મૃત્યુના પ્રશ્નને સમજવા માટે આપણે ભયથી મુક્ત થવું પડે, કે જેણે જીવન પછીના અથવા અમરત્વના કે પુનર્જન્મના ઘણા સિદ્ધાંતો શોધી કાઢયા છે. તેથી આપણે કહીએ છીએ, જે લોકો પૂર્વના છે તેઓ કહે છે, પુનર્જન્મ છે, ફરીવાર જન્મ થાય છે, સતત નવજીવન મળતું જ રહે છે, મળતું જ રહે છે-આત્મા ફરીવાર જન્મે છે. આવી કોઈક વસ્તુ હોય એવું વિચારવું આપણને ગમે છે, કારણ કે તે આપણને આનંદ આપે છે, કારણ કે તે એવું કાંઈક છે કે જેને આપણે વિચારની પેલે પારના સ્થાને રાખ્યું છે, શબ્દોની પેલે પાર, બધાથી ઉપર તે કાંઈક શાશ્વત હોય એવું છે, આધ્યાત્મિક છે, એવું કઇક જે ક્યારેય મૃત્યુ ન પામે અને તેથી વિચાર તેને વળગી રહે છે, પરંતુ શું આત્મા જેવી કોઈ વસ્તુ છે ખરી? કે જે સમયાતીત હોય, જે વિચારની પેલે પાર હોય, એવું કાંઈક જે માનવી દ્વારા ન શોધાયું હોય, એવું કાંઈક કે જે મનુષ્યની પ્રકૃતિથી ઉપરનું હોય, એવું કાંઈક કે જેને ચાલાક મન દ્વારા પામી નથી શકાતું? કારણ કે મન જુએ છે કે પોતાના વિશે આટલી અપાર અનિશ્ચિતતા છે, ગૂંચવણ છે, જીવનમાં કાંઈ કાયમી નથી.
તમારી પત્ની સાથેના તમારા સંબંધો કે તમારા પતિ સાથેના તમારા સંબંધો, તમારી નોકરી-ધંધો કશું જ કાયમ નથી. તેથી મને જે શાશ્વત હોય તેવું કાંઈક ઉપજાવી કાઢયું છે. અને તેને તે આત્મા કહે છે પરંતુ મન તેના વિશે વિચાર કરી શકે છે તેથી તે સમયની સીમારેખામાં જ રહે છે, તે સ્વાભાવિક છે. જો હું કોઈ વસ્તુ વિશે વિચારું તો તે મારા વિચારનો જ ભાગ છે અને મારો વિચાર સમયનું, મારા અનુભવનું, મારા જ્ઞાનનું પરિણામ છે, તે મારા વિચારનો જ હિસ્સો છે. આમ, આત્મા ગમે તેમ પણ સમયના ક્ષેત્રની અંદર જ છે.
તો, આત્માનું સાતત્ય કે તે ફરીફરી જન્મ ધારણ કર્યા જ કરશે તેનો કોઈ અર્થ રહેતો નથી, કારણ કે તે ભયભીત થયેલા મનની કલ્પના અને શોધ છે, જે શાશ્વત દ્વારા સમયગાળો ઇચ્છે છે એવા મનની તે શોધ છે, મન નિશ્ચિતતા ઈચ્છે છે અને તેમાં એવી નિશ્ચિતતા મળે એવી આશા છે.