આપણા શાસ્ત્રોમાં જણાવ્યું છે મૃત્યુ બાદ વ્યક્તિના આત્માનું શું થાય છે?

ગરુડપુરાણમાં મૃત્યુ પછી જે તે જીવની શી ગતિ થાય છે? તેના વિશે ઘણુ લખવામાં આવ્યું છે. જે તે સ્વજનનાં મૃત્યુ પછી તેના આત્માની શાંતિ માટે તથા વ્યાપક મોહ માયામાં ફસાયેલાં સ્વજનોનાં મનનાં દ્વાર તથા જે તે સ્વજન શુભ કર્મ કરે તે માટે તે મૃત સ્વજન પાછળ ગીતા અથવા ગરુડ પુરાણ બેસાડવામાં આવે છે.

મૃતાત્મા પાછળ દાન પુણ્ય તથા અન્ય વિધિ કરવામાં આવે છે. આ બધાં પાછળનું શાસ્ત્ર આપણાં કોઇ અંગત સ્વજનનાં મૃત્યુ પછી થતું આપણે જોઇએ છીએ, પરંતુ આપણે તેને સમજી શકતા નથી. આવો, આપણાં સ્વજન અથવા આપણા મૃત્યુ પછી કેવી અને કઇ વિધિ શા માટે થાય છે તે જોઇએ. મૃત્યુ પછી જે તે શરીરનો જીવ તે શરીરની પાછળ પાછળ જાય છે. તે શરીરને સ્મશાનમાં બાળવામાં આવે છે તેથી તેનો જીવ નિરાશ થઇ બીજો દેહ ધારણ કરવા મન વાળે છે. તે તેના રસ્તે પડે છે. બીજો દેહ ધારણ કરે છે.

જો કોઇ જીવે કાળી મજૂરી કરી હોય, રાત દિવસ જોયા વગર વૈતરાં કર્યાં હોય, પોતે ખાધું ન હોય, પુષ્કળ પૈસા પોતાની પાસે હોવા છતાં ફાટેલાં તૂટેલાં કપડાં, ચપ્પલથી ચલાવતો હોય, સારું ખાઇ પી શકતો ન હોય અને પેટે પાટા બાંધી પૈસા બચાવતો હોય અને આવો જીવ જો અચાનક મૃત્યુ પામે તો તે જીવ બીજા કોઇ દેહમાં જતો નથી, પરંતુ અવગતિએ જઇ પોતાનાં ધન માલનું રક્ષણ કરે છે. તેની પાસે પણ કોઇને ફરકવા દેતો નથી. કોઇ વખત આવો જીવ નાગનું શરીર ધારણ કરી પોતાનાં ધનનું રક્ષણ કરે છે. આવા જીવ ભયંકર પાપી કહેવાય છે.
આવી સ્થિતિ ન આવે તે માટે આપણાં શાસ્ત્રોમાં ત્રીજે દિવસે મુંડન તથા દશમું અગિયારમું, બારમું તથા તેરમું કરવામાં આવે છે. દશમા દિવસે પિંડ વહેરવાની વિધિ મૃતાત્મા પાછળ કરાય છે. આ પાછળનું કારણ શાસ્ત્રો કહે છે તે મુજબ જે તે જીવ પોતાના મૃત્યુ પછી તેર દિવસ સુધી તે ઘરમાં રહેતો હોવાથી જુએ છે કે તેના નામનો પિંડ વહેરાઇ ગયો છે તેથી તે પોતાના રસ્તે પડી પોતાનો નવો દેહ પ્રાપ્ત થાય તે માટે મન વાળે છે.

જો દશમાનો પિંડ વહેરાવ્યા પછી પણ જે તે જીવ ભૂત થઇ ભમતો હોય તો તે જીવની સદ્ગતિ માટે અગિયારમા દિવસે ઘડા ભરાવવાની વિધિ કરાય છે. તે બતાવે છે કે હે જીવ, જો તું ભૂત બની અહીં ભમતો હોય તો, તારો જીવ બળતો હોય તો આ પાણીના ઘડા ભર્યા છે તેમાં ભરેલાં જળ વડે તારું મન તે જળ પીશાંત પાડ. હવે આપણા ઋણાનુ બંધ પૂરા. તેમ છતાં બારમા દિવસે પણ તે જીવ ભૂત થઇ ભમતો હોય તેમ માની બહેન, ભાણેજને જમાડવામાં આવે છે. તેથી તે જીવને વિશ્વાસ બેસે છે કે તેના મૃત્યુ પછી દુનિયા તથા સ્વજનો તેનાં સંતાનોની કાળજી રાખશે.તેમને અધવચ્ચે ભટકવા નહીં દે.

તેરમાના દિવસે પણ જીવ ભટકે છે તેવું માની તેની સજ્જા પૂરવામાં આવે છે. નવો ખાટલો, ગાદલાં, રજાઇ, ઓશિકાં, અનાજ, શાકભાજી, ચપ્પલ, છત્રી, દીવો, ચાંદીની હોડી, ચાંદીની ગાય, ચાંદીની નિસરણી મૂકવામાં આવે છે. આ બધાં પાછળ જે તે જીવને આ બધું તેની અંતિમયાત્રામાં ઉપયોગી થશે તેમ માનવામાં આવે છે. આ બધું કરવા પાછળ જે તે જીવ પાછળ સ્વજનો દાન પુણ્ય કરે તથા દાન પુણ્યનો મહિમા વધે તે સિવાય બીજો કોઇ નથી. બ્રાહ્મણો તથા અન્ય કોમના લોકોને તે બહાને મદદ થાય તે ઉમદા વિચારધારા પણ છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer