અમદાવાદનાં રિલીફ રોડ વિસ્તારમાં આવેલી હાજા પટેલની પોળમાં ભગવાન રામનું આ ઐતિહાસિક મંદિર આવેલું છે. પૌરાણિક માન્યતા અનુસાર 600 વર્ષ જુનું છે આ રામ મંદિર અમદાવાદમાં આવેલાં આ મંદિરમાં ભગવાન રામની કાળી મુર્તિ છે. એટલે તે શ્યામ રામજી, કાળા રામ તરીકે પણ ઓળખાય છે. આ મંદિરમાં જવાની વ્યવસ્થા પણ ઘણી ખાસ છે. અહીં જવા માટે આપે ઘરમાંથી પસાર થઇને જવું પડે છે. અંદર ગયા બાદ આપ જોશો કે ત્યાં રામ ભગવાન સીતા મૈયા અને ભાઈ લક્ષ્મણ એક સાથે બિરાજે છે.
અહીંના પૂજારી સાથે વાતચીત દરમિયાન મંદિરમાં ભગવાનની મૂર્તિની વિશેષતા અંગે તેમણે જણાવ્યું કે વનવાસ દરમિયાન જ્યારે ભગવાન શ્રીરામ ચિત્રકુટ ગયા હતા ત્યારે ત્રિકાળ સંધ્યા કરતાં મુદ્રા અહીં જોવા મળે છે. એટલે જ મુર્તિ પદ્માસન મુદ્રામાં બિરાજમાન છે. આ મંદિર પેશ્વાઇ સમયથી હોવાનું લોકો સ્વિકારે છે. આ મંદિર ઐટલું પૌરાણિક છે કે તેને ઐતિહાસિક મંદિર તરીકે હેરીટેજમાં સ્થાન આપવામાં આવ્યું છે. ભગવાન રામની મૂર્તિ જે કાળા પત્થરમાંથી તૈયાર કરવામાં આવી છે. તે કસોટી પત્થર કહેવાય છે. જેનાંથી ઝવેરીઓ સોનાની પરખ કરે છે.
જ્યારે શ્રધ્ધાળુ ભાવેશભાઈનું કહેવું છે કે આ મંદિરમાં નાનો ભાઇ લક્ષ્મણ મોટા ભાઈ રામની રક્ષા કરે તેવું સ્વરુપ છે. સંધ્યા કાળે રામ ભગવાન પદ્માસનમાં બેઠાં હતા ત્યારે કોઈ રાક્ષસો રામ ભગવાનને હેરાન ના કરે તે માટે લક્ષ્મણજી અહીં ભાઈની રક્ષા કરતાં જોવા મળે છે.
અન્ય એક શ્રદ્ધાળુ અરૂણા બહેનનું કહેવું છે કે, તેમની દરેક મનોકામના રામ ભગવાનને પુર્ણ કરી છે. 2001માં જ્યારે ભુંકપ આવ્યો ત્યારે તેઓ અહીં જ મંદિરમાં હતા મંદિરનું ચણતર માટીનું હોવાથી તેમને ડર હતો કે મંદિર તૂટી જશે પરંતુ ભગવાન રામે તેમનો બચાવ કર્યો. અને તેમની ભગવાન પ્રત્યે શ્રદ્ધા અતૂટ રહી છે.
અમદાવાદ શહેરમાં ચાલતી શનિવાર અને રવિવારે હેરિટેજ વોકમાં સેંકડો લોકો આવે છે. અને તો કાળા રામજી મંદિરની પણ મુલાકાત લે છે. આ જોઇને કેટલાંય લોકોને નવાઈ લાગે છે કે હેરિટેજ જેવાં લાગતા ઘરમાં અંદરની બાજુએ મંદિર કેવી રીતે બન્યું હશે.