જાણો ગિરનારની લીલી પરિક્રમાના ચાર પડાવ વિશે

લીલી પરિક્રમાની શરૂઆત ભવનાથ તળેટીમાં આવેલ દુધેશ્વર મહાદેવના મંદિરથી થાય છે. પરિક્રમાનો રસ્તો કુલ 36 કિલોમીટર લાંબો છે. જે ગિરનારનાં ગાઢ જંગલો માંથી પસાર થાય છે. જેમાં વચ્ચે સાગ, વાંસના જંગલો, વહેતા ઝરણાંઓ જોવા મળે છે. જે કુદરતની પ્રકૃતિની સુંદરતાનો અહેસાસ કરાવે છે. આ 36 કિલોમીટર લાંબી પરિક્રમામાં ઘણાં મંદિરો આવે છે જેમ કે ઝીણાબાવાની મઢી, માળવેલા, સુરજકુંડ, સરખડીયા હનુમાન, બોરદેવી અને છેલ્લે ભવનાથના દર્શનથી યાત્રા પુરી થયા છે.

પ્રાચીનકાળથી ચાલી આવતી આ પરિક્રમા મધ્‍ય યુગમાં થોડો સમય સ્‍થગીત રહી હતી. 1864માં જુનાગઢના દીવાન અનંતજી અમરચંદ વસાવડાએ જેઠ માસમાં સંઘ કાઢી પરિક્રમા કરી હતી. બાદમાં પ્રતિવર્ષ કારતક મહિનામાં પરિક્રમા યોજવામાં આવે છે. ત્‍યારબાદ ઇ.સ.1882ના રોજ અજા ભગતે 10 માણસોના સંઘ સાથે પરિક્રમા કરી હતી. વગર આમંત્રણે, વગર પ્રલોભને ફકત પુણ્યનું ભાથુ એકઠુ કરવા કંઇપણ લીધા વિના થાકના કે વન્‍ય પ્રાણીઓના ડર વિના દર વર્ષે લાખો લોકો આ 36 કી.મી.ની પગપાળા પરિક્રમામાં ઉમટી પડે છે. હવે તો દરેક વિસામાએ વિવિધ સેવાભાવી સંસ્‍થાઓ યાત્રીકોને ચા-નાસ્‍તા અને જમવાની વિનામૂલ્‍યે સુવિધા પુરી પાડવામાં આવે છે. લીલી પરીક્રમા ચાર પડાવમાં પૂર્ણ થાય છે.

૧. પ્રથમ પડાવ જાંબુડી :
જીણા બાવાની મઢી આ પાવનકારી પરીક્રમાનું પ્રથમ ચરણ કારતક સુદ અગીયારસના દિનથી શરૂ થાય છે. ભવનાથ તળેટી ખાતે આ દિવસે શરૂ થતી પરીક્રમામાં લાખોની સંખ્યામાં શ્રધ્ધાળુઓ પરીક્રમા ભ્રમણની શરૂઆત કરે છે. આ પરીક્રમાનો પહેલો વિસામો સંત જીણા બાવાની મઢીએ હોય છે. પરીક્રમાર્થીઓ ઉબડ ખાબડ પથ્થરાળા રસ્તા પર પદયાત્રા શરૂ કરે છે અને જીણા બાવાની મઢીએ પહોંચે છે જયાં યાત્રીકોનો પરીક્રમાનો વિધિવત પડાવ ગણાય છે. ઘનઘોર જંગલ વચ્ચે આવેલી આ જગ્યાએ પ્રથમ પડાવની રાત્રી વિતાવવા લોકો ડેરા તંબુ તાણે છે અહી પરીક્રમાર્થીઓના ભોજનની વ્યવસ્થા માટે અનેક સેવાભાવી સંસ્થા ખડેપગે સેવા કરી પુણ્યનું ભાથુ બાંધવા તૈયાર હોય છે. ભોજનની સાથે રાત્રી દરમ્યાન ભજન અને ભકિતના અનોખા સમનવ્યનો માહોલ નિહાળી પરીક્રમાર્થીઓ ધન્યતા અનુભવે છે અને જીણા બાવાની મઢી ખાતે પરીક્રમાર્થીઓ પ્રથમ પડાવરૂપી રાતવાસો કરે છે…

