આપણે ત્યાં કોઈ પણ શુભ કાર્યનો પ્રારંભ કરતાં પહેલાં ગણેશજીની પુજા- અર્ચના. સ્તુતિ તથા સ્થાપના કરવામાં આવે છે. ચીન અને જાપાનમાં ગણપતિની આજે પણ વિધિવત્ પુજા કરાય છે. અમેરિકાની મુળ નિવાસી રેડ ઇન્ડીયન પ્રજા પણ ગણપતિ પૂજક છે. બેંગકોકમાં ગણપતિને લેખક તરીકે દર્શાવાય છે તો ઇંડોનેશીયાના એક શહેરમાં ગણપતિની મૂર્તિને વિલક્ષણ બતાવાઇ છે. તિબેટ તથા હિમાચલમાં રહેતી પુજા ગણપતિને દ્વારપાલ તરીકે માને છે. વિઘ્નહર્તા, સુખકર્તા શ્રી ગણેશજીનો પ્રાગટય દિન એટલે ભાદરવા સુદ ચોથ. ભારતવર્ષમાં તથા વિદેશોમાં દશ દિવસ ધામધુમથી ગણેશોત્સવ મનાવવામાં આવે છે. દુંદાળા દેવ ગણપતિની આણ સાત સમુદ્ર પાર પ્રર્વતે છે. ગણેશજી હિન્દુ, જૈન, બૌદ્ધ તથા અન્ય સંપ્રદાયોમાં પરમ પૂજનીય છે.
ગણપતિનું સ્વરૂપ અનોખું તથા અલગ છે. તેમના હાથમાં ખડગ છે. પગ પાસે મુષક છે જે તેમનું વાહન છે માથે મુકુટ છે. રક્ત વસ્ત્રો તથા રક્ત પુષ્પો તેમને પ્રિય છે. મોદક તેમનું પ્રિય ભોજન છે. તેમનું પેટ મોટું છે જે સાર ગર્ભિતિ અર્થોને છુપાવીને બેઠું છે તો કાન સુપડા જેવા મોટા છે. એક કાનેથી સાંભળીને બીજે કાને નકામી ચીજો કાઢી નાખવાનું સુચવે છે. તેમની સુંઢ લાંબી છે. શરીર વિશાળ છે. આંખો ઝીણી છે. જે સુક્ષ્મ અવલોકન કરવાનું શીખવે છે. તેમની સુંઢ લાંબી છે. ગણપતિ પાર્વતી-તથા શિવજીના પુત્ર છે. રિદ્ધિ-સિદ્ધિ એ બે તેમની પત્નીઓ છે. શુભ- લાભ તેમના પુત્રો છે. ગણેશજીની પુજા કરવાથી મનોવાંછિત ફળની પ્રાપ્તિ થાય છે.
ગણપતિની સ્તુતિ માટે વિવિધ સ્તોત્રો તથા મંત્રો છે. તેમાં શ્રી ગણપતિ અર્થવશીર્ષનું ખુબ જ મહત્વ છે. મહામુનિ અર્થવેણ ઋષિએ આ સ્તોત્રની રચના કરી હતી. આ સ્તોત્રમાં કહ્યા પ્રમાણે ગણપતિ જ પ્રત્યક્ષ અવિનાશી છે. સકલ બ્રહ્મમાં વ્યાપક તે જ સમાન છે. ચારે દિશાઓમાંથી ગણપતિ અમારૂં રક્ષણ કરે. ગણપતિ તમે નામ રૂપ છે. વાણી રૂપ છો તથા આનંદમય અને બ્રહ્મમય છે.
તમે જ સત્- ચિત્ત- આનંદ સ્વરૂપે વિદ્યમાન છો. આખું જગત તમારામાંથી ઉત્પન્ન થાય છે, ટકે છે અને લય પામે છે. પંચમહાભૂત સ્વરૂપ તમે જ છો તમે સત્વ, તમ અને રજ ત્રણેય ગુણોથી પર છો. તમે શરીરનાં મુલાધાર ચક્રમાં સ્થિત છો. તમે જાગૃતિ, સ્વપ્ન અને નિદ્રાથી પર છો. જીવનમુક્ત યોગી હંમેશાં તમારૂં જ ધ્યાન ધરે છે. ગણપતિ વક્રતુંડ છે, એકદંત છે. ગણપતિને ચાર હાથ છે. ગણપતિ ભક્તો પર નિરંતર કૃપા કરે છે. ગણપતિ આ સૃષ્ટિના આદિ દેવ પણ મનાય છે. શંકર- પાર્વતીના વિવાહ સમયે પણ આદિ દેવ ઉપસ્થિત હતા. ગણેશજી પ્રકૃતિ અને પુરૂષથી પર છે તેમનું ધ્યાન નિત્ય યોગીઓ ધરે છે.