હિંદુ ધર્મમાં દરેક ત્યોહાર અને તિથીને ખુબજ મહત્વ આપવામાં આવે છે, તેમજ કેટલીક ખાસ તિથિઓ પર ખાસ પ્રકારની પૂજા પણ કરવામાં આવે છે તો આજે આપણે વાત કરીશું એવોજ એક દિવસ જેને આપણે ખુબજ શુભ માનીએ છીએ અને આ દિવસે કોઈ પણ શુભ કાર્ય કરવા માટે કોઈ પણ મુહુર્ત લઈએ એ શુભ જ હોય છે અહી જે દિવસ ની વાત થઇ રહી છે એ દિવસ છે મહા મહિનાની શુક્લ પાંચમ એટલે કે ‘વસંત પંચમી’ ચાલો જોઈએ એ દિવસે ક્યાં ક્યાં ગ્રહો અને નક્ષત્રો બને છે અને તેનો સમય કેટલો છે તે વિશે વિસ્તારથી.
“सरस्वती महामाये शुभे कमललोचिनी… विश्वरूपी विशालाक्षी … विद्यां देहि परमेश्वरी” મહા શુક્લ પંચમી રવિવાર ૧૦ ફેબ્રુઆરી એ વિદ્યાની અધીષ્ઠત્રી દેવી માં સરસ્વતી ની પૂજા થશે એજ દિવસે માં સરસ્વતીનો અવતાર માનવામાં આવે છે. સરસ્વતી બ્રહ્મની શક્તિ ના રૂપમાં પણ ઓળખાય છે. નદીઓની દેવી ના રૂપમાં પણ તેની પૂજા થાય છે.
આ વર્ષે સરસ્વતી પૂજા પર ગ્રહ અને ગોચરનો મહા સંયોગ બની રહ્યો છે. મહા શુક્લ પંચમી શનિવાર ૯ ફેબ્રુઆરીના બપોરે ૧૨.૨૫ થી શરુ થાય છે. જે રવિવારે ૧૦ ફેબ્રુઆરીના બપોરે ૨.૦૮ વાગ્યા સુધી છે. પૂજા ના સમયે અબૂઝ નક્ષત્રનો પણ યોગ છે. પૂજનનું સૌથી શુભ મુહુર્ત સવારે ૬.૪૦ વાગ્યાથી બપોરે ૧૨.૧૨ વાગ્યા સુધી છે.
સરસ્વતી પૂજા પર મંત્ર દીક્ષા, નવજાત બાળકોની વિદ્યા પ્રારંભ પણ કરવામાં આવે છે. આ તિથી પર માં સરસ્વતીની સાથે ગણેશ, લક્ષ્મી અને પુસ્તક લેખનની પૂજા ખુબજ ફળદાયી માનવામાં આવે છે. એજ દિવસ થી ફાગણના ગીતો ગ્રામીણ વિસ્તારમાં ગાવાના ચાલુ થઇ જાય છે. અને લોકો અબીલ ગુલાલ લગાવાનું પણ ચાલુ કરી દે છે.