પૂજા અર્ચનથી બધા દેવી-દેવતાનું થાય છે પૂજન, જાણો શિવલિંગ મહાત્મય..

સંપૂર્ણ ભારતમાં શિવલિંગની પૂજા-ઉપાસના અતિ પ્રાચીનકાળથી પ્રચલિત છે. પ્રભુ રામચંદ્રે પણ શિવલિંગની પૂજા કરી હતી. એ વિસ્તૃત મહાશૂન્ય જેમાં સંપૂર્ણ બ્રહ્માંડ સમાહિત છે. લિંગનું સ્વરૂપ છે અને પૃથ્વી એની પીઠિકા (આધાર) છે. પ્રલય કાળમાં સમસ્ત સૃષ્ટિ તથા દેવગણ આદિ આ લિંગમાં સમાવિષ્ટ થઈ જાય છે.ભારતના વિભિન્ન પ્રદેશોમાં અનેક તીર્થસ્થાનો છે કે જ્યાં સ્વયંભૂ જ્યોતિર્લિંગ પ્રગટ થયાં છે અને તે દ્વાદશ જ્યોતિર્લિંગ તરીકે પ્રસિદ્ધ છે.

શ્રાવણ સુદ તેરસના દિવસે શનિ પ્રદોષ વ્રત કરનારને માટે શિવલિંગની આરાધના ઉપાસના, શિવ પૂજન વગેરે વિશેષ પ્રચલિત છે. “લિંગ” એટલે લક્ષણ, ચિહ્ન, નિશાન, બ્રહ્મનું પ્રતીક એવો અર્થ અભિપ્રેત છે. લિંગમાં શિવભક્તોનો જીવભાવ નષ્ટ કરવાની મહાન શક્તિ હોવાથી “લિંગ” નામ પડ્યું છે.

શિવલિંગ અને વેદિમાં વ્યાપક ભાવથી પૂજા કરવામાં આવે તો ચિત્તવૃત્તિ સ્થૂલ લિંગની સહાયતાથી ભૂપ્રકાસ્ય વ્યાપક પરમેશ્વર સત્તામાં ધીરે ધીરે વિલીનતા પ્રાપ્ત કરે છે. ત્યાર પછી અંગત વિસ્તારવાળી માયાની લીલાથી મુક્ત થઈ કાર્યબ્રહ્મની કૃપાથી કારણ બ્રહ્મ એટલે નિર્ગુણ બ્રહ્મમાં મળી જાય છે. પછી એ જીવાત્માને આવાગમનનો જરાય ભય રહેતો નથી. શિવલિંગની પૂજા આ વ્રતના દિવસે ષોડશોપચાર વિધિથી કરવાથી કે કરાવવાથી શિવપદની પ્રાપ્તિ થાય છે. શિવ એટલે મંગલ. આવાહન, આસન, અર્ધ્ય, પાદ્ય, આચમન, સ્નાન, વસ્ત્ર, ગંધ, પુષ્પ, ધૂપ, નૈવેદ્ય, આરતી, પાનબીડું, નમસ્કાર અને વિસર્જન આ સોળ પ્રકારનાં પૂજનને “ષોડશોપચાર” કહેવામાં આવે છે. શિવલિંગના પાંચ સ્વરૂપો છે. પૂજન માટે વપરાતા શિવલિંગના પાંચ પ્રકારો આ પ્રકારે છે: (1) સ્વયંભૂ લિંગ (2) બિંદુ લિંગ (3) સ્થાપિત લિંગ (4) ચરલિંગ (5) ગુરુ લિંગ

સ્વયંભૂ લિંગ

શિવજી ઋષિમુનિઓના તપથી પ્રસન્ન થઈ પૃથ્વીની અંદર રહ્યા છે. જે રીતે અંકુર પૃથ્વીમાંથી આપોઆપ (સ્વયંભૂ) બહાર નીકળે છે, તે રીતે શિવજી લિંગ સ્વરૂપે પ્રાદુર્ભાવ પામે છે. આને સ્વયંભૂ લિંગ કહેવામાં આવે છે.

બિંદુ લિંગ

સ્વહસ્તે લખેલા પત્રમાં અગર અન્ય કોઈ વસ્તુમાં આવાહન કરી અર્ચન-પૂજન કરવું રે બિંદુ લિંગ કહેવાય છે. આ લિંગ ભાવનામય છે.

સ્થાપિત લિંગ

ભૂદેવોએ, રાજવીઓએ અને શ્રીમંતોએ કારીગર પાસે કલાત્મક રીતે કંડારાવી જે લિંગની મંત્રોચ્ચાર દ્વારા પ્રાણપ્રતિષ્ઠા કરાવી હોય તે સ્થાપિત લિંગ કહેવાય છે.

ચર લિંગ

શરીરનાં અંગ-ઉપાંગો જેવાં કે નાભિ, નાકનું ટેરવું, શિખા, હ્રદય વગેરેમાં આત્મા સંબંધી લિંગની કલ્પના કરવી તેને ચરલિંગ કહે છે. ગુરુ લિંગ અર્થાત્ ગુણોના વિકારોને દૂર કરે તે ગુરુ. માટે પ્રકાંડ પંડિત કે વિદ્વાન શરીર તે ગુરુ લિંગ ગણાય છે. વ્રતધારીએ એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવી કે, શિવલિંગ પર જે દ્રવ્ય ચડાવ્યું હોય તે ગ્રહણ કરાતું નથી. પણ શિવલિંગને સ્નાન કરાવ્યું હોય તે જળનું આચમન કરાય છે, કારણ કે શિવલિંગની શિલાનો સ્પર્શ થતાંની સાથે જ તે જળ પવિત્ર બની જાય છે. શિવનું સ્વરૂપ કલ્યાણકારી છે, જેમનાં દર્શન માત્રથી જીવ પ્રાણી માત્રનું કલ્યાણ થાય છે, આ તત્ત્વ તે શિવ તત્ત્વ છે. સ્કંદ પુરાણમાં શિવલિંગનો મહિમા વર્ણવતો શ્લોક છે “જ્યોતિર્મય જેમનું સ્વરૂપ છે, નિર્મળ જ્ઞાન જેમનું નેત્ર છે, જે સ્વયં લિંગ સ્વરૂપ છે, તે પરમ શાંત કલ્યાણમય ભગવાન શિવને અમારા વંદન.” પ્રણવ એટલે ૐ. સમસ્ત અભિષ્ટ વસ્તુઓને આપનાર પ્રથમ શિવલિંગ છે. સ્થૂળ લિંગને “સકલ” અને સૂક્ષ્‍મ લિંગને “નિષ્કલ” કહે છે. પંચાક્ષર મંત્ર – “ૐ નમઃ શિવાય” ને પણ સ્થૂળ લિંગ કહેવાય છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer