આધુનિકતા સાથે વાસ્તુશાસ્ત્રને કોઈ વેર નથી, પરંતુ આધુનિકતામાં કલા અને રુચિના નામે યુરોપિયન દેશોમાંથી જે વિકૃતિઓ આવી છે, એણે સંપૂર્ણ કલાત્મક માનસિક્તા પર પ્રશ્નચિહ્નો ઊભાં કર્યાં છે. પોતાના મકાનના ઓરડાઓની દીવાલો પર પેઈન્ટિંગ્સ અને તસવીરો લગાવતી વખતે નીચેની બાબતોનું ધ્યાન રાખવું.
૧. દક્ષિણની તરફ શુષ્ક ભંડાર ન કરનારી વસ્તુ રાખવી. અનાજથી લઈને વસ્ત્ર, ભોજન સુધી.
૨. ઉત્તરની તરફ એવી વસ્તુઓ રાખવી જેના માટે ભેજ અને વાયુની જરૂરત હોય અથવા જે એમાં ખરાબ ન થતી હોય.
૩. પૂર્વની તરફ સૂર્યનાં કિરણોથી ખરાબ ન થતી વસ્તુઓ રાખવી અથવા એવી વસ્તુઓ રાખવી જે જરૂરિયાતવાળી હોય, પરંતુ યાદ રહે, તેનાથી ભવનમાં આવનારો સૂર્યપ્રકાશ અટકે નહીં.
૪. પશ્ચિમમાં પણ નૈઋત્યની તરફ લોખંડ કે ભારે સામાન અને વાયવ્યની તરફ હળવો સામાન રાખવો.
૫. વિકૃત, અશ્લીલ, બેડોળ, સરળતાથી ન સમજાય એવાં પેઈન્ટિંગ્સ કે ચિત્રો દીવાલ પર ન લગાવવાં. એ મોડર્ન આર્ટના નામે તમારું માનસિક ભારણ વધારી પરેશાનીમાં મૂકી દેશે.
૬. દેવી-દેવતાઓની તસવીરો દીવાલ પર ન લગાવવી. એવાં પેઇન્ટિંગ્સ પણ ન લગાવવાં, જેમાં શ્રદ્ધા, પૂજા, ભય, ડર રહેલો હોય.
૭. એવાં ચિત્રો જેમાં પ્રણય મુદ્રાઓ તથા કામકલાની વિગત હોય, અશ્લીલતા હોય તેવા ન લગાવવા. નહીં તો આપના પરિવારનું આચરણ પવિત્ર નહીં રહે. ચિત્રના ભાવનો પ્રભાવ ઘણો બળવાન હોય છે.
૮. કુદરતી દૃશ્યો, ફૂલ વગેરે સુરુચિપૂર્ણ કલાત્મક ડિઝાઈનો-એવી ડિઝાઈનો જેમાં પ્રણયભાવની મધુરતા હોય, એવાં ચિત્રો જેમાં સ્ત્રી કે પુરુષની કલાત્મક છબી હોય એ ઉત્તમ હોય છે, પરંતુ કુદરતી દૃશ્યોમાં ઉજ્જડતા, વેરાનતા અને ઘનઘોર જંગલનું દૃશ્ય ન હોવું જોઈએ.
૯. ભલે તમે સિનેમાપ્રેમી કે ખેલપ્રેમી હોવ, પરંતુ આપનો પ્રેમ દીવાલો પર ન ઉતારો. એવું કરવાથી આપની માનસિકતાનું સ્તર વિકૃત થશે અને કાર્યની સાથેસાથે પ્રતિષ્ઠાને પણ ક્ષતિ થશે.
૧૦. ચોંટાડવાના પદાર્થોનો ઉપયોગ જેટલો ઓછો થાય એટલું સારું. આજકાલ જે વસ્તુઓનો પ્રયોગ આ પદાર્થોમાં કરવામાં આવે છે, તે હાનિકારક હોય છે.
૧૧. મોટાં પેઈન્ટિંગ્સને પશ્ચિમ-દક્ષિણની દીવાલ પર લગાવવાં જોઈએ. નાનાને પૂર્વ અને ઉત્તરની તરફ લગાવવાં.
૧૨. ધાતુઓ પર બનેલાં પેઈન્ટિંગ્સને ઘરની અંદરના ઓરડામાં ન લગાવવા, એને બહાર ગલિયારી વગેરેમાં લગાવવાં.