કોરોના ફેલાય છે એરોસોલથી… સરકારને ન રહ્યો બીજી લહેરનો ખ્યાલ, અને ત્રીજી લહેર માટે પણ અંધારામાં છે

WHOએ અગાઉ કહ્યું હતું કે કોરોના વાયરસ હવાથી ફેલાતો નથી પણ હવે પોતાનું નિવેદન બદલીને એરોસોલથી વાયરસ ફેલાતો હોવાનું કહ્યું. એરોસોલ(હવા)થી ફેલાય તો ભારતમાં વકરી શકે છે કોવિડ-19 મહામારી.

કોરોનાવાયરસ છેલ્લા 14 મહિનાથી વિશ્વભરમાં હાહાકાર મચાવી રહ્યો છે. અત્યાર સુધીમાં આ વાયરસે 32 લાખ લોકોનો ભોગ લઈ લીધો છે. એવામાં હવે વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)એ કહ્યું કે આ વાયરસ હવાથી (એરોસોલ)થી પણ ફેલાઈ શકે છે.

WHOએ જો કે કોરોના મહામારીના પ્રારંભિક સમયમાં આ વાતનો ઈનકાર કર્યો હતો પરંતુ તાજેતરના રિસર્ચના આધારે પોતાની જૂની વાતથી અલગ થઈને કહ્યું છે કે એરોસોલથી પણ કોરોના વાયરસ ફેલાઈ શકે છે.

હવે સવાલ એ છે કે ભારત જેવા ગીચ વસતી ધરાવતા દેશમાં એરોસોલથી જો કોરોના વાયરસનો ફેલાવો થાય તો શું સ્થિતિ આવે? કેમકે કોવિડ-19 મહામારીની અત્યારની બીજી લહેર જ એવી ઘાતક સાબિત થઈ છે કે ભારતમાં જ્યાં જૂઓ ત્યાં લોકો સંક્રમિત થઈને ટપોટપ મોતને ભેટી રહ્યા છે.

હવે ભારતમાં દરરોજ કોરોનાથી પીડિત દર્દીઓનાં મોતનો આંકડો 4000થી ઉપરનો આવી રહ્યો છે. એવામાં જો એરોસોલથી જો કોરોના વાયરસ ફેલાય તો ભારત જેવા ગીચ વસતીવાળા દેશમાં આ મહામારી અત્યંત ઘાતક સાબિત થશે.

કેમકે એરોસોલના કારણે લાંબા અંતર સુધી કોરોના વાયરસ ફેલાય અને લાંબા સમય સુધી તે હવામાં રહે એવી શક્યતા છે.

કોરોના મામલે આપણે મહદ્અંશે ઊંઘતા ઝડપાયા છીએ :- દેશમાં કોરોનાનો કહેર વધી રહ્યો છે. હોસ્પિટલોમાં દર્દીઓની લાંબી કતારો લાગી રહી છે. ઓક્સિજન અને બેડ માટે લોકો નિઃસહાય નજરે પડે છે. સોશિયલ મીડિયા સહિત જ્યાં પણ શક્ય હોય ત્યાં મદદ માટે પોકાર કરી રહ્યા છે.

દર્દીઓ અને તેમના પરિવારજનોને કાળાબજારનો સામનો કરવો પડી રહ્યો છો અથવા તો મોતને ભેટવાનો વારો આવે છે. આ સ્થિતિ વાસ્તવમાં આરોગ્ય ક્ષેત્રની માળખાકીય ખામીના કારણે સર્જાઈ છે. કેમકે મહામારી તો હમણા આવી પરંતુ વર્ષોથી આરોગ્ય ક્ષેત્ર પ્રત્યે તમામ સરકારોએ ઉપેક્ષિત ભાવ જ પ્રદર્શિત કર્યો છે.

આવી સ્થિતિમાં અત્યાર સુધીમાં દેશમાં 2 કરોડથી વધુ લોકો સંક્રમિત થયા અને સવા બે લાખથી વધુ લોકો મોતને ભેટ્યા છે. જ્યારે દરરોજ કોરોનાના 4 લાખથી વધુ નવા કેસો આવી રહ્યા છે. આપણે આ સ્થિતિ માટે ક્યારેય તૈયાર જ નહોતા. હાલમાં જ જેમ વિશ્વ આરોગ્ય સંસ્થાએ કહ્યું છે કે એરોસોલથી પણ કોરોનાવાયરસ વધુ ફેલાઈ શકે છે .

દૂર સુધી હવા દ્વારા જઈ શકે છે ત્યારે WHOની આ વાત ઘણી જ ગંભીર સાબિત થઈ શકે છે. ભારત જેવા દેશમાં એરોસોલથી કોરોનાવાયરસનો આતંક વધુ આક્રમક બની શકે છે અને મોટી સંખ્યામાં લોકો સંક્રમિત થઈ શકે છે અથવા તો મોતને ભેટી શકે છે.

સરકારનો વધુ પડતો આત્મવિશ્વાસ પણ ઘાતક નીવડી શકે :- સરકાર કોરોનાવાયરસની બીજી લહેર વખતે બેધ્યાન જ રહી ગઈ હોય એવો ઘાટ ઘડાયો. સરકારની એવી ચૂક પણ થઈ છે કે જેનાથી દેશમાં મહામારીએ હાહાકાર મચાવી દીધો છે. આમ છતાં, સરકાર વધુ પડતા આત્મવિશ્વાસમાં જ જોવા મળી.

માર્ચની શરૂઆતમાં એટલે કે બીજી લહેરના પ્રારંભ અગાઉ કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો. હર્ષવર્ધને એલાન કરી દીધું કે ભારતમાં કોરોના લગભગ ખતમ થવાની સ્થિતિમાં છે અને આપણે તેના પર લગભગ જીત મેળવી લીધી છે.

કોરોનાના નવા વેરિએન્ટ આવ્યા પછી પણ ભારત સરકાર તરફથી એવું દર્શાવવાની કોશિશ થઈ કે કોરોનાને હરાવવામાં સરકારની રણનીતિ એકદમ યોગ્ય હતી. આ ઉપરાંત ભારત સરકાર તરફથી એવી પણ વાત થઈ કે મોટાભાગના લોકોમાં હર્ડ ઈમ્યુનિટી વિકસિત છે પણ હકીકત એ છે કે ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના રિપોર્ટ અનુસાર, દેશમાં માત્ર 21 ટકા લોકોમાં જ એન્ટીબોડી પેદા થઈ શક્યા છે.

આ ઉપરાંત સુપરસ્પ્રેડર ઘટનાઓનાં જોખમો વિશે ચેતવણી હોવા છતાં સરકારે ધાર્મિક ઉત્સવો માટે અનુમતિ આપી એટલું જ નહીં રાજકીય મહત્વાકાંક્ષાને પોષવા વિશાળ રાજકીય રેલીઓનું આયોજન પણ થવા દીધું.

કોરોના ખતમ થઈ જશે એમ માનીને રસીકરણની ગતિ ધીમી કરી :- આજે જ્યારે કોરોનાનો કોઈ તોડ શોધી શકાયો નથી ત્યારે રસી જ એકમાત્ર એવું હથિયાર છે કે જે કોરોનાવાયરસ સામે કંઈક પણ સુરક્ષા આપી શકે તેમ છે.

પરંતુ કોરોના હવે ખતમ થવામાં છે એવા આત્મવિશ્વાસ સાથે સરકારે રસીકરણની ગતિ ધીમી કરી નાખી. જ્યારે પશ્ચિમના અનેક દેશોમાં રસીકરણ એટલી ઝડપથી ચલાવાયું કે આજે લોકો માસ્ક વિના આરામથી હરીફરી શકે છે અને નવા કેસોની સંખ્યા મહ્દઅંશે ઓછી થઈ ગઈ છે.

દેશમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોની વ્યવસ્થા ખખડધજ :- દેશમાં 24918 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાંથી માત્ર 3278 કેન્દ્રો જ માપદંડો અનુસાર સ્થાપિત છે અને માત્ર 8514 કેન્દ્રો જ 24 કલાક કાર્યરત છે. એવામાં ગ્રામીણ ક્ષેત્રે જન આરોગ્યની સ્થિતિ કથળી રહી છે.

એવામાં ગ્રામીણ વિસ્તારોમાં પણ કોરોનાએ હાહાકાર મચાવતા ચિંતાની સ્થિતિ સર્જાઈ છે. ઉપરોક્ત તમામ બાબતો જોઈએ તો એક રીતે એરોસોલથી જો કોરોનાવાયરસ વધુ પ્રમાણમાં ફેલાય તો અત્યંત ચિંતાજનક સ્થિતિનું નિર્માણ દેશભરમાં થઈ શકે છે.

ઈઝરાયેલ, અમેરિકા, યુકે જેવા દેશોએ રસીકરણથી જીત મેળવી :- ભારતમાં કોરોનાની બીજી લહેર હાહાકાર મચાવી રહી છે, તો હવે ત્રીજા વેવની પણ ચર્ચાએ લોકોમાં દહેશત ઊભી કરી છે. તો બીજી તરફ કેટલાંક એવા દેશ છે જ્યાં લોકોને માસ્ક પહેરવાની જરૂર નથી. આ ઉપરાંત અહીં બધું જ સામાન્ય બની રહ્યું છે, લોકો પહેલાંની જેમ જ જીવન માણી રહ્યાં છે.

