રાજ્યના ખેડૂતોની માહિતી એક જ પળમાં મળી રહે તથા ખેડૂતોનો સંપર્ક કરી શકાય એ માટે ગુજરાત સરકાર રાજ્યના 1 લાખ ખેડૂતો પાસે વ્યાજમુક્ત લોન દ્વારા સ્માર્ટફોન ખરીદાવશે. 15 હજારની કિંમત સુધીનો ફોન ખરીદવા માટે કૉ-ઓપરેટિવ બેન્કમાંથી લોન મળશે જેનું વ્યાજ રાજ્ય સરકાર દ્વારા ચૂકવાશે અને જ્યારે હપ્તા ખેડૂતોએ જાતે ભરવાના રહેશે.
દરેક ખેડૂતનું એક અલગ અલગ એકાઉન્ટ રાખવા માટે રાજ્ય સરકાર દ્વારા 1 લાખ ખેડૂતોને સ્માર્ટ મોબાઇલ ફોનથી સજ્જ કરવાનું આયોજન કર્યું છે. આ બાબતે સત્તાવાર જાહેરાત ટૂંક સમયમાં થઈ શકે છે.
નૉ યોર ફાર્મર(કેવાયએફ) યોજના હેઠળ આ કરવામાં આવ્યું છે. અંદાજે એક લાખ જેટલા ખેડૂતોને સ્માર્ટ ફોન આપવાનું રાજ્ય સરકારે આયોજન કરી લીધું છે. રાજ્ય સરકાર દ્વારા જુદી જુદી યોજનાઓની માહિતી,સબસિડી, લોન,સહાય સહિતની સેવાઓ ખેડૂતને મળી કે નહીં ?
મળી તો કેટલી મળી તે તમામ બાબતોનું સીધું મોનિટરિંગ રાજ્ય સરકાર અસરકારક રીતે કરી શકે તેટલા માટે ખેડૂતોને સ્માર્ટ ફોનની સુવિધા અપાશે. આ માટેની તૈયારી રાજ્યના કૃષિ વિભાગે કરી લીધી છે અને આગામી દિવસોમાં વિગતવાર યોજનાની જાહેરાત કરવામાં આવશે.
દરેક જિલ્લાના ખેડૂતોને સ્માર્ટ ફોન ફાળવવામાં આવશે. આ માટેની અરજીઓ મંગાવવામાં આવશે અને પછી તે મુજબ ખેડૂતોને સ્માર્ટ ફોન અપાશે. આ યોજના કેન્દ્ર સરકારની ‘નૉ યોર ફાર્મર’ યોજના માટે તૈયાર કરવામાં આવશે.
આ યોજનામાં 15 હજારની કિંમત સુધીનો સ્માર્ટ ફોન ખેડૂતે પોતે તેની પસંદગી પ્રમાણેનો ખરીદી લેવાનો રહેશે. આ માટે આઇ-પોર્ટલ પર નિયત સમયે અરજીઓ મંગાવવામાં આવશે. એક લાખ કરતા વધારે અરજી આવશે તો તેનો ડ્રો થશે અને ડ્રોમાં જે ખેડૂતની પસંદગી થશે તે ખેડૂતને પસંદગી નો મોબાઇલ ફોન અપાશે.
મોબાઇલ માટેનું ધિરાણ કો-ઓપરેટિવ બેન્ક આપશે અને તેના હપ્તા ખેડૂતે પોતે ચૂકવવાના રહેશે, પણ વ્યાજ રૂ. 1500 જેટલું સરકાર ભરી દેશે .મોબાઇલ ખરીદયા પછી તેનું બિલ અને અન્ય વિગતો ગ્રામ પંચાયતમાં રજૂ કરવાની રહેશે.