વિઠ્ઠલ તિડી બાદ પ્રતીક ગાંધીને ગુજરાતી ફિલ્મનો અમિતાભ બચ્ચન કહેવામાં આવે તો તે જરાય ખોટું નથી, આવી છે મલ્હાર અને પ્રતીક ગાંધી વચ્ચે ની આ રેસ

માત્ર એક સિરીઝથી પ્રતીક ગાંધીનું નસીબ બદલાયું, ભારતભરમાં લોકપ્રિય થયો. ‘વિઠ્ઠલ તિડી’ બાદ પ્રતીક ગાંધીને ગુજરાતી ફિલ્મનો અમિતાભ બચ્ચન કહેવામાં આવે તો તે જરાય ખોટું નથી. અર્બન ગુજરાતી ફિલ્મની વાત કરીએ તો ગણ્યા ગાંઠ્યા એક્ટર જ લોકપ્રિય થાય છે. આજથી બરોબર 6 વર્ષ પહેલાં એટલે કે 2015માં આવેલી ગુજરાતી હિટ ફિલ્મ ‘છેલ્લો દિવસ’ રિલીઝ થઈ.

પછી એક્ટર મલ્હાર ઠાકર ખૂબ લોકપ્રિય થયો હતો. આ ફિલ્મ બાદ મલ્હારે ઉપરા-ઉપરી હિટ ફિલ્મ આપીને અર્બન ગુજરાતી ફિલ્મમાં પોતાનો ડંકો વગાડ્યો હતો. જોકે, ગુજરાતી ફિલ્મમાં મલ્હાર ઠાકરને હવે પ્રતિક ગાંધીએ પડકાર ફેંક્યો છે. ‘સ્કેમ 1992’ બાદ આખું ચિત્ર જ બદલાઈ ગયું .

હવે ગુજરાતી ચાહકોની જીભે માત્ર ને માત્ર પ્રતીક ગાંધીનું નામ છે. ‘સ્કેમ’ બાદ પ્રતીક ગાંધી માત્ર ગુજરાતમાં જ નહીં, પરંતુ ભારતમાં છવાઈ ગયો એમ કહેવું સહેજ પણ ખોટું નથી. તો આવો નજર કરીએ મલ્હાર કે પ્રતીકમાંથી કોણ કેટલું ચડિયાતું છે….

બંનેએ થિયેટરથી કરિયરની શરૂઆત કરી :- વાત જો પ્રતીક ગાંધી તથા મલ્હાર ઠાકરના કરિયરની કરવામાં આવે તો આ બંને કલાકારોએ પોતાની કરિયરની શરૂઆત થિયેટરથી જ કરી છે. મલ્હાર તથા પ્રતીક બંનેએ સ્કૂલ-કોલેજથી નાટકોમાં કામ કરવાની શરૂઆત કરી હતી. મલ્હારે 17 વર્ષની ઉંમરમાં અમદાવાદ છોડીને મુંબઈની વાટ પકડી હતી.

મલ્હારે અહીંયાની યુનિવર્સિટીમાં એડમિશન લીધું હતું. મલ્હારનું પહેલું કમર્શિયલ નાટક ‘ગાંધી બીફોર ગાંધી’ હતું. આ નાટકમાં મલ્હારે ચાર અલગ અલગ નાના-નાના રોલ કર્યા હતા. આ રીતે મલ્હારે નાટકોમાં કામ કરવાની શરૂઆત કરી હતી.

આ નાટક બાદ મલ્હારને નાટકોમાં નાના-મોટા રોલ મળવા લાગ્યા હતા. મલ્હારે પ્રોડ્યૂસર-એક્ટર જે ડી મજેઠિયાની ટીવી સિરિયલમાં પણ નાના-મોટા રોલ કર્યા છે. આટલું જ નહીં લોકપ્રિય કોમેડી સિરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં પણ મલ્હારે નાનકડો રોલ ભજવ્યો હતો.

મધ્યમ વર્ગીય પરિવારમાંથી આવતા પ્રતીક ગાંધીએ સ્કૂલના સમયથી નાટક કરવાની શરૂઆત કરી હતી. તે કોલેજમાં પણ વિવિધ નાટકોમાં કામ કરતો હતો. ગ્રેજ્યુએશન બાદ પ્રતીકે નોકરી અને થિયેટર બંને સાથે ચાલુ રાખ્યા હતા. સવારે નોકરી કરતો અને સાંજે થિયેટર કરતો હતો.

આ રીતે ઘણાં સમય સુધી પ્રતીક નોકરી તથા થિયેટર એમ બંને સાથે કર્યું હતું. પ્રતીક ગાંધીનું પહેલું કમર્શિયલ નાટક ‘આ પાર કે પેલે પાર’ 2005માં આવ્યું હતું. આ નાટકના 200-250 જેટલા શો યોજાયા હતા. પ્રતીક ગાંધી પોતાના પહેલાં જ નાટકથી છવાઈ ગયો હતો.

આ નાટક બાદ પ્રતીક ગાંધીએ મહાત્મા ગાંધી, ચંદ્રકાંત બક્ષી, શ્રીમદ રાજચંદ્ર જેવા જાણીતા નાટકોમાં લીડ રોલ પ્લે કર્યો હતો. નાટકની દુનિયામાં પ્રતીક ગાંધી હીટ હતો. પ્રતીક ગાંધીએ ટીવીમાં કામ કર્યું નથી. થોડાં વર્ષો બાદ પ્રતીક ગાંધીએ નોકરી છોડી દીધી હતી અને એક્ટિંગ કરિયર પર જ ફોકસ કરવાની શરૂઆત કરી હતી.

બંનેની પહેલી ગુજરાતી ફિલ્મ હિટ રહી :- મલ્હાર ઠાકરે 2012માં ગુજરાતી ફિલ્મ ‘કેવી રીતે જઈશ’માં નાનકડો રોલ ભજવીને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કર્યું હતું. ત્રણ વર્ષ બાદ એટલે 2015માં મલ્હાર ઠાકરે ‘છેલ્લો દિવસ’ ફિલ્મ કરી હતી.

આ ગુજરાતી ફિલ્મ જબરજસ્ત હિટ રહી હતી. કોલેજ જીવન પર આધારિત આ ગુજરાતી ફિલ્મ ચાહકોને ઘણી જ પસંદ આવી હતી. આ ફિલ્મથી મલ્હાર ઠાકર છવાઈ ગયો હતો. મલ્હાર પોતાની પહેલી જ ફિલ્મથી ગુજરાતી સુપરસ્ટાર બની ગયો હતો.

ચોકેલટી બોય તરીકે મલ્હાર ગુજરાતી સિનેમામાં લોકપ્રિય થયો હતો. 2016માં મલ્હાર ઠાકરની બે ફિલ્મ રિલીઝ થઈ હતી. મલ્હાર એક પછી એક એમ ફિલ્મ સાઈન કરતો હતો. મલ્હારની છેલ્લે રિલીઝ થયેલી ગુજરાતી ફિલ્મ ‘ગોળકેરી’ હતી. જોકે, અહીંયા એ વાત કહેવી પડે કે મલ્હારે પોતાની એક્ટિંગને હજી પણ શાર્પ કરવાની જરૂર છે.

ડિજિટિલ પ્લેટફોર્મ પર મલ્હારની ગુજરાતી ફિલ્મ ‘સ્વાગતમ’ રિલીઝ થશે. અત્યાર સુધી મલ્હારની 12 ફિલ્મ (મલ્હારે જે ફિલ્મમાં કેમિયો કર્યો છે, તે ફિલ્મ સામેલ નથી) રિલીઝ થઈ છે, જ્યારે પાંચ ફિલ્મનું પોસ્ટ પ્રોડક્શન કામ ચાલી રહ્યું છે. મલ્હારની ફિલ્મની યાદી પર જો નજર કરીએ તો તે પોતાના કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવવા ના માગતો હોય તેમ લાગે છે .

તો મલ્હારને પોતાને પોતાની લિમિટેશનની ખબર હોય અને કદાચ એ જ કારણે તે રોલ પસંદ કરવામાં કોઈ રિસ્ક લેવા માગતો નથી. પ્રતીક ગાંધીએ ગુજરાતી ફિલ્મ કરતાં પહેલાં બે અંગ્રેજી ફિલ્મ ‘યોર્સ ઇમોશનલી’ તથા ’68 પેજીસ’માં કામ કર્યું હતું. પ્રતીક ગાંધીએ મલ્હાર કરતાં બે વર્ષ મોડી ગુજરાતી ફિલ્મમાં એન્ટ્રી લીધી હતી.

જોકે, મલ્હારની લીડ રોલ તરીકે પહેલી ફિલ્મ 2015માં આવી હતી, જ્યારે પ્રતીકની પહેલી ફિલ્મ 2014માં આવી. પ્રતીક ગાંધીએ 2014માં ‘બેયાર’થી ગુજરાતી ડેબ્યૂ કર્યું હતું. અભિષેક જૈનની આ ફિલ્મ સુપરહિટ રહી હતી. આ ફિલ્મમાં બે મિત્રોની વાત કરવામાં આવી હતી. જોકે,

જે રીતે મલ્હાર ‘છેલ્લો દિવસ’થી ગુજરાતી ચાહકોમાં સુપરસ્ટાર તરીકે પોતાનું સ્થાન જમાવી શક્યો તે રીતે પ્રતીક ગાંધી પોતાનું સ્થાન બનાવી શક્યો નહીં. આ ફિલ્મ બાદ પ્રતીક ગાંધી બે વર્ષ બાદ ગુજરાતી ફિલ્મ ‘રોંગ સાઈડ રાજુ’માં જોવા મળ્યો હતો. આ ફિલ્મને બેસ્ટ ગુજરાતી ફિલ્મનો નેશનલ અવોર્ડ મળ્યો હતો.