ઈઝરાયેલ :- ઈઝરાયેલમાં એટલી ઝડપથી નાગરિકોને વેક્સિનેશન કરાવાયું છે કે હવે અહીંની સરકારે માસ્ક પહરેવાની અનિવાર્યતાને ખતમ કરી દીધી છે. ઇઝરાયેલમાં સાર્વજનિક વિસ્તારમાં હવે લોકો માસ્ક વગર ફરી શકે છે.

અમેરિકા :- અમેરિકામાં પણ કોરોના સામે કારગત એવી વેક્સિનની પ્રક્રિયા ઝડપથી થઈ રહી છે. અને લગભગ મેના અંત સુધીમાં અમેરિકાની તમામ પ્રજા વેક્સિનેટ થઈ ગઈ હશે.

યુકે :- યુકેમાં કોરોનાવાયરસની બીજી લહેરે આતંક મચાવી દીધો હતો પરંતુ ત્યાંની સરકારે ઝડપભેર મોટા પ્રમાણમાં વેક્સિનેશન પ્રક્રિયા હાથ ધરી. આજે ત્યાં સ્થિતિ સામાન્ય છે, પ્રતિબંધો હટી ગયા છે. લોકો હવે અહીં સામાન્ય જીવન જીવવા લાગ્યા છે.

ભારતમાં કોરોના અંગે જાગૃતિનો હજુય અભાવ :- ભારતમાં હજુય ગ્રામીણ ક્ષેત્રોમાં કોરોના વિશે પૂરતા પ્રમાણમાં જાગૃતિ નથી. લોકો હજુ પણ મહામારીને સામાન્ય શરદી, ઉધરસની બીમારી સમજી રહ્યા છે. પરંતુ આ ભ્રમમાં જ જ્યારે કોરોનાનું સંક્રમણ લાગી જાય છે ત્યારે જે તે વ્યક્તિની હાલત દયનીય થઈ જાય છે.

સ્થિતિ એવી છે કે એક બે વ્યક્તિ નહીં પણ સમગ્ર પરિવાર કોરોનાના લીધે ઉજડી જાય છે. શહેરોમાં શિક્ષિત લોકોનું પ્રમાણ વધુ હોવા છતાં મહામારી પ્રત્યે ક્યાંકને ક્યાંક બેદરકારી જોવા મળે છે. જેવા પ્રતિબંધો હળવા થાય કે તરત ભીડ શરૂ થઈ જાય છે. જ્યારે કડક નિયમોનું પાલન માત્ર સરકારી ટારગેટ પૂરા કરવા માટે જ કરાવાય છે.

વાસ્તવમાં આવશ્યકતા એ છે કે સમગ્ર જનમાનસમાં આ મહામારી સામે લડવાનો માહોલ ઊભો કરવામાં આવે. સૌથી છેવાડા અને અંતરિયાળ વિસ્તારના વ્યક્તિને પણ કોરોના મહામારી શું છે અને તેના માટે શું તકેદારી રાખવી જોઈએ એના વિશે પૂરતી સમજ હોવી જોઈએ.

સરકાર જે રીતે પોતાની સિદ્ધિઓ માટે કમ્યુનિકેશન અને મીડિયાનો જબરદસ્ત ઉપયોગ કરે છે એનો જ ઉપયોગ વાસ્તવમાં સામાન્ય લોકોમાં જાગૃતિ ફેલાવવા આક્રમક રીતે થાય એ જરૂરી છે.

દેશની આ સ્થિતિમાં એરોસોલથી ફેલાતો વાયરસ હાહાકાર મચાવી શકે :- વૈજ્ઞાનિકોના એક સમૂહે પ્રખ્યાત મેડિકલ જર્નલ ધ લાન્સેટમાં 10 પુરાવાની સાથે દાવો કર્યો કે, કોરોનાવાઈરસ હવાથી પણ ફેલાય છે. તેમજ અમેરિકામાં MIT એટલે કે મેસાચુસેટ્સ ઈન્સ્ટિસ્ટટ્યૂટ ઓફ ટેક્નોલોજીની સ્ટડીમાં દાવો કરવામાં આવ્યો છે કે, 6 ફૂટ સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમનો કોઈ અર્થ નથી.

એ વાતના પર્યાપ્ત પુરાવા છે કે છીંક અથવા ખાંસી વખતે મોં અથવા નાકમાંથી નીકળતા ડ્રોપલેટ્સ એટલા નાનાં હોય છે કે તે એરોસોલ બની જાય છે. ખાસ કરીને બંધ જગ્યા પર એક સુપર-સ્પ્રેડરનું કામ કરે છે તો સાથે ગીચ વસતી ધરાવતા ભારતમાં એરોસોલથી કોરોના વાયરસ બેકાબુ બની જઈ શકે છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer