કીર્તિદાન ગઢવીને મતદાન કરતાં અટકાવવામાં આવ્યા, ID પ્રૂફ ના હોય તો મતદાન ના જ થઈ શકે!

સમગ્ર ગુજરાતમાં હાલ ચૂંટણીપ્રક્રિયાએ વેગ પકડ્યો છે અને વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે ત્યારે જાણીતા લોકગાયક અને ગુજરાતના મતદાન કેમ્પેનના બ્રાન્ડ-એમ્બેસેડર કીર્તિદાન ગઢવીને મતદાન કરતાં અટકાવવામાં આવ્યા છે. તેમની પાસે આધારકાર્ડની હાર્ડકોપી ન હોવાથી પ્રિસાઇડિંગ ઓફિસર દ્વારા તેમને મતદાન કરતાં અટકાવવામાં આવ્યા હતા. આવા સમયે કીર્તિદાન ગઢવીએ એવી દલીલ કરી હતી કે તેની પાસે આધારકાર્ડની ડિજિટલ કોપી છે છતાં પણ તેમને પોણો કલાક સુધી બેસવું પડ્યું હતું અને એ બાદ ઓરિજિનલ ડોક્યુમેન્ટ સાથે ન હોવાના કારણે ઝેરોક્સ કોપીમાં સહી કરીને તેમણે ચૂંટણી અધિકારીને રજૂ કરી હતી. એ બાદ માધાપર તાલુકા શાળા ખાતે તેમણે મતદાન કર્યું હતું.

આ અંગે કીર્તિદાન ગઢવીએ મીડિયાને જણાવ્યું હતું કે ભારતના પ્રધાનમંત્રી મોદી સાહેબ નિયમિત ડિજિટલ ઇન્ડિયાની વાતો કરતા રહે છે, પરંતુ મતદાનની પ્રક્રિયામાં જ ડિજિટલ ઇન્ડિયાનો અમલ નથી થતો. હું 45 મિનિટથી અહીં મતદાન માટેની રાહ જોઈ રહ્યો છું. મારી પાસે આધારકાર્ડ હાર્ડકોપીમાં નથી, પરંતુ ડિજિટલ કોપીમાં છે છતાં પણ ચૂંટણીતંત્રમાં ફરજ પર તહેનાત કર્મચારીઓ મને મત આપતા અટકાવી રહ્યા છે, કારણ કે મારી પાસે હાર્ડ કોપીમાં આધારકાર્ડ નથી તો આ રીતે ભારત દેશ કઈ રીતે ડિજિટલ બનશે.

તેમણે વધુમાં કહ્યું હતું કે મારી આ અધિકારીઓને પણ અપીલ છે કે તેઓ મોદીસાહેબને આ વાત પહોંચાડે કે આમને આમ ચાલતું રહેશે તો ભારતમાં ડિજિટલ ઇન્ડિયાનું કેમ્પેન ક્યારેય સફળ નહીં થાય અને મારી જેવા સેલિબ્રિટીને આટલીવાર સુધી રાહ જોવી પડે તો જે નવા મતદારો છે જે જીવનમાં પ્રથમવાર મતદાન કરવા માટે આવે છે, જો તેમની પાસે પણ આવું કોઈ પ્રૂફ નહીં હોય તો શું તેમણે પણ પાછું જવું? આ રીતે મતદાન ન થઈ શકે.

ઉલ્લેખનીય છે કે ચૂંટણી કાયદા હેઠળ મતદાન માટે આવતા તમામ મતદારોએ મતદાન મથકોએ પોતાની ઓળખ કરવા માટે મતદાર ફોટો ઓળખકાર્ડ રજૂ કરવાના હોય છે. જો કોઇ મતદાર તેને આપવામાં આવેલા મતદાર ફોટો ઓળખકાર્ડ રજૂ ન કરી શકે તો તેમાં વૈકલ્પિક દસ્તાવેજી પુરાવાઓ રજૂ કરી શકે છે, જેમાં ચૂંટણીપંચ દ્વારા વૈકલ્પિક દસ્તાવેજો માન્ય કરવામાં આવ્યા છે.

જેમાં આધાર કાર્ડ, મનરેગા હેઠળ કાઢી આપવામાં આવેલ જોબકાર્ડ, બેંક અને પોસ્ટ ઓફિસ તરફથી કાઢી આપવામાં આવતી ફોટા સાથેની પાસબુક, શ્રમ મંત્રાલયની યોજના અન્વયે કાઢી આપવામાં આવેલ હેલ્થ ઈન્શ્યોરન્સ સ્માર્ટકાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ, પાનકાર્ડ, નેશનલ પોપ્યુલેશન રજિસ્ટર, સ્કીમ હેઠળ RGI દ્વારા આપવામાં આવેલા સ્માર્ટકાર્ડ, ભારતીય પાસપોર્ટ, ફોટા સાથેના પેન્શન દસ્તાવેજ, કેન્દ્ર, રાજય સરકાર, જાહેર સાહસો અથવા પબ્લિક લિમિટેડ કંપનીઓ તરફથી તેમના કર્મચારીઓને આપવામાં આવતાં ફોટા સાથેનાં ઓળખકાર્ડ અને સંસદસભ્યો, ધારાસભ્યો, વિધાન પરિષદના સભ્યોને આપવામાં આવેલાં અધિકૃત ઓળખપત્રો તેમજ સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય, ભારત સરકાર દ્વારા આપવામાં આવેલ યુનિક ડિસેબિલિટી આઈડીકાર્ડ વગેરેનો સમાવેશ કરાયો છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer