શ્રીમદ્ ભાગવત મહાપુરાણમાં જણાવ્યો છે ભગવાનના નામનો અનેરો મહિમા

શ્રીમદ્ ભાગવત મહાપુરાણના છઠ્ઠા સ્કંધના પહેલા, બીજા અને ત્રીજા અધ્યાયમાં અજાનિલ ચરિત્રનું વર્ણન કરાયેલું છે. એમાં ભગવાનના નામનો મહિમા દર્શાવવામાં આવ્યો છે. જો મન,વચન કે કર્મથી કરેલા પાપનું પ્રાયશ્ચિત ન કરે તો તેને મરણોત્તર નારકીય યાતના ભોગવવી પડે છે. એનાથી બચવા તેણે મૃત્યુથી પહેલાં જેમ વૈદ્ય કે ચિકિત્સક રોગનું મોટા કે નાનાપણું જોઈ ચિકિત્સા કરે તેમ પાપના પ્રાયશ્ચિત માટે પ્રયત્ન કરી લેવો જોઈએ. આ સાંભળી પરીક્ષિત કહે છે- માનવી પ્રત્યક્ષ તેમ જ પરોક્ષ રીતે પણ જાણે છે કે પાપ કરવાથી અહિત થાય છે. છતાં વિવશ બની પાપ કરે છે તો તેને પ્રાયશ્ચિત માટે પ્રયત્ન કરી લેવો જોઈએ. આ સાંભળી પરીક્ષિત કહે છે- માનવી પ્રત્યક્ષ તેમ જ પરોક્ષ રીતે પણ જાણે છે કે પાપ કરવાથી અહિત થાય છે છતાં વિવશ બની પાપ કરે છે તો તેને પ્રાયશ્ચિતથી શો લાભ થાય ? એક વખત પ્રાયશ્ચિત કરે અને પાછું પાપ કરે તો પ્રાયશ્ચિત હાથીના સ્નાનની જેમ (કુંજર શૌચવત્) નિરર્થક જ બને ને ? ધૂળિયા શરીરથી ટેવાઈ ગયેલો હાથી નદી કે સરોવરમાં સ્નાન કરે પછી બહાર આવતાં તે ધૂળને જોઈને પાછો પોતાના શરીર પર ધૂળ ઉડાડવા લાગે છે એ રીતે પ્રાયશ્ચિત કર્યા બાદ માનવી પાછો પાપ કરવા લાગી જાય છે.

‘શુક્રદેવજી કહે છે કે એવું કેવળ કર્મરૂમી (બાહ્ય ક્રિયાકાંડ આચરીને કરેલું) પાયશ્ચિક ખાસ લાભકારક બનતું નથી. પણ જ્ઞાનરૂપી પ્રાયશ્ચિત કરાય તો પછી પુનઃપાપની સંભાવના રહેતી નથી. જેમ પરેજી પાળનાર માણસને વ્યાધિ ત્રાસ આપતો નથી તેમ પ્રાયશ્ચિત કર્યા પછી નિયમમાં રહેનાર માણસ ધીમેધીમે કલ્યાણ પ્રાપ્ત કરે છે. એ જ રીતે ભક્તિ રૂપી પ્રાયશ્ચિત પણ સદૈવ પવિત્ર બનાવી રાખે છે. હૃદય કે મનમાંથી પાપની વૃત્તિનું જ નિર્મૂલન થઈ જવાથી ફરી પાપ થવા પામતું નથી. શુક્રદેવજીએ મલય પર્વત પર રહી ભગવાનની ઉપાસના કરતા અગસત્ય મુનિ પાસેથી અજામિલ ચરિત્ર સાંભળ્યું હતું તે પરીક્ષિતને કહ્યું હતું. તેમાં ભગવાનના નામની શક્તિથી દુષ્ટ અજાનિલના પાપ કેવી રીતે પળવારમાં નષ્ટ થઈ ગયા હતા તેનું વર્ણન કર્યું હતું.

