જાણો નિષ્કલંક મહાદેવના પૌરાણિક મંદિર વિશે

ભાવનગરમાં જઇએ એટલે અચુક કોળીયાક બીચ ઉપર જઇને તે દરિયામાં અંદર આવેલાં નિષ્કલંક મહાદેવના મંદિરે દર્શન કરવા જવાનું મન થઇ આવે. આદિકાળથી દરીયાની વચ્ચે મહાદેવજી અહીં બિરાજમાન છે. રોજે દરિયો મહાદેવજીને પોતાના પાણીમાં સમાવી લે છે અને દરીયાના પાણીથી શિવજીને જળાભિષેક કરાવરાવીને તેમના ભક્તોને દર્શન કરવા માટેનો સમય આપી થોડા સમય માટે પોતે આ મંદિરથી અળગો થઇને દૂર પાણીના ઘુઘવાટા કરતો રાહ પણ જુએ છે.

અહીં વસતા લોકો નિષ્કલંકને પોતાને તળપદા નામ નકલંક મહાદેવ તરીકે વધારે સંબોધીત કરે છે. અહીં દર્શન કરવા આવતા દર્શનાર્થીઓ પાણીમાં ચાલીને મંદિરે દર્શન કરવા પહોંચે છે.

જો કે નિષ્કલંક મહાદેવ પાસે દરીયામાં ઓટ હોય ત્યારે જ તમે જઇ શકો છો. ભરતીનો સમય જેમ જેમ નજીક આવતો જાય તેમ તેમ દરીયો ભોળેનાથને પોતાની અંદર સમાવી લેવા મંદિરની પાસે આવતો જાય છે, સર્વ દર્શનાર્થીઓએ તે પહેલાં જ મંદિર ખાલી કરી નાખવું પડે છે. જે સમયે ભરતી હોય છે, તે સમયે તો મહાદેવજીની મૂર્તિના દર્શન પણ નથી થતાં, બસ ઉપર લહેરાતી ધજા અને તેનો સ્તંભ જ દેખાય છે. નિષ્કલંક મંદિરે શિવજીનાં પાંચ સ્વયંભૂ લિંગ છે.

આ મંદિરનો ઇતિહાસ મહાભારત કાળથી જોડાયેલો છે. મહાભારતમાં પાંડવોએ કૌરવોનો નાશ કરીને યુદ્ધમાં વિજય મેળવ્યો હતો. પણ પાંડવોના મનમાં પોતાના સ્વજનોને જ મારવાનું અત્યંત દુખ અને રંજ હતાં. તેમને મનમાં વારંવાર એ પીડા ઉઠતી હતી કે અમે અમારા જ સગાં સબંધીઓને મારીને ઘોર પાપ કર્યું છે. આ મનની પીડા તેમણે ભગવાન શ્રી કૃષ્ણને કહી. ભગવાન શ્રી કૃષ્ણએ તેમની વાત સાંભળી પહેલાં તો તેમને સમજાવવાનો પ્રયત્ન કર્યો કે તમે માત્ર કૌરવોને તેમના કર્મોનું ફળ જ આપ્યું છે.

ઘણું સમજાવવા છતાં પાંડવોના મનમાંથી આ વાત જતી નહોતી, તેથી ભગવાન શ્રી કૃષ્ણએ તેમને એક કાળી ધજા અને કાળી ગાય આપી. તેમણે પાંડવોને જણાવ્યું કે મારું ન માનો તો કોઇ વાંધો નહી પણ ભગવાન શિવનું તો માનશો ને? પાંડવોએ હા કહી. એટલે શ્રી કૃષ્ણએ કહ્યું આ ગાય જે તરફ જાય તે તરફ તમે જાવ અને આ ધજા પણ લેતાં જાવ. જો તમારા હાથમાં રહેલી કાળી ધજા સફેદ થઇ જાય, તેમજ તમારી આગળ ચાલી રહેલી આ ગાય પણ સફેદ થઇ જાય તો તમારે સમજવું કે તમારા પાપ ધોવાઇ ગયાં છે, અને ભગવાને તે સર્વે પાપ માફ કરી દીધાં છે. અને જે જગ્યાએ ગાય તેમજ ધજા સફેદ થઇ જાય તે જગ્યાએ જ ભગવાન શિવની તપસ્યા કરજો.

પાંડવોએ ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું હતું તેમજ ગાયનું અનુસરણ કર્યું. ઘણા દિવસો સુધી ચાલ્યા બાદ કોળીયાક બંદર આવ્યું ત્યાં જ પાંડવોના હાથમાં રહેલી ધજા અને ગાયનો રંગ બદલાઇ ગયો. પાંડવો ખૂબ ખુશ થઇ ગયા અને દરીયા કિનારે જ બેસી ગયા. અને તે જગ્યાએ બેસીને જ તેમણે ભગવાન શિવની તપસ્યા કરવા માંડી.

થોડા દિવસોની તપસ્યા બાદ ભોળેનાથ પ્રસન્ન થયા અને તેમણે પાંચેય પાંડવોને અલગ અલગ પાંચ શિવલિંગના રૂપે દર્શન આપ્યાં. બસ તે સમયે ઉત્પન્ન થયેલા પાંચેય શિવલિંગ હજી પણ ત્યાં જ સ્થિત છે. પાંચેય શિવલિંગની સામે નંદી પણ છે. આ જગ્યાએ એક નાનકડું તળાવ પણ છે, જેને પાંડવ તળાવ કહેવામાં આવે છે.

જે પણ વ્યક્તિ અહીં પગે લાગવા આવે તે સૌપ્રથમ પાંડવ તળાવમાં હાથ-પગ ધુએ અને પછી શિવજીના દર્શન કરવાનો લાભ લે છે. બીજી માન્યતા ત્યાંના લોકોમાં એ પણ છે જે ઘરનું જે સ્વજન સ્વર્ગે સિધાવી ગયું હોય તો તેની રાખ લાવીને શિવજીને અડાડીને તેને આ દરિયામાં વહાવી દેવામાં આવે તો સ્વજનને મોક્ષ પ્રાપ્ત થઇ જાય છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer