સત્પુરુષોના સત્સંગથી પ્રભુના સામર્થ્યનું જ્ઞાન થાય છે અને મોક્ષ પ્રાપ્ત થાય છે

સાંખ્યશાસ્ત્રના સિદ્ધાંત મુજબ આત્મદર્શનરૂપ જ્ઞાન જ મનુષ્યના મોક્ષનું કારણ છે અને એનાથી જ અહંકાર વગેરે વિકારોરૂપી હૃદયની ગ્રંથિ ભેદાય છે. મા! આત્મા એ આપણું મૂળ સ્વરૂપ છે. સંસારના સર્વ દુઃખોનું એકમાત્ર કારણ છે અજ્ઞાન. ત્રિગુણાત્મિકા માયાની આવરણશક્તિથી મોહિત થયેલો જીવાત્મા પોતાના સ્વરૂપને ભૂલી ગયો છે. એ પોતાને ઇન્દ્રિયોના સમૂહરૂપ શરીર માનવા લાગે છે. શરીરનાં સુખ-દુઃખ એ પોતાનાં સુખ-દુઃખ સમજી લે છે. શરીર સાથેનું આ તાદાત્મ્ય એને માટે શારીરિક અને માનસિક ક્લેશ તથા જન્મ મરણના ફેરા નિર્માણ કરે છે. જીવાત્મા બીજી બધી જ પરિસ્થિતિમાં પોતાને જુદો સમજે છે.

ઉદાહરણ તરીકે સતત આઠ કલાક ઘોડે સવારી કરનાર મનુષ્ય ભૂલથી પણ પોતાને ઘોડો સમજતો નથી. એને ખબર છે કે એ ઘોડો નહી;પરંતુ ઘોડા પર બેસનાર છે. આખી જિંદગી એક જ ઘરમાં રહેનાર મનુષ્ય ક્યારેય પોતાને ઘર સમજવા લાગતો નથી. એને સતત ખ્યાલ હોય છે કે ચાર દીવાલો એટલે ઘર અને એ પોતે એ ઘરમાં રહેનારો છે; પરંતુ જ્યાં શરીરની વાત આવે છે કે તરત જ મનુષ્યના અજ્ઞાનનો પ્રારંભ થાય છે. એ પોતાને શરીર સમજવા લાગે છે. વસ્તુતઃ આપણે શરીર નથી,પરંતુ શરીરમાં રહેનાર આત્મા છીએ. ગીતાના બીજા અધ્યાયમાં સાંખ્ય શાસ્ત્ર સમજાવતાં શ્રીકૃષ્ણે દેહ અને દેહી એના બે યથાર્થ શબ્દો પ્રયોજ્યા છે. દેહ એટલે શરીર અને દેહી એટલે શરીરમાં રહેનારો આત્મા. આત્મા સાથે અનુસંધાન થયા પછી દેહ,દેહજનિત કર્મો,તે કર્મોનાં ફળસ્વરૂપ સુખદુઃખાદિ દ્વંદ્વો તથા તેમની સાથેનું મમત્વ આપોઆપ ખરી પડે છે. આ સ્થિતિ એટલે જ મોક્ષ.

પંચ મહાભૂત:પૃથ્વી,જલ,તેજ,વાયુ,અને આકાશ.
પંચ તન્માત્રા: ગંધ,રસ,રૂપ,સ્પર્શ,અને શબ્દ.
અંતઃકરણ ચતુષ્ટય: મન,બુદ્ધિ,ચિત્ત,અને અહંકાર.

દસ ઇન્દ્રિયો :શ્રોત્ર (કાન),ત્વચા (ચામડી),ચક્ષુ (આંખ),રસના (જીભ),નાસિકા(નાક),વાક્‌(વાણી),પાણિ (હાથ),પાદ (પગ),ઉપસ્થ અને પાયુ.

સગુણ બ્રહ્મ આ ચોવીસ તત્ત્વમાં રહે છે. કેટલાક વિદ્વાનો કાલ (સમય)ને પચીસમું તત્ત્વ માને છે, જ્યારે બીજા કેટલાક એને પુરુષથી ભિન્ન તત્ત્વ ન માનતાં એને પુરુષનો પ્રભાવ અર્થાત્‌ ઇશ્વરની સંહારકારિણી શક્તિ માને છે. વાસ્તવમાં,ભગવાન સ્વયં પોતાની માયા દ્વારા પ્રાણીમાત્રમાં જીવરૂપથી અને બહાર કાળરૂપથી વ્યાપ્ત છે અને તેઓ જ પચીસમુ તત્ત્વ છે.

હે મા! જે રીતે જળમાં પ્રતિબિંબિત સૂર્યને જળના શીતળતા,મલિનતા આદિ ગુણો સાથે કોઇ સંબંધ નથી તે રીતે પ્રકૃતિના કાર્યરૂપ શરીરમાં રહેતો હોવા છતાં આત્મા એના સુખદુઃખાદિ ધર્મોથી લેપાતો નથી કારણકે તે સ્વભાવથી જ નિર્વિકાર,અકર્તા અને નિર્ગુણ છે, પરંતુ અજ્ઞાનવશ થઇ એ જ્યારે પ્રાકૃત ગુણોથી સંબંધ બાંધે છે ત્યારે અહંકારથી મોહિત થઇને ‘હું કર્તા છું’ એમ માનવા લાગે છે. એ કર્મોના ફળ સમાન પાપ-પુણ્યરૂપી દોષથી પોતાની સ્વાધીનતા અને શાંતિ ગુમાવી બેસે છે. ‘હું કરું,હું કરું’ એ અજ્ઞાનતા, શકટનો ભાર જેમ શ્વાન તાણે. પરિણામે, ચોર્યાસી લાખના ચકરાવામાં ફસાય છે. જે રીતે સ્વપ્નમાં બધું સાચું જ લાગે છે. એવી રીતે અજ્ઞાનીને આ સંસાર સ્વપ્ન સાચું જ લાગે છે અને એમાંથી બહાર નિકળવું એને અસંભવ ભાસે છે.

સાંખ્ય શાસ્ત્રનો મૂળભૂત સિધ્ધાંત જીવનમાં ઉતારીએ તો કોઇ દુઃખ રહે જ નહી. મા! જીવનમાં દુઃખનું કારણ એક જ છે કે ચૈતન્યમય આત્મા જડ પ્રકૃતિ સાથે આત્મીયતા બાંધે છે. શરીર જડ છે. એ શરીર દ્વારા જેની સાથે સંબંધો બંધાય છે તે અન્ય શરીરો,ઘર,સંપત્તિ વગેરે મમત્વનાં અધિષ્ઠાનો પણ જડ છે. આ જડ પરની પકડ એટલી હદે મજબૂત બને છે કે જીવાત્મા પોતાના ચૈતન્યમય સ્વરૂપને ભૂલી જાય છે. આ સ્વ-રૂપનું વિસ્મરણ એ જ દુઃખનું કારણ છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer