અષ્ટચિરંજીવી પરશુરામ યુદ્ધમાં ભીષ્મને હરાવી શક્યા ન હતાં, જાણો તેમના વિશે અહી..

શ્રીહરિના અવતાર પરશુરામે પરશુથી શ્રીગણેશનો એક દાંત તોડી નાખ્યો હતો પરંતુ ભીષ્મ સાથે થયેલાં યુદ્ધમાં પરાજીત થયાં હતાં. વૈશાખ મહિનાના સુદ પક્ષની ત્રીજ આ તિથિને અક્ષય તૃતીયા કહેવામાં આવે છે. પ્રાચીન સમયમાં આ તિથિએ ભગવાન વિષ્ણુના અવતાર પરશુરામનો જન્મ થયો હતો. ઋષિ જમદગ્નિ અને રેણુકા પરશુરામના માતા-પિતા હતાં. તેમના ત્રણ મોટા ભાઈ હતાં. જેના નામ રુક્મવાન, સુષેણવસુ અને વિશ્વાવસુ હતું. પરશુરામ અષ્ટચિરંજીવીઓમાંથી એક માનવામાં આવે છે. પરશુરામની જન્મ જયંતીના દિવસે જાણો તેમના જીવન સાથે જોડાયેલી ખાસ વાતો-

પરશુરામે ક્ષત્રિયોનો વિનાશ કર્યો હતો :- પ્રચલિત કથાઓમાં જણાવ્યા પ્રમાણે એકવાર મહિષ્મતી દેશના રાજા કાર્તવીર્ય અર્જુન યુદ્ધ જીતીને જમદગ્નિ મુનિના આશ્રમ પાસેથી નિકળ્યો. ત્યારે થોડો આરામ કરવા માટે તે જમદગ્નિના આશ્રમમાં રોકાઈ ગયો. તેને જોયું કે કામધેનુ ગાયે ઘણી સરળતાથી આખી સેના માટે ભોજનની વ્યવસ્થા કરી દીધી છે, ત્યારે કાર્તવીર્ય અર્જુને લાલચ જાગી અને જમદગ્નિ પાસે ગાયની માંગણી કરી પરંતુ જમદગ્નિએ તેમ કરવાની ના પાડી ત્યારે કામધેનુના વાછરડાંને તે પોતાની સાથે બળપૂર્વક લઈ ગયો. જ્યારે આ વાત પરશુરામે જાણી તો તેમને કાર્તવીર્યની એક હજાર ભુજાઓ કાપી નાખી અને તેનો વધ કરી નાખ્યો.

કાર્તવીર્ય અર્જુનના વધનો બદલો તેના પુત્રોએ જમદગ્નિ મુનિનો વધ કરીને લીધો. ક્ષત્રિયોનું આ નિમ્ન કામ જોઈને ભગવાન પરશુરામ ખૂબ જ ક્રોધિત થયા અને તેમને કાર્તવીર્ય અર્જુનના બધા પુત્રોનો વધ કરી નાખ્યો. જે-જે ક્ષત્રિય રાજાઓએ તેમનો સાથ આપ્યો, પરશુરામે તેમનો પણ વધ કરી નાખ્યો. આ પ્રકારે ભગવાન પરશુરામે 21 વાર ધરતીને ક્ષત્રિય વિહોણી કરી હીધી હતી.

પરશુથી શ્રીગણેશનો એક દાંત કાપી નાખ્યો હતો :- બ્રહ્મવૈવર્ત પુરાણમાં બતાવ્યા પ્રમાણે એકવાર પરશુરામ ભગવાન શિવના દર્શન કરવા કૈલાશ પહોંચ્યા ત્યારે ભગવાન શિવ ધ્યાનમાં બેઠાં હતાં. શ્રીગણેશે પરશુરામને શિવજીને મળવા ન દીધાં. આ વાતે ક્રોધિત થઈને પરશુરામે પરશુ(કુહાડી-ફરસુ)થી શ્રીગણેશ પર વાર કર્યો. આ પરશુ ભગવાન શિવે જ આપ્યું હતું. તેથી શ્રીગણેશ આ પરશુના વારને ખાલી જવાં દેવાં માંગતા ન હતાં એટલા માટે તેમને એ પરશુનો વાર પોતાના દાંત પર ઝીલી લીધો. આ કારણે તેમનો એક દાંત તૂટી ગયો. ત્યારથી શ્રીગણેશજીને એકદંત કહેવામાં આવે છે.

પરશુરામ પોતાના શિષ્ય ભીષ્મને પરાજીત કરી શક્યાં ન હતાં :- મહાભારતમાં જણાવ્યા અનુસાર ભીષ્મ પિતામહ પરશુરામના જ શિષ્ય હતાં. ભીષ્મ કાશીરાજની પુત્રીઓ અંબા, અંબિકા અને અંબાલિકાને પોતાના નાના ભાઈ વિચિત્રવીર્ય સાથે લગ્ન કરાવવા માટે હરણ કર્યું હતું. ત્યારે અંબાએ ભીષ્મને જણાવ્યું કે તે રાજા શાલ્વને પ્રેમ કરે છે, ત્યારે ભીષ્મએ તેને છોડી દીધી, પરંતુ શાલ્વએ અંબાનો અસ્વીકાર કરી દીધી. જ્યારે અંબાએ આ વાત પરશુરામને જણાવી તો તેમને ભીષ્મને તેની સાથે લગ્ન કરવા માટે દબાણ કર્યું. ભીષ્મએ લગ્ન કરવાની સ્પષ્ટ ના પાડી દીધી, કારણ કે તેમને આજીવન બ્રહ્મચર્ય પાલન કરવાની પ્રતિજ્ઞા લીધી હતી. ભીષ્મે વાત ન માની તો પરશુરામ ભીષ્મ સાથે યુદ્ધ કરવા લાગ્યાં. યુદ્ધ વિનાશકારી ન બને તે માટે પિતૃઓએ પરશુરામને અસ્ત્ર ન ચલાવવાનું કહ્યું, ત્યારે પરશુરામે વાત માની લીધી. આ રીતે યુદ્ધમાં કોઈની હાર કે કોઈની જીત ન થઈ.

Leave a reply:

Your email address will not be published.

Site Footer