૨. બીજો પડાવ સરકડીયા :
જીણા બાવાની મઢીએ રાત વિતાવ્યા બાદ સવાર પડતાની સાથે જ પરીક્રમાર્થી બીજા પડાવ એવા માળવેલા તરફ આગળ વધે છે. રસ્તામાં યાત્રીકો જય જય શિવશંકર બમ બમ બોલે જય ગિરનારીના ગુંજનાદથી ગિરીકંદરાઓને ગુંજવી દે છે. માળવેલા તરફ આગળ જતા પરીક્રમાર્થીઓ ખરા અર્થમાં કુદરતના સાનિધ્યને નિહાળવા અતૃપ્ત ઇચ્છાની પૂર્તી અહી કરી શકે છે. રસ્તામાં વહેતા ખળખળ કુદરતી ઝરણા પ્રાકૃતિક સૌંદર્ય સભર વનની વનરાઇઓ જાણે કે પરીક્રમાર્થીઓને અહીયાની સોળે કળાએ ખીલી ઉઠી હોય તેવું મનમોહક દ્રશ્ય ઠેર-ઠેર જોવા મળે છે. યાત્રીકો ભજનના સુરતાલ છેડી ધીમે ધીમે દ્વિતીય પડાવ માળવેલા તરફ આગળ વધે છે. માળવેલાની જગ્યાનું મહાત્મય એવું છે કે આ મધ્ય જંગલનો આ ભાગ છે. ચોતરફ ખાઇઓ છે અને લગભગ પાંચથી છ કિલોમીટર ચોપાસ વિસ્તારમાં કોઇ પણ પ્રકારનું વાહન અહી અવર જવર કરી શકે તેમ નથી. આ પડાવ ખાતે અમુક યાત્રીકો સેવાભાવી સંસ્થા દ્વારા ચાલતા પ્રસાદ ભોજન કક્ષમાં જમવા પહોંચી જાય છે તો અમુક યાત્રીકો સાથે લાવેલ કાચા ભોજનની સામગ્રીને રાંધી ખરા અર્થમાં વન ભોજન આરોગવાનો અનેરો આનંદ મેળવે છે અને રાત્રી દરમ્યાન ભજન મંડળીઓ સંગાથે હરીભજનમાં પરીક્રમાર્થી મગ્ન બની જાય છે અને દ્વિતીય પડાવ પૂર્ણ કરે છે.

૩. ત્રિજો પડાવ બોરદેવી :
બોરદેવી ભજન ભોજન અને ભકિતનો અનેરો ત્રિવેણી સંગમ રૂપી પરીક્રમાના દ્વિતીય પડાવ માળવેલા ખાતે રાત વિતાવ્યા બાદ પરીક્રમાના અંતિમ પડાવ એવા બોરદેવી તરફ આગળ ધપવા પ્રયાણ કરતા વહેલી સવારે બોરદેવી રસ્તાની વાટ પકડે છે. અંતિમ પડાવ રૂપી બોરદેવીની જગ્યા તરફ યાત્રીકો ઉબડ ખાબડ રસ્તાઓ પર ચાલવા માંડે છે. અત્યંત વિકટ એવા બોરદેવીના સાંકડા અને પથ્થરોની શીલા ધરાવતા જંગલી માર્ગ ઉપર ચાલવુ અતિ કઠીન છે. છતા લોકો પુરી શ્રધ્ધા ભકતીથી જય ગિરનારીના નાદ સાથે પરીક્રમાના ત્રીજો પડાવ પૂર્ણ કરવા તરફ પ્રયાણ કરે છે અને તેમાં પણ નળ પાણાની ઘોડી માર્ગ ઉપર ચાલવુ અતિ કઠણાઇ ભર્યુ છે જયા વાંકા ચુકા રસ્તાઓ પર પરીક્રમાર્થીઓને પડવા લપસવાની શકયતા રહે છે.

૪. ચોથો પડાવ ભવનાથ :
ભવનાથ પ્રયાણ બોરદેવી ખાતે ત્રીજા પડાવ રૂપી રાત્રી રોકાણ બાદ ચોથા દિવસે પરીક્રમાર્થીઓ ગરવા ગિરનારની ૩૬ કિ.મી.લાંબી પરીક્રમા પુર્ણ કરી ભવનાથ પહોંચે છે. આમ અહીંયા ગીરનારની પવિત્ર લીલુડી પરિક્રમા પૂર્ણ થાય છે. ગિરનાર પર્વત દેવો અને સંતોની પવિત્ર ભુમી છે. જયા નવનાથ, ચોર્યાસી સિધ્‍ધો, જટાધારી જોગીઓ, સાધુઓ, નાગાબાવાઓ અને તપસ્‍વીઓ વસે છે. જેઓને બહારની દુનિયાની કોઇ ચિંતા જ નથી. લાલચ, લોભ, ક્રોધથી જે પર છે. તેવા સાધુ સંતોને ખાવાપીવા કે કપડાની પણ જરૂર નથી.

Leave a reply:

Your email address will not be published.

Site Footer