આ અજામિલ પ્રથમ તો વિદ્વાન, ચારિત્ર્યવાન, મૈત્રીયુક્ત, દ્વૈષરહિત, મિતલાષી અને નીતિવાન હતો. પણ એક દિવસ એક દુષ્ચરિત્ર સ્ત્રીના સંગથી ધીરેધીરે તેના તરફ આકૃષ્ટ થતા વાસનાના દલદલમાં ફસાવા લાગ્યો હતો. તેણે ઉત્તમ કુળમાં જન્મેલી, પતિપરાયણા, સુશીલ, સુંદર અને યુવાન એવી એની પત્નીનો પણ ત્યાગ કરી દીધો હતો. અને અધર્મ, અન્યાયથી ધન લાવી પેલી દુષ્ચરિત્ર સ્ત્રીને આપી. તેની જોડે રહેવા લાગ્યો હતો. શિકાર, જુગાર, ઠગાઈ, ચોરી અને દુરાચાર કરનાર અમમિલનો મરણકાળ આવ્યો ત્યારે અચાનક તેને તેના નાના પુત્ર નારાયણનું સ્મરણ થઈ આવ્યું. તે તેને યાદ કરી નારાયણ…નારાયણ… નારાયણ એમ ઉચ્ચારવા લાગ્યો. એને યમદૂતો લઈ જતા હતા ત્યારે વિષ્ણુદૂતો પણ ત્યાં પ્રગટ થયા. એમણે યમદૂતોને અજામિલને યમલોક અને નરકમાં લઈ જતા અટકાવ્યા અને એમને કહ્યું-‘ બ્રહ્મવાદી ઋષિઓએ પાપીને માટે જે વ્રત, તપ વગેરે પ્રાયશ્ચિતો કહ્યાં છે તેનાથી જેટલા પ્રમાણમાં પાપી શુદ્ધ થતો નથી, તેટલા પ્રમાણમાં ભગવાનના નામ- સંકીર્તનથી થાય છે. ભગવાનનો ગુણાનુવાદ અંતઃકરણને શુદ્ધ કરી પાપનો સદંતર નાશ કરે છે.’

યમદૂતો યમરાજા પાસે ગયા અને આ વિશે પૂછયું તો તેમણે પણ કહ્યું- ‘જિહ્વા ન વક્તિ ભગવદ્ગુણનામધેયં, ચેતશ્ચ ન સ્મરતિ તચ્ચરંણારવિન્દમ્ । કૃષ્ણાય નો નમતિ યશ્છિર એકદાપરિ, તાનાનયદવમસતોડ કૃતવિષ્ણુકૃત્યાન્ ।। જેમની જીભ ભગવાનના ગુણ કે નામ ગાતી નથી, જેમનું મન ભગવાનના ચરણનું ધ્યાન ધરતું નથી. જેમનું મસ્તક એકવાર પણ ભગવાનને નમતું નથી. તેવા ભગવાન માટે સત્કર્મ ન કરનારા હોય એવાને અહીં (યમયાતના) માટે લાવવા.’ ભગવાનના નામમાં રહેલો દિવ્ય અગ્નિ એનું ઉચ્ચારણ કરનારના અંતઃકરણમાં સંચિત થયેલા તમામ પાપોના સમુદાયોને બાળી તેને શુદ્ધ કરી દે છે. આ નામ જાણતા કે અજાણતાં બોલાયું હોય તો પણ તે તેનું પાપનિવારણ અને શુદ્ધીકરણનું કામ કરે જ છે. આ સંદર્ભમાં શાસ્ત્રમાં કહેવાયું જ છે-‘ હરિર્હરતિ પાપાનિ દુષ્ટચિત્તૈરપિ સ્મૃત :। અનિચ્છયાપિ સંપૃષ્ટો દહત્યેવ હિ પાવક : ।। દુષ્ટ ચિત્તવાળા સ્મરણ કરે તો ય હરિ એમના પાપોને હરી લે છે.

ખરેખર અનિચ્છાએ, ભૂલથી પણ અગ્નિને અડકે તો અગ્નિ તો એને દઝાડે જ છે. શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુજી કહે છે- અજ્ઞાનાદથવા જ્ઞાનાત્ કૃતમ્ આત્મનિવેદનમ્ । યૈ : કૃષ્ણસાત્કૃંત પ્રાણૈ : તેષાં કા પરિદેવના ।। અજ્ઞાનથી કે જ્ઞાનથી જેમણે પ્રભુ આગળ સર્વાત્મ- નિવેદન કર્યું હોય અને પોતાના પ્રાણ કૃષ્ણસાત્ કર્યા હોય એમણે દુઃખ કે ચિંતા કંઈ કરવાના હોય જ નહીં.’ સંત તુલસીદાસજી પણ કહે છે’ તુલસી’ રાકે કહત હી નિકસત સકલ વિકાર । પુનિ આવત પાવત નહીં દેત મકાર કિવાર।। ‘રા’ બોલતાં જ બધા વિકારો નીકળી જાય છે, ‘મ’ બોલતા ભાવની એવી અડીખમ દીવાલ ઉભી થઈ જાય છે કે એ વિકાર ફરી એની અંદર આવી શક્તા નથી.’ આમ ભગવાનના દિવ્ય નામોચ્ચારણથી અજામિલના પાપો પળમાં જ બળી જતા એ યમયાતનાથી બચી ગયો હતો. આવો છે ભગવાનના નામોચ્ચારણનો મહિમા

Leave a reply:

Your email address will not be published.

Site Footer