ચાલો જાણીએ રાજસ્થાનના એક એવા મંદિર વિશે જ્યાં રાધા કૃષ્ણ યુગલ સ્વરૂપે બિરાજે છે

આ મંદીરની વિશેષતાં એટલે વધું છે કે અહીં સ્થાપિત રાધા કૃષ્ણની મૂર્તિ વૃંદાવનથી લાવવામાં આવી છે. આટલું જ નહીં આ મંદિરમાં વિષ્ણુ ભગવાનના નૃસિંહ સહિતના અને અન્ય સ્વરૂપના પણ દર્શનનું સૌભાગ્ય ભક્તોને પ્રાપ્ત થાય છે. તો ચાલો કૃષ્ણની એ સૃષ્ટિમાં જઇએ કે જ્યાં અખંડ થતી કૃષ્ણની ધૂન જાણે સતત વહેતાં વાંસળીના સૂરનો આભાસ કરાવી જાય છે.

કૃષ્ણતત્વને શબ્દમાં અંકિત કરીને કદાચ ક્યારેય ન સમજી કે સમજાવી શકાય. કૃષ્ણને સમજવા માટે મીરાનું સમર્પણ જોઇએ અને રાધા જેવી પ્રિત જોઇએ. તેના દર્શનથી તેના કૃપા પાત્ર ચોક્કક બની શકાય.રાજસ્થાનના જયપુરમાં કૃષ્ણની આવી જ એક પ્રેમસૃષ્ટિ છે. જી હાં તે વ્રજની યાદને તાજી કરી દે છે. ભગવાન કૃષ્ણ અહીં રાધા સંગ યુગ સ્વરૂપે બિરાજે છે. રાધા કૃષ્ણની આ અનૂપમ મૂર્તિ સાથે એક નાના સ્વરૂપની પણ યુગલ મૂર્તિ છે. જે જીવ ગૌસ્વામી દ્રારા વૃંદાવનથી લાવીને અહી સ્થાપિત કરાય છે. કૃષ્ણભક્તોમાં આ દામોદર રાધાની મંદિરની મહિમા અપરંપાર છે.

કૃષ્ણના આ પાવન ધામનું આધ્યાત્મક મહત્વ તો છે જ પરંતુ ભવ્યતા પણ એવી છે કે જાણે મંદિરમા પ્રવેશતા જ એવો અનુભવ થાય કે કોઇ રાજભવનમાં પ્રવેશતાં હોય. રાધા વિના કૃષ્ણ અધૂરા અને કૃષ્ણ વિના રાધા. આ બંનેની આ દિવ્ય યુગલ મૂર્તિના દર્શન કરીને ભક્તો ઘન્યતાની અનુભૂતિ કરે છે.

આ મંદિરની વિશેષતા માત્ર આટલી જ નથી. અહીં ભક્તોને શ્રીકૃષ્ણના અન્ય સ્વરૂપ અને અવતારના દર્શનનું સૌભાગ્ય પ્રાપ્ત થાય છે. અહીં બાંકે બિહારી રૂપે મૂરલીઘર એક ગર્ભ ગૃહમાં બિરાજે છે તો તેના સંગ ભગવાન જગન્નાથનું સ્વરૂપના પણ દર્શન થાય છે.

આ સાથે ભગવાન વિષ્ણુના જ એક અવતાર નૃસિંહ ભગવાનના પણ અહીં દર્શન થાય છે. આમ વિષ્ણુના જૂદા જુદા અવતાર અને સ્વરૂપના દર્શનનું સૌભાગ્ય અહીં ભક્તોને મળે છે. લોકહિત અને શાંતિના સંદેશ સાથે અહીં હરે રામ હરે કૃષ્ણની અખંડ ધૂન ચાલે છે. મદિરમાં વહેતી સકારાત્મક ઉર્જાનો સંચાર અને સતત વહેતી ભક્તિની સરવાણીના કારણે માહોલ એવો દિવ્ય બની જાય છે કે ભક્તોને મંદિરથી દૂર થવાનું મન નથી થતું. શ્રીકૃષ્ણ અને રાધાની આ યુગલ દિવ્ય મૂર્તિના દર્શન માત્રથી કૃષ્ણ ભક્તો ભાવદશામાં ખોવાઇ જાય છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer