જાણો ભગવાન શ્રી ગણેશજીનો પુરાણોમાં દર્શાવેલો મહિમા

‘ગણેશ પુરાણ’માં દર્શાવવામાં આવ્યું છે કે પર બ્રહ્મ સ્વરૂપ આદિ ગણપતિના દર્શનની તીવ્ર અભીપ્સાથી શિવપ્રિયા પાર્વતીએ લેખનાદ્રિના એક સુંદર સ્થળે ગણેશનું ધ્યાન કરતાં કરતાં એમના એકાક્ષરી મંત્રનો જાપ કરવા માંડયો. આ રીતે બાર વર્ષ સુધી કઠોર તપ કર્યું ત્યારે ગણેશજીએ સંતુષ્ટ થઈ પાર્વતીને દર્શન આપ્યા અને એમના પુત્ર રૂપે અવતરિત થવાનું વરદાન આપ્યું. ભાદરવા સુદ ચોથનાં મધ્યાહ્ન કાળે સોમવાર, સ્વાતિ નક્ષત્ર અને સિંહ લગ્નનો યોગ હતો. પાંચ શુભ ગ્રહ એકત્રિત થયેલા હતા. જગતજનની પાર્વતીજીએ અનન્ય ભાવથી શ્રી ગણપતિની ષોડશોપચાર પૂજા કરી એ વખતે ભગવાન ગણેશ એમના પુત્રરૂપે પ્રકટ થઈ ગયા.

www.Whoa.in

‘શિવ પુરાણ’માં ગણેશ ચતુર્થીના દિવસે ગણપતિ ઉપાસનાનો મહિમા વર્ણન કરાયો છે. શ્વેત કલ્પમાં જ્યારે ભગવાન શંકરના અમોધ ત્રિશૂળથી પાર્વતીપુત્ર ગણપતિનું માથું છેદાઈ ગયું ત્યારે પુત્રવત્સલા પાર્વતીએ કુપિત થઈ અનેક વિધ શક્તિઓ ઉત્પન્ન કરી સૃષ્ટિનો સંહાર કરવા આજ્ઞા કરી. આનાથી હાહાકાર મચી ગયો. સૃષ્ટિને સંહારથી બચાવી લેવા દેવોએ ઉત્તર દિશામાંથી હાથીનું મસ્તક લાવી પાર્વતી પુત્રના ધડ સાથે જોડી દીધું. મહેશ્વરના દિવ્ય તેજથી ગણપતિ જીવિત થઈ ગયા. પોતાના પુત્રને જીવિત જોઈ પાર્વતી પ્રસન્ન થયા અને એમની સંહારક શક્તિઓને રોકી લીધી.

પાર્વતીને પ્રસન્ન કરવા માટે બ્રહ્મા- વિષ્ણુ અને શિવ વગેરે દેવોએ એ જ વખતે શ્રી ગણપતિજીને ‘સર્વાધ્યક્ષ’ ઘોષિત કરી દીધા. એ પછી ભગવાન આશુતોષ શિવજીએ એમને વરદાન આપતાં કહ્યું- ‘હે ગણેશ્વર ! તમે ભાદરવા મહિનાની ચતુર્થીના દિવસે પાર્વતીના વિશુધ્ધ ચિત્તથી પ્રકટ થયા છો. આ તિથિએ જે કોઈ તમારી ઉપાસના, પૂજા- અર્ચના કરશે તેને દિવ્ય સિદ્ધિઓની પ્રાપ્તિ થશે. તેના તમામ વિઘ્નો દૂર થશે અને તેનું સર્વ પ્રકારે મંગલ થશે. પ્રત્યેક માંગલિક કાર્યોમાં તમારું પ્રથમ પૂજન થશે.’

‘શ્રી ગણપતિ અથર્વશીર્ષ’માં કહેવામાં આવ્યું છે કે ઓંકારનું જ વ્યક્ત સ્વરૂપ ગણપતિ દેવતા છે. જેમ મંત્ર ઉચ્ચારણમાં પ્રથમ ઓંકાર બોલાય છે તેમ તમામ પૂજા- અનુષ્ઠાનમાં પ્રથમ ગણપતિ પૂજાય છે. મહાકવિ કાલિદાસે’ ચિદ્ ગગન-ચંદ્રિકા’ ના પ્રથમ અધ્યાયના પ્રથમ શ્લોકમાં દર્શાવ્યું છે કે શબ્દ બ્રહ્મરૂપ ‘ઓમ’નો આવિર્ભાવ કેવી રીતે થયો અને એ ‘ઓમ’ માંથી જ ગણપતિના સ્વરૂપનું નિર્માણ થયું. પ્રથમભાગ ઉદર, મધ્ય ભાગ શુણ્ડાકાર દંડ અને ઊર્ધ્વભાગ, અર્ધચંદ્ર એ દન્ત, અનુસ્વાર વગેરે છે. મંગલ કાર્યોમાં દોરાતું સ્વસ્તિકનું ચિહ્ન એ ગણપતિના ચાર હાથ છે. એટલે સ્વસ્તિકને ચતુર્ભુજ ઓંકાર કહેવામાં આવે છે. પૂજન વખતે સ્વસ્તિકની ડાબી અને જમણી બન્ને તરફ બે ઉભી રેખાઓ દોરવામાં આવે છે.

ડાબી તરફની બે રેખાઓ ગણપતિની બે પત્નીઓ રિદ્ધિ-સિદ્ધિ (સિદ્ધિ-બુદ્ધિ) અને જમણી તરફથી બે રેખાઓ એમના બે પુત્રો લક્ષ-લાભ (ક્ષેમ-લાભ)નું પ્રતીકાત્મક સ્વરૂપ છે. ગણપતિનો બીજમંત્ર છે-‘ગ’ આ ‘ગ’ બીજમંત્રની ચાર સંખ્યાને ભેગી કરી એક કરી દેવાથી ‘સ્વસ્તિક’નું ચિહ્ન બની જાય છે. આ ચિહ્નમાં ચાર બીજમંત્રોનું સંયુક્ત હોવું ભગવાન શ્રી ગણેશની જન્મતિથિ ‘ચતુર્થી’નું સૂચક છે. ભગવાન શ્રી ગણપતિ બુદ્ધિદાતા, જ્ઞાાનપ્રદાતા છે. જાગૃત, સ્વપ્ન, સુષુપ્તિ અને તુરીય એ ચાર અવસ્થાઓમાં ચોથી તુરીય અવસ્થા છે. જે પરમ જ્ઞાાન પ્રદાતા છે. એટલે જ શ્રીગણપતિ ચતુર્થીએ પ્રકટ થયા છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer