હિંદુ ધર્મ પ્રમાણે બાર માસમાં ઉત્તમોત્તમ માસ એટલે માગશર, જાણો તેનું મહાત્મ્ય

માગશર મહિનામાં નદીમાં સ્નાન કરવાનું ખૂબજ મહત્વ છે. શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર, જ્યારે ગોકુળમાં અસંખ્ય ગોપીઓએ શ્રીહરિને મેળવવા ધ્યાન ધર્યું ત્યારે શ્રીકૃષ્ણએ માગશર મહિનામાં વિધિપૂર્વક નદી સ્નાન કરવાની સલાહ આપી. જેમાં નિયમિત વિધિપૂર્વક પ્રાત: સ્નાન કરવું અને ઈષ્ટદેવને પ્રણામ કરવાની વાત જણાવવામાં આવી છે. જો માગશર મહિનામાં કોઇ શ્રદ્ધાળુ ઓછામાં ઓછા ત્રણ દિવસ સુધી બ્રહ્મ મુહૂર્તમાં કોઇ પવિત્ર નદીમાં સ્નાન કરવામાં આવે તો, બધાં જ પ્રકારનાં સુખ પ્રાપ્ત થાય છે.

માગશર માસને જ વાલ્મીકિજીએ વાલ્મીકિ રામાયણમાં સંવત્સર ભૂષણ એટલે કે વર્ષનું ઘરેણું કહ્યું છે. આપણાં હિંદુ ધર્મશાસ્ત્રો કહે છે કે માગશર માસમાં કરેલાં તપ, જપ, ઉપવાસ, વ્રત ઉત્તમ ફળ આપે છે. માગશર માસમાં જ વૃશ્ચિક અને ધન રાશિની સંક્રકતિમાં હેમંત ઋતુની શુભ શરૂઆત થાય છે. અયોધ્યા અને જનકપુરીમાં માગશર સુદ પાંચમનું આજે પણ બહુ માહાત્મ્ય છે. આ દિવસે ઉપરોકત બંને જગ્યાએ ખૂબ ઉત્સવ થાય છે. આ દિવસે રામ સીતાના ભક્તો બંનેની મૂર્તિનાં વિધિસર લગ્ન કરે છે. જાન કાઢે છે. વિ‍ધિપૂર્વક ફેરા ફરે છે. એવું કહેવાય છે કે આ મહિનાની સુદ એકાદશીએ ભગવાન શ્રીકૃષ્ણે ગીતાનો ઉપદેશ અર્જુનને કહ્યો હતો. અર્થાત્ સુદ એકાદશીએ ગીતાજીનો પ્રાદુર્ભાવ થયો હતો. માગશર માસ ભગવાન શ્રીકૃષ્ણને ખૂબ ગમે છે તેથી જે તેમણે ગીતાજીનો પ્રાદુર્ભાવ પોતાના પ્રિય માગશરમાં કર્યો છે. ગીતાજી સાંભળ‍નાર પ્રથમ શ્રોતા તરીકે ભગવાન વિષ્ણુના પરમ સખા અર્જુન હતા.

મોક્ષદા એકાદશીએ બધાં પાપોની હરણ કરનારી છે : માગશર મહિનાના શુકલ પક્ષની એકાદશીનું નામ છે ‘મોક્ષદા એકાદશી’ એ બધાં પાપોની હરણ કરનારી છે. આ દિવસે પ્રયત્‍ન પૂર્વક તુલસીની મંજરી અને ધૂપ-દીપથી ભગવાન દામોદરનું પૂજન કરવું જોઇએ. ‘મોક્ષદા’ એકાદશી મોટા મોટાં પાતકોના નાશ કરનારી છે. આ મોક્ષ પ્રદાન કરનારી ‘મોક્ષદા’ એકાદશી મનુષ્‍યો માટે ચિંતામણિ સમાન બધી જ કામનાઓને પૂર્ણ કરનારી છે. આ મહિનાને એટલું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે કે માગશર સુદ પૂનમના દિવસે ભગવાન વિષ્ણુ અત્રિ ઋષિ તથા માતા અનસૂયાને ત્યાં પુત્ર સ્વરૂપે પ્રગટ થયા. નામ પડ્યું દત્તાત્રેય. માતા અનસૂયાના ગર્ભ દ્વારા જ બ્રહ્માના અંશરૂપ ચંદ્રમા અને ભગવાન શંકરના અંશ રૂપ દુર્વાસા જન્મ્યા. પુરાણોમાં વર્ણવ્યા મુજબ અત્રિ ઋષિનાં પત્ની અનસૂયા માતા સતીઓમાં શિરોમણિ કહેવાયા. માતા અનસૂયાની પવિત્રતાનાં આજે પણ વખાણ થાય છે.

