રાસલીલા એ શ્રીકૃષ્ણ અને ગોપીઓની લીલા છે. ભાગવતનો આ ભાગ એટલે રાસ પંચાધ્યાયી. આ અધ્યાયમાં ભગવાન અને તેમના ભક્તોના સંબંધને સૂચવાયો છે. ગોપીઓ રાસલીલા દ્વારા ભગવાન શ્રીકૃષ્ણમાં સંપૂર્ણ ખોવાઈ જતી. એકવાર ભક્ત ભગવાનની શરણમાં ચાલ્યો જાય પછી તમામ જવાબદારી ભગવાનની. આ એક અહંકાર નિર્મૂળનો માર્ગ છે. રાસ પંચાધ્યાયી પુષ્ટિમાર્ગ અંગેની સમજ આપે છે. રાસલીલાનું મહત્વ તેના સાચા જાણકારોને સાવ સીધી સરળ ભાષામાં ઊંડા આધ્યાત્મિક અર્થ સાથે સમજાવે છે.
રાસ પંચાધ્યાયી કૃષ્ણની વાંસળી સાંભળીને ગોપીઓ પોતાના ઘરમાંથી કેવી રીતે બહાર દોડી આવે છે? તેમજ શરદપૂર્ણિમા એટલે કે પૂર્ણ ચંદ્રની રાત્રિએ વૃંદાવનમાં યમુના નદીને કિનારે કેવી રીતે ભેગા થાય છે? તેની સાથે સંબંધિત છે. રાસલીલામાં ભગવાન ગોપીઓ સાથે લીલા કરે છે. ગોપીઓ સાથે વર્તુળાકારે નૃત્ય કરે છે. ગોપીઓને અહંકાર જન્મે છે. તે માને છે કે તેમણે શ્રીકૃષ્ણનું દિલ જીતી લીધું છે. તેમના વિચારનું ખંડન કરવા શ્રીકૃષ્ણ એકાકએક ત્યાંથી અદૃશ્ય થઈ જાય છે. તેમને દુઃખની ગર્તામાં ધકેલી દે છે. રાધાજી શ્રીકૃષ્ણને અતિ પ્રિય છે. શ્રીકૃષ્ણના વિચારમાં જ રાધાજી નિશિદિન રહેતાં.
રાધાના પ્રત્યેક શ્વાસમાં શ્રીકૃષ્ણનું નામ રહેતું. તેમના લોહીમાં શ્રીકૃષ્ણ શ્રીકૃષ્ણ રાધાજીની નજીકમાં જનારને સંભળાતું. આવા રાધાજને પણ અહંકાર જન્મે છે. તેઓ કૃષ્ણને પોતાની સાથે રાસ રમવા કહે છે. જેવાં રાધાજી કૃષ્ણ તરફ હાથ લંબાવે છે કે શ્રીકૃષ્ણ અદૃશ્ય થઈ જાય છે. રાધાજી એકલાં પડી જાય છે. રાધા કૃષ્ણને દરેક ઝાડની પાછળ શોધે છે. આ દરમિયાન રાધાજી અન્ય ગોપીઓને મળે છે. અન્ય ગોપીઓ રાધાજી સમક્ષ પસ્તાવો કરે છે. રાધાજી ગોપીઓને આશ્વાસન આપે છે. તે કૃષ્ણની મહાનતાના ગુણ ગાય છે. તેમની હાજરીમાં થતા આનંદનું વર્ણન કરે છે. તેમનું અભિમાન નમ્રતામાં ફેરવાઈ જાય છે. શ્રીકૃષ્ણ તરત દરેક સમક્ષ પ્રગટ થાય છે. પાછા સૌ વર્તુળાકારે રાસલીલામાં ગુંથાઈ જાય છે. રાધાજીના પ્રત્યેક શ્વાસ સાથે શ્રીકૃષ્ણ રાસલીલા રચતા જોવા મળ્યા છે.
કહેવાય છે કે આજે પણ વૃંદાવનની ગલીઓમાં મધરાત પછી રાસલીલા ગોપીઓ, રાધાજી તથા ભગવાન શ્રીકૃષ્ણ વચ્ચે રમાય છે. પરંતુ કળિયુગમાં કોઈ જીવ ત્યાં જઈ શકતો નથી. કારણ જો કોઈ એક વખત પણ તેનો એકાદ અંશ જોઈ જાય તો તેનો બેડો પાર થઈ જાય છે પરંતુ આ લોકમાં તે પછી ગાંડા તરીકે ખપી જાય છે. રાસલીલા જોનારને આ દુનિયા દુન્વયી લાગે છે. વૃંદાવન-વાસીઓ કહે છે કે આજેય રાધાજી ખેલે છે રાસલીલા કૃષ્ણ સાથે.