબ પહેલાથી જ લખાયેલું હતું. ચોરના નસીબમાં પહેલાથી જ સોનાનો એક મહેલ હતો પરંતુ તેને જે પાપ કર્યું તેની સજાના ભાગરૂપે તેને માત્ર સોનામહોર ભરેલી એક થેલી જ હાથમાં આવી, અને જે સાધુએ ગાયને બચાવી છે તેમનું એ સમયે મૃત્યુ લખાયેલું હતું પરંતુ તેમને જે પુણ્યુનું કામ કર્યું તેના બદલામાં તેઓ માત્ર ખાડામાં જ પડ્યા અને તેમનું આયુષ્ય વધી ગયું.”શ્રી હરિની વાત સાંભળીને નારદજીને સંતોષ થયો તેમની સામે નતમસ્તક થઈને “જો કર્મો સારા હોય તો ભાગ્ય જરૂર સાથે આપે છે” એ વાત પણ સ્વીકારી.

Leave a reply:

Your email address will not be published.

Site Footer