આપણા દેશમાં વૃક્ષ અને છોડ ને ખુબ જ મહત્વ આપવામાં આવ્યું છે. વૃક્ષ માંથી આપણને ઓક્સીજન મળી રહે છે. આપણે વૃક્ષનું પણ પૂજન કરીએ છીએ. એટલા માટે વૃક્ષ-છોડ દેવતા જ છે. તેઓ આપણને માત્ર ને માત્ર આપે જ છે, આપણી પાસેથી કશું જ લેતા નથી. દરેક વ્યક્તિ એ સારી રીતે જાણે છે કે વૃક્ષો આપણા રોજિંદા જીવનમાં કેટલું મહત્વ ધરાવે છે.

દરેક પ્રકારનાં વૃક્ષ-છોડનું આપણે ત્યાં પૂજન પણ થાય છે, કારણ કે તેનામાં ઔષધીય ગુણો પણ રહેલા હોય છે. વૃક્ષો મનુષ્યને એ શક્તિ આપે છે જે તેના જીવનમાં શાંતિ તથા સમૃદ્ધિ લાવે છે. વૃક્ષો વગર ઘર અધૂરું છે. વાસ્તુદોષના નિવારણમાં પણ વૃક્ષ-છોડનું વિશેષ મહત્વ છે.
દિશા, સ્થાન અનુસાર વિવિધ પ્રકારનાં વૃક્ષ-છોડ ઉછેરવામાં આવે તો વાસ્તુદોષ દૂર કરી શકાય છે. ઘણા લોકો ઘરના આંગણામાં કયું વૃક્ષ ઉછેરાય અને કયું નહીં, તે કઈ દિશામાં ઉછેરવું અને તેનું ફળ શું મળે તે બાબતને લઈને મૂંઝવણ અનુભવતા હોય છે. વાસ્તુશાસ્ત્રમાં વર્ણિત કેટલાંક વૃક્ષ-છોડ સંબંધિત મહત્વની બાબતો વિશે જાણીએ.

તુલસી :- તુલસીને પવિત્ર છોડ માનવામાં આવ્યો છે. તે જીવનદાયી અને હિન્દુ માન્યતાઓ પ્રમાણે લક્ષ્મીજીનું જ સ્વરૂપ મનાય છે. ઘરના આંગણામાં તુલસીનો છોડ ઉછેરીને તેને દરરોજ સવારે પાણી સિંચવું અને પૂજન કરવું. આમ કરવાથી ઘરનું વાતાવરણ શુદ્ધ બને છે અને નકારાત્મક ઊર્જા ઘરમાંથી બહાર નીકળી જાય છે. તુલસીનો છોડ ક્યારેય આંગણાના દક્ષિણ ભાગમાં ન રાખવો. તેને ઘરમાં ઈશાન અથવા પૂર્વ દિશામાં રાખવો.

દાડમ:- આંગણામાં દાડમનો છોડ પણ શુભ ગણાય. જોકે, ઘરના અગ્નિ અથવા નૈઋત્ય ખૂણામાં તે ન વાવવો જોઈએ.

જાંબુ :- વાસ્તુ અનુસાર જાંબુનું વૃક્ષ ઘરના આંગણામાં દક્ષિણ ભાગમાં હોવું શુભ ગણાય, પણ ઉત્તરમાં તે ન ઉછેરવું. જો ઉત્તરમાં જાંબુનું વૃક્ષ હોય તો તેને કાપવું નહીં, પણ તેની પાસે દાડમ અથવા આંબળાંનું વૃક્ષ ઉછેરવું. આમ કરવાથી લાભ થશે અને દોષ પણ દૂર થશે.

કેળ :- ઘરના આંગણામાં કેળનું વૃક્ષ ઈશાન ક્ષેત્રમાં વધારે શુભ માનવામાં આવે છે. કેળની પાસે તુલસીનો છોડ રાખવાથી ઘરના વાસ્તુદોષોનું શમન થાય છે. ઈશાનમાં વાવેલા કેળના વૃક્ષની પાસે બેસીને અભ્યાસ કરવો લાભદાયી હોય છે.

પીપળો :- શાસ્ત્રો અનુસાર પીપળાના વૃક્ષ પર શનિ, નાગ, દેવતા, લક્ષ્મીજી, ભૂતપ્રેત, પિતૃઓ અને ભગવાન વિષ્ણુનો વાસ હોય છે. શનિવારે તથા અમાસના દિવસે સંતાનની કામના તથા ગ્રહદોષોના અનિષ્ટના નિવારણ માટે પીપળાનું પૂજન કરવામાં આવે છે. છતાંય પીપળાને ઘરના આંગણામાં ન ઉછેરવો જોઈએ.

નારિયેળ :- નારિયેળના વૃક્ષનું ઘરની સીમામાં હોવું શુભ માનવામાં આવે છે. ઘરની સીમામાં આ વૃક્ષ હોય તો ઘરના સદસ્યોનાં માન-સન્માનમાં વૃદ્ધિ તથા ઉન્નતિ થાય છે.

અશ્વગંધા :- ઘરના આંગણામાં સ્વત: ઊગનારો અશ્વગંધાનો છોડ શુભ તથા વાસ્તુદોષ નિવારક હોય છે.

આંબો :- આંબો ઘરના આંગણામાં શુભ નથી મનાતો. છતાંય જો તે હોય તો તેને કાપવો નહીં, પણ દરરોજ તેના મૂળમાં કાળા તલ નાખીને જળ ચઢાવવું, આમ કરવાથી તેનું અશુભત્વ સમાપ્ત થઈ જશે. સાથે જ નિર્ગુંડીનો છોડ તેની પાસે ઉછેરવો, તેનાથી તે શુભત્વ પ્રદાન કરવા લાગશે.