જાણો શું છે અન્નકૂટ અને ક્યારથી થઇ હતી તેની શરૂઆત

ભાગવત્‌ પુરાણ પ્રમાણે આશરે પાંચ હજાર વર્ષ પૂર્વ ગોકુળમાં નૂતન વર્ષથી અન્નકૂટોત્સવનો પ્રારંભ થયો છે. શ્રી નંદરાયજી એમ માનતા હતા કે ઈન્દ્ર વરસાદનો રાજા છે તેથી તે દર વર્ષે વરસાદ વરસાવે અને આપણું ભરણપોષણ કરે છે. આથી તેઓ દર વર્ષે બેસતા વર્ષના દિવસે યજ્ઞ કરીને ઈન્દ્રની પૂજા કરતા હતા. પરંતુ કૃષ્ણને આ યોગ્ય લાગ્યું નહી.

કૃષ્ણ ભગવાને નંદબાવાને સમજાવીને કહ્યું કે, આપણા દેવતા તો ગોવર્ધન છે માટે આપણે તેમની પૂજા કરવી જાઈએ. કનૈયાની વાત નંદબાવાને ગળે ઉતરી ગઈ એટલે સૌએ નવા વર્ષે કારતક સુદ – એકમના દિવસે બધા ગોવાળીયાઓએ ભેગા થઈને ગિરીરાજ ગોવર્ધન ઉપર જળ તથા દૂધનો અભિષેક કરી પૂજન – અર્ચન કરી આરતી ઉતારી. ત્યારબાદ બધા પોત – પોતાના ઘેરથી થાળ માટે જે – જે લાવ્યા હતા તે ત્યાં ધરાવ્યું. તેનો જે ઢગલો થયો તેનું નામ અન્નકૂટ. સૌના દેખતા ગોવર્ધને થાળ પણ અંગીકાર કર્યો ને બધાને પ્રત્યક્ષ દર્શન થયું.

ત્યારબાદ પ્રસાદ વહેંચવામાં આવ્યો અને સૌએ આનંદ કિલ્લોલ કર્યો. આમ, સાત વર્ષના કનૈયાએ દર વર્ષે થતો ઈન્દ્રયાગ બંધ કરાવીને ગોવર્ધનની પૂજા કરીને કાયમ માટે અન્નકૂટોત્સવનો પ્રારંભ કરાવ્યો.કૃષ્ણ ભગવાન દ્વારા કહેવામાં આવ્યું હતું કે, હવેથી દર વર્ષે આ રીતે અન્નકૂટોત્સવ – ગોવર્ધનોત્સવ કરજો. જેનાથી તમને મોટું ઐશ્વર્ય અને સુખ નિરંતર મળશે. ગાયોનું કલ્યાણ થશે અને બધા સુખી થશે. સર્વેને પુત્ર-પૌત્રાદિકની પ્રાપ્તિ થશે. ત્યારથી હિન્દુ ધર્મમાં અન્નકૂટોત્સવનો પ્રારંભ થયો છે અને તે આજ દિન સુધી ચાલુ છે.

જ્યારે સ્વામિનારાયણ સંપ્રદાયમાં શ્રી સ્વામિનારાયણ ભગવાન ઘરનો ત્યાગ કરી નીલકંઠવર્ણી રૂપે વિચરણ કરી લોજ ગામમાં આવ્યા ત્યારબાદ તેમણે સંવત્‌ ૧૮૫૭માં કારતર સુદ-૧ ના રોજ પ્રથમ વાર તેમના ગુરુ રામાનંદસ્વામીનું માંગરોળ મુકામે સદાવ્રત ચાલતું હતું ત્યાં સૌ પ્રથમ અન્નકૂટોત્સવ કર્યો હતો. ત્યારથી સ્વામિનારાયણ સંપ્રદાયમાં અન્નકુટોત્સવ ઉજવાય છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer