આપણા દેશમાં ઘણા મંદિરો આવેલા છે. દરેક મંદિરોમાં અલગ અલગ ભગવાન ની પૂજા કરવામાં આવે છે. અમુક મંદિરો ઘણા પ્રાચીન હોય છે અને એનું મહત્વ પણ ખુબ જ હોય છે. ભારતમાં તમિલનાડુના પેરાવોરાની નજીત તંજાવૂરના વિલનકુલમમાં અક્ષયપુરીશ્વર મંદિર છે. આ મંદિર પુષ્ય નક્ષત્ર સાથે સંબંધિત છે. પુષ્ય નક્ષત્રના સ્વામી શનિદેવ છે. માટે આ મંદિર ભગવાન શનિના પગ તૂટવાની ઘટના સાથે જોડાયેલું છે. અહીં જ ભગવાન શિવજીએ પુષ્ય નક્ષત્રના સંયોગમાં શનિદેવને દર્શન આપ્યાં હતાં. એટલાં માટે પુષ્ય નક્ષત્રમાં જન્મેલાં લોકો આ મંદિરમાં દર્શન અને નક્ષત્ર શાંતિ માટે આવે છે. શનિની સાડાસાતીમાં જન્મેલાં લોકો પણ પુષ્ય નક્ષત્રના સંયોગમાં અહીં પૂજા અને વિશેષ અનુષ્ઠાન કરાવે છે.
લગભગ 700 વર્ષ જૂનું મંદિર
તમિલનાડુના વિલનકુલમમાં બનેલું અક્ષયપુરીશ્વર મંદિર ભગવાન શિવને સમર્પિત છે. આ મંદિર તમિલ વાસ્તુકળા પ્રમાણે બનેલું છે. એવું માનવામાં આવે છે કે, આ મંદિર ચોલ શાસક પરાક્ર પંડ્યાન દ્વારા બનાવવામાં આવ્યું હતું. જે 1335 ઈસવીથી 1365 ઈસવી વચ્ચેના સમયગાળામાં બનાવવામાં આવ્યું હશે. આ મંદિર લગભગ 700 વર્ષ જૂનું છે. આ મંદિરના પીઠાસીન દેવતા શિવ છે. તેમણે શ્રી અક્ષયપૂર્વીશ્વર કહેવામાં આવે છે. ત્યાં જ તેમની શક્તિને દેવી શ્રી અભિવૃદ્ધિ નાયકી સ્વરૂપમાં પૂજવામાં આવે છે.
પુષ્ય નક્ષત્રનું મહત્વ
ભગવાન શનિ પુષ્ય નક્ષત્રના સ્વામી છે અને શનિદેવના ગુરૂ ભગવાન શિવ છે. એટલાં માટે તમિલનાડુના આ મંદિરમાં પુષ્ય નક્ષત્રએ સારા સ્વાસ્થ્ય, લગ્ન, સુખ અને સમૃદ્ધિ માટે શનિદેવ સાથે તેમના ગુરૂ ભગવાન શિવની વિશેષ પૂજા કરવામાં આવે છે. અહીં પુષ્ય નક્ષત્રના સંયોગમાં શનિની મહાદશા અને સાડાસાતીથી પીડિત લોકો પૂજા કરે તો પરેશાનીઓથી રાહત મળે છે. દેવામાંથી મુક્તિ મેળવવા માટે અહીં વિશેષ પૂજા કરવામાં આવે છે.
શનિદેવને લગ્નના અને પગ ઠીક થવાના આશીર્વાદ મળ્યાં
આ શક્તિસ્થળ સાથે જોડાયેલી પૌરાણિક કથા પ્રમાણે અહીં શનિવારે પુષ્ય નક્ષત્ર અને અક્ષય તૃતીયા તિથિના સંયોગમાં શનિદેવે તેમની અપંગતાને દૂર કરવા માટે ભગવાન શિવની પૂજા કરી હતી. અહીં અનેક બીલી વૃક્ષ હતાં. આ વૃક્ષની જડમાં શનિદેવના પગ ભરાઇ ગયાં હોવાથી શનિદેવ અહીં પડી ગયાં હતાં. શનિદેવ પડ્યાં ત્યારે ત્યાં ભગવાન શિવ પ્રકટ થયા અને શનિદેવ એક ઝાટકામાં ઊભા થઇ ગયાં હતાં. તે સમયે ભગવાન શિવે શનિદેવને લગ્ન માટે અને પગ ઠીક થઇ જવાના આશીર્વાદ આપ્યાં હતાં. તમિલ શબ્દ વિલમનો અર્થ બીલી થાય છે અને કુલમનો અર્થ ઝૂંડ થાય છે. એટલે અહીં અનેક બીલી વૃક્ષ હોવાથી આ સ્થાનનું નામ વિલમકૂલમ પડ્યું હતું.
પત્નીઓ સાથે શનિદેવ પણ છે બિરાજમાન
અહીં શનિદેવની પૂજાનું ખૂબ જ મહત્ત્વ છે. આ મંદિરમાં તે તેની પત્નીઓ મંદા અને જ્યેષ્ઠા સાથે છે. તેમને અહીં આદી બૃહત શનેશ્વર કહેવામાં આવે છે. શનિદેવ પુષ્ય નક્ષત્રના સ્વામી છે. એટલાં માટે આ સ્થાન પુષ્ય નક્ષત્રમાં જન્મેલાં લોકો માટે ખાસ માનવામાં આવે છે. પુષ્ય નક્ષત્રમાં જન્મ લેતાં લોકો અહીં પુષ્ય નક્ષત્ર, શનિવાર અથવા અક્ષય તૃતીયાના દિવસે આવીને શનિદેવની પૂજા કરે છે. શનિદેવ અંક 8 ના સ્વામી પણ છે. એટલાં માટે અહીં 8 વાર 8 વસ્તુઓ સાથે પૂજા કરીને ડાબીથી જમણી બાજુ 8 વાર પરિક્રમા પણ કરવામાં આવે છે.
મંદિરની બનાવટ
મંદિરનું પ્રાંગળ વિશાળ છે અને અહીં અનેક નાના મંડપ અને હોલ બનેલાં છે. મંદિરનો સૌથી મહત્ત્વપૂર્ણ ભાગ અંદરનો મંડપ છે જે દિવાલોથી ઘેરાયેલો છે. અહીં કોટરીનુમા સ્થાન છે જ્યાં સૂર્યનો પ્રકાશ પહોંચી શકતો નથી. આ દેવાલય વચ્ચે ગર્ભગૃહ બનેલું છે. જ્યાં ભગવાન શિવ અક્ષયપુરિશ્વર સ્વરૂપમાં વિરાજમાન છે. અહીં પત્થરનું એક મોટું શિવલિંગ છે. મંદિરના પૂજારી જ આ ગર્ભગૃહમાં પ્રવેશ કરી શકે છે.