જોકે, પ્રતીક ગાંધી હજી પણ ગુજરાતી ચાહકોમાં મલ્હાર ઠાકરની જેમ લોકપ્રિય નહોતો. પ્રતીક ગાંધીની અત્યાર સુધીમાં 12 (અંગ્રેજી (2), હિંદી (2), ગુજરાતી (8) ફિલ્મ રિલીઝ થઈ છે. એક ગુજરાતી ફિલ્મ તથા બે હિંદી ફિલ્મમાં પ્રતીક ગાંધી કામ કરી રહ્યો છે.

વેબ સિરીઝમાં મલ્હારનું ડેબ્યૂ પહેલાં :- મલ્હાર ઠાકરની એક પછી એક ગુજરાતી ફિલ્મ આવતી હતી. તો સામે પ્રતીક ગાંધી બહુ જ સિલેક્ટિવ ગુજરાતી ફિલ્મ કરતો હતો. મલ્હાર ઠાકરે એક્ટ્રેસ માનસી પારેખ સાથે ગુજરાતી વેબ સિરીઝ ‘ડૂ નોટ ડિસ્ટર્બ’થી ડિજિટલ ડેબ્યૂ કર્યું હતું. આ સિરીઝમાં પતિ-પત્નીના સંબંધોની વાત કરવામાં આવી હતી. મલ્હારની વેબ સિરીઝ ‘વાત વાતમાં’ હાલમાં જ રિલીઝ થઈ છે.

પ્રતીક ગાંધીએ 2020માં હંસલ મહેતાની હિંદી વેબ સિરીઝ ‘સ્કેમઃ 1992’થી ડિજિટલ ડેબ્યૂ કર્યું હતું. આ સિરીઝ શેર માર્કેટના એક સમયના કિંગ કહેવાતા હર્ષદ મહેતાના જીવન પર આધારિત હતી. આ સિરીઝ પ્રતીક ગાંધીના જીવનમાં ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ.

પ્રતીક ગાંધી જે સફળતાનો હકદાર વર્ષો પહેલાં હતો, તે સફળતા આ એક માત્ર સિરીઝથી મળી ગઈ. આ એક સિરીઝથી પ્રતીક ગાંધી માત્ર ગુજરાતમાં નહીં આખા ભારતમાં છવાઈ ગયો. આ સિરીઝમાં પ્રતીક ગાંધીનો દમદાર રોલ જોવા મળ્યો હતો. સિરીઝના સંવાદો લોકજીભે ચઢી ગયા. આ એક સિરીઝથી પ્રતીક માત્ર ગુજરાતનો નહીં, પરંતુ ભારતમાં સ્ટાર તરીકે ઊભરી આવ્યો હતો.

‘સ્કેમ’ બાદ પ્રતીક ગાંધીએ બે હિંદી ફિલ્મ સાઈન કરી છે અને બીજા પ્રોજેક્ટ્સ અંગે વાત ચાલી રહી છે. અહીં એ વાત પણ નોંધવી રહી કે ‘સ્કેમ’ બાદ પ્રતીક ગાંધીના ચાહકોમાં ઘણો જ વધારો થયો છે. જ્યારે ‘બિગ બુલ’ વખતે જ્યારે અભિષેકના ચાહકોએ પ્રતીકને ટ્રોલ કરવાનો પ્રયાસ કર્યો ત્યારે પ્રતીકના ચાહકો તેની પડખે ઊભા રહ્યાં હતાં.

જો ગુજરાતી વેબ સિરીઝની વાત કરવામાં આવે તો હાલમાં જ પ્રતીક ગાંધીની ‘વિઠ્ઠલ તિડી’ રિલીઝ થઈ છે. આ સિરીઝમાં તે 70-80ના દાયકાના એન્ગ્રી યંગ મેન એટલે કે અમિતાભ બચ્ચન જેવી ઈમેજમાં જોવા મળે છે. બસ અહીંયા પ્રતીક ગાંધી એક્શન કરતો નથી.

બાકી તેનો લુક, સ્ટાઈલ બધું જ એન્ગ્રી યંગમેનની યાદ અપાવી દે છે. એટલે એમ કહેવું અતિશયોક્તિ ભર્યું નહીં હોય કે પ્રતીક ગાંધી ગુજરાતી ફિલ્મનો અમિતાભ બચ્ચન છે અને આગામી ઘણાં સમય સુધી પ્રતીક ગાંધી ગુજરાતી સિનેમા પર રાજ કરતો હશે. હવે જો મલ્હારે આ સ્થાન લેવું હશે તો તેણે ચોક્કસથી રિસ્ક લેવું પડશે અને કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળવું જ પડશે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer