બાહ્ય ડોળ-દંભ સાથે અધ્યાત્મને કે ભક્તિને જરા પણ સંબંધ નથી

આજના યુગમાં કાળાં-ધોળાં કરીને ચપટી વગાડતાં જ પદ પ્રતિષ્ઠા,મોભો, માન, મોટાઈ, સંપત્તિ, સત્તા, મેળવવામાં કેટલાંક અનિષ્ટ બળ, ધર્મ-સમાજ- સંસ્કૃતિને વિકૃત કરતાં જોવા મળે છે. પાખંડ, પ્રપંચ, સ્વાર્થ, લોલુપતા, છેતરપિડીં તેમનાં સાધન છે. આધ્યાત્મિક ક્ષેત્રની વાત કરીએ તો આધુનિક યુગમાં આવાં’ અનિષ્ટ’ વધુ સક્રિય બન્યાં લાગે છે.

‘હું અમુક અવતાર છું.’ હું સાક્ષાત્કારી છું. જ્ઞાાની છું. ચમત્કારી છું. મારામાં માતા પ્રગટ થયાં છે.. જેવી હુંકારભરી જાહેરાતો થતી જોવા મળે છે. અંધશ્રદ્ધાળુ- લાલચુ, સ્વાર્થી, ટોળાં આવા કુપ્રચારને પોષે છે ને ચગાવે છે. તૃષ્ણાઓ..વાસનાઓથી ખદબદતા’કીડા’ અવનવા ખેલ રચી આંજી નાખવા પ્રયત્ન કરે છે ને, ધર્મઘેલછાવાળાં ‘ઘેટાં’ આકર્ષાઈને દોટ મૂકે છે !

આવા બાહ્ય ડોળ-દંભ સાથે અધ્યાત્મને કે ભક્તિને જરાપણ સંબંધ નથી. આવા દંભી વેશ ભજવનારા ‘ભવાયા’ છે. જે અધ્યાત્મને નામે જાતજાતના ખેલ રચી, વેશ કાઢી, ભરમાવે છે. અંધશ્રધ્ધાળુ તેમને પૂજવા માંડે છે. ‘તૃષ્ણા, વાસના, દંભ, દુષ્ટતા ભરેલા આવા ‘ખેલ’ને ભક્તિ ન કહેવાય. આવાં ટંટળ ચલાવનાર ‘ભક્ત’ ન કહેવાય.

શ્રીરામકૃષ્ણ બાવાજીએ એક ઉદાહરણ આપેલું છે. નાટકમાં ખેલ (વેશ) ભજવનાર ભવાયાને ઓચિંતી ‘સમાધિ’ લાગી ગઈ ! કલાક પછી સમાધિ ઉતરી ગઈ. એટલે પેલો ભવાયો તો પહેલાં જેવો વિકૃત સ્વભાવનો હતો તેવો ને તેવો રહ્યો ને ‘તા..તા, થનક થૈ..થૈ.. કરતો પાછો ‘ભવાઈ’ કૂટવા માંડયો ! અર્થ એ કે સાચી સમાધિ હોતતો ‘પ્રકાશપામી’ એનું જીવન જ તુર્ત બદલાઈ જાત.
પણ આતો પાછો સાંસારિક ભવાઈ ફૂટવા મંડી પડયો. ‘સમાધિ’ લાગે છે. ‘ધ્યાન’ લાગે છે એવાં બણગાં ફૂંકનાર માટે ઉપરનું દૃષ્ટાંત છે. ‘સમાધિ’ ધ્યાન કે યોગનાં પ્રદર્શન હોય. એનાં બજાર ઉભાં ન થાય. પૈસો, પ્રતિષ્ઠા.મોભો. માન ખાટવા ધ્યાન, સમાધિ, યોગ નથી. વ્યકિતગત રીતે, અંતરને નિષ્ઠાપૂર્વક સાફ-પવિત્ર કરતા રહી, પ્રકાશ પામતા રહી, બાહ્ય દેખાવ પ્રચાર કર્યા વિનાનું સાહજિક સતત કર્મ હોવું જોઈએ.. થવું જોઈએ.બાહ્ય આડંબરથી ‘ભગવાન’ બની, છકી જઈ અધ્યાત્મમાર્ગે, કે ધર્મસંસ્કૃતિક્ષેત્રે વિકૃતિ ફેલાવનારને ભગવાન શ્રીકૃષ્ણ મૃત્યુંદડ આપતાં પણ અચકાયા નથી.

શ્રીમદ્ ભાગવત-દશમસ્કંધ- અધ્યાય- ૬૬માં ‘શ્રીકૃષ્ણે પૌંડ્રકનો વધ કર્યો એ પ્રસંગ છે.

