કુંડળીમાં લગ્ને કઈ રાશિ છે તે પરથી વ્યક્તિનું લગ્નજીવન અને પ્રેમ સંબંધ કેવા નિવડશે તે જોઈ શકાય છે. કુંડળીના કારણે તમે જીવનસાથી કેવો મેળવશો તે જાણી શકો છો. કુંડળીના સપ્તમ ભાવ કે દેહ ભાવમાં રાહુ હોય ત્યારે માનવીને અસામાન્ય લવ લાઈફ કે દાંપત્યજીવન આપે છે. કેટલાંક કિસ્સામાં જો સામાન્યપણું જોવા મળે તો લગ્ન મોડાં થતાં જોવા મળે છે. લગ્ન એટલે એક ભવ નહી ભવોભવનો સંબંધ આપણે ત્યાં એટલે જ કદાચ વિવાહને ખુબજ મહત્વપૂર્ણ સંસ્કાર માનવામાં આવે છે.

કેટલાંક લોકોના લગ્નમાં સતત સમસ્યાઓ આવતી રહે છે, જ્યારે કેટલાંકને પ્રેમમાં નિષ્ફળતા મળે છે. આવું શા માટે થાય છે તેની જાણકારી આજે તમને મળી જશે. જો કે રાહુનું ફળકથન કરતાં પહેલાં મંગળ અને ગુરુની સ્થિતિ પણ જોવી જોઈએ. જો ગુરુ ઉચ્ચનો હોય તો મંગળ સારો હોય તો રાહુ છતાં અશુભ ફળ મળતું નથી.

રાહુને દોષ આપતા પહેલાં એક વાત ખાસ સમજી લેવા જેવી છે તે છે રાહુનો સંબંધ કર્મ સાથે છે. આથી કાર્મિક લેણદેણ પ્રમાણે પાત્રો જીવનમાં આવે છે. જે લોકોની કુંડળીમાં લગ્ને કે સાતમે રાહુ હોય છે ત્યારે તેમના જીવનમાં એકથી વધુ પાત્રો આવતા જોવા મળે છે. જો કે રાહુ હમેંશા નકારાત્મક ફળ જ આપે તેવું નથી. જો કુંડળીમાં રાહુ શુભ બનતો હોય તો તે ફાયદો પણ કરાવી શકે છે.

પ્રણય અને લગ્ન સંબંધ કેવાં સાબિત થશે તેની જાણકારી કુંડળીના સાતમા ભાવ પરથી જ મળે છે. આ ભાવ મારક પણ કહેવાય છે. આ ભાવમાં કેટલાક ખાસ ગ્રહોની વિશેષ સ્થિતિને સમજીને જાણી શકાય છે કે વ્યક્તિનું લગ્નજીવન કેવું રહેશે અને પ્રેમ સંબંધો સફળ સાબિત થશે કે નહીં. તુલા લગ્ન હોય અને લગ્ન ચક્રમાં રાહુ તેમજ મંગળ સાતમા ભાવમાં હોય અને તેમના પર શનિની દ્રષ્ટિ હોય તો આવા જાતકના પ્રેમ સંબંધ સફળ થતા નથી. તેઓને પ્રેમમાં દગો જ મળે છે. તેમના જીવનમાં પ્રેમ પ્રસંગ તો બને છે પરંતુ તે સુખદ હોતા નથી.