જાણો છોટા કાશી તરીકે ઓળખાતા જામનગરના હજારેશ્વર મહાદેવ મંદિરનો મહિમા

જામનગર ગુજરાતમાં છોટી કાશી તરીકે પ્રસિદ્ધ છે. અહીં અનેક પ્રાચીન મંદિરો આવેલા છે. તેમાનું એક શહેરના હવાઈચોક વિસ્તારમાં આવેલું ‘હજારેશ્ર્વર મહાદેવ મંદિર’ સ્વામી ચિતાનંદજીએ 1ર વર્ષ સુધી હાથમાં શિવલિંગ લઈને તપ કર્યા બાદ ભૂતનાથ મહાદેવ પ્રસન્ન થતાં અહીં 1 હજાર શિવલિંગની સ્વામીજી દ્વારા સ્થાપના કરવામાં આવી હતી. હાલ પવિત્ર શ્રાવણ માસમાં શિવભકતો હજારેશ્ર્વર મહાદેવના દર્શન કરીને ધન્યતા પ્રાપ્ત કરે છે.
રાજ્યભરમાં ‘છોટી કાશી’ તરીકે પ્રખ્યાત એવા જામનગર શહેરમાં અનેક પ્રાચીન મંદિરો આવેલા છે. તેમાંનું એક એટલે કે, હવાઈચોકમાં આવેલું ‘હજારેશ્ર્વર મહાદેવ’ મંદિર.

અહીં પહેલાં પ્રાચીનકાળમાં નિર્જન વિસ્તાર હતો અને ભૂતનાથ મહાદેવ બિરાજતા હતાં સ્વામી ચિતાનંદજી અહીં આવ્યા અને તેમણે આ મંદિર જોયું અને તેઓ અહીં જ વસી ગયાં. ત્યારબાદ તેમણે જેમ વિષ્ણુજી શહસ્ત્ર નામ છે તેમ શિવજીના પણ 1 હજાર નામ છે. એટલે સ્વામીજીએ મનોમન પ્રતિજ્ઞા કરી અને અહીં 1 હજાર શિવલિંગની સ્થાપના કરવાની પ્રતિજ્ઞા કરી અને ‘શિવ પુરાણ’ મુજબ ભકતો એક સાથે 1 હજાર શિવલિંગના દર્શન કરી ધન્યતા પ્રાપ્ત કરે તેવું વિચાર્યું. સ્વામી ચિતાનંદજીએ સતત 1ર વર્ષ સુધી હાથમાં શિલલિંગ લઈને ઉભા-ઉભા તપ કર્યું, બાર વર્ષ બાદ મંદિરમાં બિરાજતા ભૂતનાથ મહાદેવ પ્રસન્ન થયાં. ત્યારબાદ અહીં 1 હજાર શિવલિંગની સ્થાપના કરવામાં આવી.

આ મંદિરમાં કુલ 3 ખંડ આવેલાં છે, પહેલા ખંડમાં શિવલિંગો તથા ઓટા ઉપર મુખ્ય શિવલિંગ આવેલું છે અહીં દક્ષિણામૂર્તિ મહાદેવ પણ બિરાજે છે અને તેમની સામે તેમનો નંદી પણ છે. બીજા ખંડમાં પણ શિવલિંગો આવેલા છે અને તેમની વચ્ચે નંદી બિરાજે છે જેની ઉપર શિવલિંગ દૃશ્યમાન થાય છે, આ શિવલિંગ 1 હજાર પૈકીનો એક શિવલિંગ છે. જ્યારે ત્રીજા ખંડમાં શિવલિંગો ઉપરાંત મહાકાળી માતાજી, નવદુર્ગા માતાજીની મૂર્તિઓ આવેલી છે તેમજ હનુમાનજી, વિઘ્નહર્તા ગણેશ જ્યારે મંદિરના પટ્ટાગણમાં કાળ ભૈરવ અને બટુક ભૈરવનું મંદિર આવેલું છે. મંદિરની દિવાલોમાં ગોખલાઓમાં પણ શિવલિંગની સ્થાપના થયેલી છે.

નીજ મંદિર એટલે કે, ભૂતનાથ મહાદેવ મંદિરમાં બે નંદી આવેલા છે જેમાં એક નંદી ભૂતનાથ મહાદેવનો છે અને બીજો નંદી સ્વામી ચિતાનંદના હાથમાં જે શિવલિંગ છે એ તપનો નંદી છે. આ મંદિરમાં દરેક તહેવારો ધામધૂમથી ઉજવાય છે. ખાસ કરીને જયાપાર્વતી, એવરત-જેવરત, કેવડા ત્રીજ, વટ સાવિત્રી અને શિવરાત્રિની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવે છે. શ્રાવણ માસ દરમિયાન શણગાર અને દીપમાળા કરવામાં આવે છે. જ્યારે દર સોમવારે હજારેશ્ર્વર મહાદેવને રૂદ્રાક્ષ અર્પણ કરવામાં આવે છે. આ ઉપરાંત દરેક જ્ઞાતિજન પોતાના આપ્તજનની ઉત્તરક્રિયા માટે પણ આ મંદિરને પસંદ કરે છે. જ્યારે રૂદ્રી, લઘુરૂદ્ર, નવગ્રહ શાંતિ અને ઈશ્ર્વરવિવાહ જેવા પ્રસંગો પણ આ મંદિરમાં ઉજવાય છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer