ક્રોધ કરવાથી ઉમરમાં થાય છે ઘટાડો.. જાણો ક્રોધ વિશે વિસ્તારમાં..

એક થિયરી એવી છે કે આ રીતે મોટા પાયે લડવા કરતાં કોલ્ડ વોર સારું. એમાં ઓછી પીડા થાય. (કોલ્ડ વોર એટલે એકબીજાની અવગણના કરવી, સમસમીને ચૂપ રહેવું પણ વિખવાદ ન કરવો.) આ થિયરીમાં મને (એટલે કે શોભા ડેને) બહુ ભરોસો બેસતો નથી.

બાહ્ય વિસ્ફેટ (એક્સપ્લોઝન) અને આંતરવિસ્ફેટ (ઇમ્પ્લોઝન) બંને માણસને એકસરખા દુઃખી કરે છે. તમે ગુસ્સો ઓકશો તો હાર્ટ અટેક આવશે અને ગુસ્સો મનમાં દબાવી દેશો તો અલ્સર થશે. પીડા તો બંનેમાં થવાની છે. તો આપણે શું પસંદ કરવાનું – હોટ વોર કે કોલ્ડ વોર? કાશ, આનો કોઈ સ્પષ્ટ જવાબ હોત.

ક્રોધ – પછી એ તમારો ખુદનો હોય કે સામેની વ્યક્તિનો – એની સામે કોઈ દીવાલ ઊભી રહી શકતી નથી. તમે મેડિટેશન કરો, યોગાસન કરો, ગુસ્સો આવે ત્યારે ઊભા થઈને બીજા રૂમમાં ચાલ્યા જાઓ કે ઇવન બીજા શહેરમાં યા બીજા દેશમાં નાસી જાઓ, પણ ગુસ્સો તમારી પાછળ પાછળ આવી જ પહોંચે છે.

ક્રોધ માણસને અંદરથી ખોખલો કરી નાખે છે. ક્રોધ વિધ્વંસક લાગણી છે. ક્રોધ કરતાં વધારે ભૂંડી ચીજ બીજી કોઈ નથી. ખૂનખરાબા ક્રોધને કારણે તો થાય છે. ગુસ્સામાં મોઢામાંથી બે-ચાર ન બોલવા જેવા વેણ નીકળ્યા કે પત્યું. વર્ષો જૂના સંબંધ પર એકઝાટકે પૂર્ણવિરામ મુકાઈ જાય.

ક્રોધ વ્યક્ત કરવાનો એક ઉપાય લાંબા ઇ-મેઇલ કે કાગળ લખવાનો છે. આ રીતે મન હલકું થઈ શકે છે… પણ યાદ રાખો, ઇ-મેઇલ અને પત્રો કાયમી છે. એને ગમે ત્યારે પટારામાંથી બહાર કાઢી શકાય છે. ફેન પર ઝઘડવાનું તો આના કરતાંય વધારે પેચીદું છે.

તમે ફેન પર બોલતા રહો, પણ સામેની વ્યક્તિના ચહેરા પર કેવા હાવભાવ આવ્યા એની તમને ખબર ન પડે તો શો ફયદો? આવા લોંગ-ડિસ્ટન્સ ઝઘડામાં કોઈ મજા નથી! વળી, ફેન પર થતી વાતચીતનું રેકોર્ડિંગ પણ થઈ શકે તે યાદ રાખવાનું.

ગુસ્સાને ઓગાળી નાખતી જાદુઈ છડી હોઈ શકે ખરી? ક્રોધ ઉછળે તો એને કઈ રીતે હેન્ડલ કરવો? આ વિષય પર અલાયદું પુસ્તક લખવું પડે. મારી વાત કરું તો હું ગુસ્સો શાંત થાય એની રાહ જોઉં છું. સામેની વ્યક્તિને જ નહીં, ખુદને પણ સમય આપું છું. ધીરજ રાખું છું.

સમય વીતતો જાય તેમ જે મુદ્દાને લઈને મન ઊંચું થઈ ગયું હતું તેની ગંભીરતા ઘટતી જાય છે અને પરિસ્થિતિ વધારે મેનેજેબલ લાગે છે. જો તમે બિઝી લાઇફ્ જીવતા હશો તો ઘરની નાની-મોટી સમસ્યાથી દૂર હટીને મનને અન્યત્ર પરોવવામાં મદદ મળશે. ધારો કે તમે અબોલા લીધા હશે યા તો સામેના પાત્ર સાથે ઠંડું વર્તન કરતા હશો તો તમને ખુદને પછી અનકર્મ્ફ્ટેબલ ફીલ થવા માંડશે, જે કંઈ બન્યું હતું તે પહેલાં કરતાં ઓછું મહત્ત્વનું લાગશે.

આ કુલિંગ-ઓફ્ પીરિયડ એટલે કે ઠંડા પડવાનો સમયગાળો બહુ જ અગત્યનો છે. તે એક દિવસથી માંડીને એક વર્ષ સુધીનો હોઈ શકે. હા, આ સમયગાળા દરમિયાન સામેની વ્યક્તિ સાથે ચીટિંગ નહીં કરવાનું, એની પીઠ પાછળ દ્રોહ કે વિશ્વાસઘાત નહીં કરવાનો.

તમે જ્યારે ખુદને પણ છેતરી શકતા નથી ત્યારે બીજા કોઈને છેતરવાનો શો મતલબ છે? એક વાર ભીતર ઉછળતો લાવા ઠંડો પડે અને તમને ખાતરી થાય કે હવે તમે બોલશો તો મોંમાંથી આગ નહીં નીકળે, તે પછી જ સમાધાનની પ્રક્રિયા શરૂ થાય.

ફૂલોનો ગુચ્છો આપવાની કે ભારે માંહ્યલા શબ્દો બોલવાની જરૂર નથી. હું ક્યારેય ફૂલોથી કે અલંકારિક ભાષાથી પ્રભાવિત ન થાઉં. દિલથી બોલાયેલું સીધુંસાદું સોરી પૂરતું હોય છે. મને તરત ખબર પડી જાય છે કે સામેનો માણસ માત્ર બોલવા ખાતર બોલે છે કે એ ખરેખર ક્ષમા માગી રહ્યો છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer