કાળભૈરવ અષ્ટમીના દિવસે કાળભૈરવ ભગવાનની વિશેષ પૂજા કરવામાં આવે છે. પૂજામાં ભૈરવ મહારાજને અનેક પ્રકારની વસ્તુઓ અર્પણ કરવામાં આવે છે. થોડી જગ્યાએ મદિરા(દારૂ)નો ભોગ પણ ધરાવવામાં આવે છે. મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં ભગવાન કાળભૈરવનું મંદિર આ બાબતને લઇને જ પ્રસિદ્ધ છે. અહીં બિરાજેલાં કાળભૈરવને દારૂનું સેવન કરાવવામાં આવે છે. મંદિરમાં તેમની મૂર્તિને દારૂનું સેવન કરતાં જોવા માટે લાખો સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચે છે.
ઉજ્જૈન સ્થિત કાળભૈરવ મંદિરનો ઉલ્લેખ સ્કંદપુરાણના અવંતિ ખંડમાં પણ મળે છે. અહીં કાળભૈરવના વૈષ્ણવ સ્વરૂપનું પૂજન કરવામાં આવે છે. મંદિર સાથે જોડાયેલી અનેક માન્યતાઓ પ્રચલિત છે. ઉજ્જૈનના રાજા ભગવાન મહાકાળે જ કાળભૈરવને આ સ્થાને ક્ષેત્રની રક્ષા માટે નિયુક્ત કર્યાં છે તેવી માન્યતા છે. એટલે કાળભૈરવને શહેરના કોતવાલ(પોલીસ ઈન્સ્પેકટર) પણ કહેવામાં આવે છે.
કાળભૈરવ
મંદિર શિપ્રા નદી કિનારે ભૈરવગઢમાં સ્થિત છે. ચાંદીના વાસણમાં કાળભૈરવની પ્રતિમાને
દારૂનો ભોગ ધરાવવામાં આવે છે. પ્લેટમાં દારૂ ભરીને પ્રતિમાના મુખ પાસે લઇ જવામાં
આવે છે. ત્યાર બાદ જોત-જોતામાં વાસણમાંથી દારૂ ખાલી થઇ જાય છે. આ દારૂ ક્યાં જાય
છે, આજે પણ
રહસ્ય બનેલું છે.
મંદિર એક ઊંચા ટીલા પર બનેલું છે, જેની ચારેય બાજુ દિવાલ છે. મંદિરની ઇમારતોનું સમારકામ લગભગ એક હજાર વર્ષ પહેલાં પરમાલ કાલીન રાજાઓએ કરાવ્યું હતું. આ નિર્માણ કાર્યમાં મંદિરની જૂની સામગ્રીઓનો જ ઉપયોગ કરવામાં આવ્યો હતો. મંદિર મોટાં-મોટાં પત્થરોને જોડીને બનાવવામાં આવ્યું હતું. અહીં મંદિર આજે પણ મજબૂત સ્થિતિમાં છે.