‘કરુંપ’ દેશના રાજા ‘પૌંડ્રકે’ જાહેર કર્યું કે ‘ હું વાસુદેવ (ભગવાન છું) આ પૌડૂંકે એક દૂતને, શ્રીકૃષ્ણ ભગવાન પાસે મોકલ્યો. અને કહેવડાવ્યુ કે, પ્રાણીઓ ઉપર દયા કરવા હું એક જ વાસુદેવ અવતર્યો છું. મારા સિવાય અન્ય કોઈ વાસુદેવ નથી. માટે હે કૃષ્ણ ! ‘વાસુદેવ’ એવું નામ તું છોડી દે. હે યાદવ ! શંખ, ચક્ર, ગદા, પદ્મ તો મારાં ચિહ્નો છે. તે છોડીને તું મારે શરણે આવ. મારી સાથે ‘યુદ્ધ’ કર. જોયું ? આ મહામૂર્ખ બનાવટી ભગવાન બનેલા પૌંડ્રકે શ્રીકૃષ્ણનો તિરસ્કાર કરી જાતે આફત નોંતરી વિનાશ કાળે વિપરિત બુદ્ધિ.શ્રીકૃષ્ણે પૌંડ્રકના દૂત સાથે જવાબ મોકલ્યો કે હે મૂઢ ! તું લોકો સાથે બડાઈ હોંકતો હોય તો તારાં બનાવટી ચિહનો હું છોડાવીશ. તે યુદ્ધ માગ્યું છે ને ? તો આવી જા.’

બનાવટી ચિહ્નોથી ભગવાન બનેલા પૌંડ્રકે શ્રીકૃષ્ણ સાથે યુદ્ધ આદર્યું. જેમ નટ (ભવાયો) ભગવાનનો વેશ પહેરીને રંગભૂમિ ઉપર આવે એ રીતે પૌંડ્રકને જોઈ શ્રીકૃષ્ણ ખૂબ હસ્યાને પૌંડ્રકને કહ્યું, અલ્યા પૌંડ્રક તેં યુદ્ધ માગ્યું છે તેથી શસ્ત્રો છોડુ છું ને પળવારમાં જેમ વજ્રથી પર્વતનું શિખર કપાય તેમ સુદર્શન ચક્રથી પૌંડ્રકનું મસ્તક કાપી નાખ્યું.

પૌંડ્રકના છળકપટને બનાવટી પણાને ટેકો આપનાર કાશીનગરના રાજાનો પણ વધ થયો… કારણકે આવા પાખંડ ચલાવવામાં સાથ-સહકાર હતો. પાખંડ-પ્રપંચ ચલાવનાર જેટલો ગુનેગાર છે. તેટલો જ ગુનેગાર ‘પ્રોત્સાહન’ આપનાર છે.અનાચાર,ભ્રમણાઓ, પાખંડ, બેફામ બની વિકૃતિ કરતાં હોય તો ‘ગીતા’માં આપેલ વચન પ્રમાણે ‘ઇશ્વરીસત્તા’ તેવાં તત્ત્વોનો નાશ કરે છે.

પોતાના તન-મનની પૂર્ણ શુદ્ધિ- પવિત્રતાથી, નિષ્ઠાપૂર્વકની તપ:શ્ચર્યાથી, સંતો-મહાત્મા, મહાપુરુષો- ભક્તોએ અવતાર વિશેષોએ પરમાત્માની સાચા અર્થમાં અનુભૂતિ કરી માનવીના આધ્યાત્મિક ઉત્થાન માટે અજવાળાં પાથર્યા છે.અન્યના જીવનને ‘ઉર્ધ્વગતિ’ આપી છે. આવા વિરલ ‘ઇશ્વરકોટિ’ – મહાપુરુષોને જ આપણા’ પ્રેરણામૂર્તિ’ બનાવવા જોઈએ.
તે મહાપુરુષો શુદ્ધ-પવિત્રતમ દિવ્ય જીવન જીવ્યાને સાચા અર્થમાં સાક્ષત્કાર કર્યો તેવી વિભૂતિઓની પ્રેરણા પ્રાપ્ત કરી ભક્તિમાર્ગે આગળ વધવું જોઈએ. જેથી આપણે પાખંડ-પ્રપંચ-દંભમાં ફસાઈ ન જઇએ. સંતે અખો ‘કબીરજી’ તથા કેટલાક અન્ય સંતોએ પણ ભજન-છપ્પા- ચોપાઈઓ દ્વારા પ્રપંચ- દંભ- પાખંડથી બચવા કહ્યું છે. મહાપુરુષોએ કહ્યું છે કે ભક્તિ માર્ગે જવા ‘સત્નો એટલે કે ‘પરમાત્મા’નો જ આશરો લઈ આગળ વધવું.

Leave a reply:

Your email address will not be published.

Site Footer