આ માસમાં અને ઋતુમાં ઠંડીનો પ્રભાવ ખૂબ વધે છે : માગશર માસમાં હેમંત ઋતુ ચાલતી હોય છે. હેમનો એક અર્થ થાય છે બરફ. એટલે આ માસમાં અને ઋતુમાં ઠંડીનો પ્રભાવ ખૂબ વધે છે. શરીર અકડાઈ જાય છે. સૂર્યદેવનો તાપ પણ આ સમયમાં મંદ લાગે છે. સૂર્યદેવનાં કિરણો માગશર માસમાં વાંકાં પડતાં હોય છે. માગશર માસમાં ઠંડી હોવા છતાંય સૂર્યોદયના અલ્ટ્રાવાયોલેટ કિરણો પોતાનો ગુણ બતાવે છે. જેથી મનુષ્ય ઠંડીના પ્રભાવથી બચવા શીખે. માગશર માસ દ્વારા આપણને શીખવા મળે છે કે દરેક મનુષ્યએ સૂર્યની જેમ વ્યવહાર કરવો જોઈએ. જ્યારે માગશરની ઠંડીમાં ઉષ્મારૂપી ગરમીની જરૂર હોય ત્યારે પોતાનાં તેજસ્વી કિરણોનું દાન કરવું જોઈએ.

શરદી અને ખાંસીના રોગ વધે છે : આયુર્વેદ તથા ઋગ્વેદની કેટલીક ઋચાઓમાં એવું જણાવાયું છે કે જે મનુષ્ય માગશર માસમાં ઠંડાં પાણીથી સ્નાન કરે છે તેની બુદ્ધિ-બળ બહુ જ સતેજ બને છે. તેની યાદશક્તિ ખૂબ વધે છે પરંતુ સબૂર! જેણે કદી ઠંડાં પાણીથી ન્હાવાની ટેવ ના પાડી હોય તેવા મનુષ્યે આવો પ્રયોગ એકદમ શરૂ ન કરવો. માગશરની ઠંડી ખૂબ હોય છે અને જો કોઈ નબળા હૃદયની વ્યક્તિ દેખાદેખીમાં વાંચીને કે કોઈનાં કહેવાયેલાં વાક્યો સાંભળી માગશરની ઠંડીમાં ઠંડાં પાણીથી સ્નાન કરવાનું શરૂ કરે છે તે વ્યક્તિ ખૂબ બીમાર કે શરદી ખાંસીનો રોગી બની જાય છે. તેને પોતાનું સ્વાસ્થ્ય પાછું લાવતા નાકે દમ આવે છે. માગશર માસમાં સૂર્યનાં કૂમળાં કિરણો શરીરને ખૂબ સરસ રીતે વિટામિન ‘સી’ પ્રચૂર માત્રમાં પૂરું પાડે છે. દરેક વ્યક્તિએ જે સ્વાસ્થ્ય પ્રત્યે ખૂબ લગાવ રાખે છે. તે માગશરના દિવસોમાં સૂર્યનાં કિરણો વહેલી સવારે લેવાથી વિટામિન સારી રીતે મેળવી શકે છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer