હરસિદ્ધિ માતાના મંદિરે આશ્રમ બનાવવા માટે ભક્તોએ કર્યું અઢળક દાન

કલ્યાણપુર તાલુકાના ગાંધવી ગામ પાસે રમણીય દરિયાકાંઠે કોયલા ડુંગરની તળેટીમાં હરસિદ્ધ સેવા ટ્રસ્ટની નાની ધર્મશાળા આવલી છે. પરંતુ દિવસેને દિવસે મા હરસિદ્ધની કૃપા – આસ્થા ભક્તિમાં વધારો થતો રહેવાથી મોટી સંખ્યામાં ભક્તોનું ઘોડાપુર અહીં ઉમટી રહ્યું છે, જેને પગલે આ સ્થળ પર નાની ધર્મશાળાને તોડી ભવ્ય આશ્રમનું નિર્માણ કરવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

આ હેતુથી અહીં બે દિવસીય ભવ્ય શતચંડી મહાયોગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી આવ્યા હતા. આ પ્રસંગે મા હરસિદ્ધીની ભવ્ય નગરયાત્રા પણ કાઢવામાં આવી હતી, અને માતાજીને ભવ્ય ધજા ચઢાવવામાં આવી હતી.

આ ધાર્મિક પ્રસંગમાં મોટી સંખ્યામાં ભાવિ ભક્તોની સાથે સાંસદ સભ્ય રમેશભાઈ ધડુક, ધારાસભ્ય બાબુભાઈ બોખિરીયા, કાંતિભાઈ સોઢા, મુળુભાઈ બેરા સહિત સ્થાનિક આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા, અને માના આશિર્વાદ મેળવી ધન્યતા અનુભવી હતી.

આ કાર્યક્રમ મુદ્દે માહિતી આપતા આશ્રમના ગાદિપતી વિશ્વાસભાઈ જાનીએ જણાવ્યું હતું કે, મા હરસિદ્ધની કૃપા અને ભક્તોના દાનની મદદથી અહીં દર્શન માટે આવતા ભક્તોને કોઈ પ્રકારની અવગડતા ન રહે તે માટે આધુનિક નવિન આશ્રમ તૈયાર કરવામાં આવશે. જેમાં ભક્તો માટે આધુનિક સુવિધાથી સજ્જ એસી રૂમો, ભોજન શાળા, સત્સંગ હોલ, યજ્ઞ શાળાની સ્થાપના કરવામાં આવશે, સાથે મા હરસિદ્ધીની અષ્ટભુજાધારી દિવ્ય પ્રતિમાની પણ સ્થાપના કરવામાં આવશે.

ગાદિપતિ વિશ્વાસભાઈએ કહ્યું કે, કોયલા ડુંગર તળેટી ખાતે નિર્માણ પામનાર હરસિદ્ધ આશ્રમ માટે ભક્તોએ ખોબલે ખોબલે દાન આપતા માત્ર એક દિવસમાં એક કરોડના દાનનો આંક વટી ગયો હતો. દાનનો અવિરત પ્રવાહ હજુ પણ ચાલુ જ છે, આ સિવાય મા હરસિદ્ધની કૃપાથી ભક્તો દ્વારા દાનની રકમ સમયાંતરે આપવામાં આવતી રહે છે, જે દાનની મદદથી ટુંક સમયમાં ભવ્ય આશ્રમ તૈયાર થશે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer