ચાલો જાણીએ સંસ્કૃત ભાષાની આપણા મગજ ઉપર કેવી અસર થાય છે તેમજ સંસ્કૃત વિશેની કેટલીક રસપ્રદ હકીકતો

વાત કરીએ આપણી પ્રાચીન ભાષા સંસ્કૃત વિશે. તો આપણા સૌથી પ્રાચીન ગ્રંથો 4 વેદઃ ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ તેમજ અથર્વવેદ છે. આ ચારેય વેદોમાં જીવનના આરંભથી માંડીને અંત સુધીનો સાર આપવામાં આવ્યો છે. વેદ એ શબ્દ સંસ્કૃત શબ્દ છે. જેનો અર્થ થાય છે જ્ઞાન. આ ચારેય વેદ સંસ્કૃત ભાષામાં લખાયેલા છે.

સંસ્કૃત ભાષાને દેવોની ભાષા કહેવાય છે અને આપણી દરેક ભાષાની એ જનની છે. સંસ્કૃતમાંથી પાકૃત ભાષા જન્મી, ત્યારબાદ એ અપભ્રંશ થઈ અને જુદી જુદી ભાષાઓ એમાંથી જન્મી. એમાંથી જ જૂની ગુજરાતી અને હવે જન્મી નવી ગુજરાતી કે જેનો આપણે બોલી તેમજ લખવા, વાંચવામાં ઉપયોગ કરીએ છીએ.

અફસોસ એ વાતનો છે કે, આપણે જીવનમાં આગળ વધવાની દોટમાં આપણી ભાષાને ભૂલી રહ્યાં છીએ. હવે ગુજરાતી વાંચવુ કે લખવું કોઈને ગમતું નથી. આપણે ત્યાં બાળકો જેવું બોલતાં શીખે એટલે આપણે એમને ગુજરાતી બારાખડી કે સંસ્કૃત શ્લોકને બદલે અંગ્રેજી a, b, c, d તેમજ રાઈમ્સ શીખવીએ છીએ. એમાંય કોઈનું બાળક ગુજરાતી સરખું ન બોલે કે, ન વાંચી શકે તો કંઈ વાંધો નહીં. પણ એ જ બાળક અંગ્રેજી બોલે તો આપણે ગદગદ થઈ જઈએ છીએ. ઘણાંને મોંઢે સાંભળવામાં આવ્યું છે. ‘મારા છોકરાંને તો ગુજરાતી વાંચતા તો શું બોલતાંય નથી આવડતું. પણ એના દોસ્તારો જોડે અંગ્રેજી તો શું ફાંકડું બોલે કે, હું તો એને સાંભળ્યા જ કરું!’

જો માતૃભાષાની આ હાલત હોય તો સંસ્કૃત વિશે તો શું કહેવું. આ કોઈ અભિગમ નથી લોકોને પરાણે સંસ્કૃત તરફ ખેંચી જવાનો. પણ તમે જ્યારે હવે પછી લખાયેલી વાત વાંચશો તો તમે પણ આપણા સંસ્કૃતના એકાદ-બે શ્લોક પઠન કરવાની તૈયારી કરવા લાગશો જ. સંસ્કૃત ભાષા ઉપર ગર્વ કરશો!

સંસ્કૃત ભાષાના ચુસ્ત અનુયાયી એવા જેમ્સ હર્ટઝલ અમેરિકાના ન્યુરોસાયન્ટિસ્ટ છે. હાલમાં તેઓ સ્પેનના બાસ્ક સેન્ટર ખાતે ભાષા અને તેની મગજ ઉપર અનુભૂતિ વિષય માટે પોસ્ટડોક્ટરલ રિસર્ચર છે. વર્ષોથી તેઓ સંસ્કૃત ભાષા ઉપર સંશોધન તેમજ તેમાં ભાષાંતરણ કરી રહ્યાં છે. આ ભાષાની મગજ ઉપર જે અપ્રતિમ સકારાત્મક અસર એમણે નોંધી છે કે, તેઓ સંસ્કૃત ભાષાના અનન્ય ચાહક થઈ ગયા છે.

એમણે અનુક્રમે હાર્વર્ડ તેમજ કોલંબિયા યુનિવર્સિટીઝમાં સંસ્કૃત તેમજ તિબેટન ભાષાનો અભ્યાસ કર્યો છે. તેઓએ કોગ્નિટીવ ન્યૂરોસાયન્સનો અભ્યાસ ટ્રેન્ટો યુનિવર્સિટીમાંથી કર્યો છે. જેમાં ‘ સંસ્કૃત ભાષાની આપણા મગજ ઉપર અસર ‘ વિષય ઉપર એમણે સંશોધન કર્યું છે, જેમાં તેમને આશ્ચર્યજનક પરિણામ જાણવા મળ્યું છે. તેઓ જણાવે છે કે, સંસ્કૃત શ્લોકના રોજના નિયમિત ઉચ્ચારણ માત્રથી યાદ શક્તિ તેમજ મગજ શક્તિ ખીલી ઉઠે છે, તેમજ જ્ઞાનાત્મક કુશળતા વધે છે.

વધુમાં તેઓ કહે છે કે, ‘ભારતનો પ્રાચીન સંસ્કૃત ગ્રંથ ‘શુક્લા યજુર્વેદ’ 40,000 થી 1,00,000 શબ્દો ધરાવે છે, જે 3,000 વર્ષ પુરાણો છે. આ ગ્રંથનું પઠન ભારતના પરંપરાગત વેદિક સંસ્કૃત પંડિતો વાંચ્યા વગર, એકધારું સ્પષ્ટપણે મોઢે બોલી જાય છે. એના પઠનમાં 6 કલાક લાગે છે. આ જ પઠનની 20 મિનિટની એક ઝલકનો લ્હાવો મને મારા અભ્યાસ દરમ્યાન ભારતમાં મળ્યો. 100 જેટલાં પંડિતો એક રૂમમાં વેદિક શ્લોકનું પઠન કરી રહ્યાં હતાં. જેઓ લયબદ્ધ રીતે એક સરખા તાલે શ્લોક બોલી રહ્યાં હતાં. દરેક શબ્દોનું ઉચ્ચારણ એકદમ સ્પષ્ટ હતું. એમના પઠનનો પડઘો આખી રૂમથી લઈને મન તેમજ શરીર ઉપર એક હિપ્નોટિક અસર પાડતો હતો. જે હું મંત્રમુગ્ધ બનીને સાંભળી રહ્યો.

આ કૌતુકને ધ્યાનમાં લઈને એક વિચાર આવ્યો કે શું આ મંત્રોચ્ચારણની મગજ ઉપર કોઈ અસર છે. એ માટે ઈન્ડિયા-ટ્રેન્ટો યુનિવર્સિટીના સહિયારા અધ્યયન દરમ્યાન અમે ભારતના 21 પ્રોફેશનલી ક્વોલિફાઈડ્ પંડિતોના મગજનો MRI ટેસ્ટ કરાવ્યો. તેમાં અમને જાણવા મળ્યું કે સંસ્કૃતના મંત્રોચ્ચારણથી મગજમાં સંક્ષિપ્ત અને લાંબા ગાળાના મેમરી સહિત, જ્ઞાનાત્મક કાર્ય સાથે સંકળાયેલ પ્રદેશોનું કદ વધે છે.’

Leave a reply:

Your email address will not be published.

Site Footer