મહાભારતના કુરુક્ષેત્રની રણભૂમિ પર સંઘર્ષ અને સંહારની પળો નજીક આવતી હતી, તેમ તેમ જગત આખું વિમાસણ અનુભવતું હતું કે માનવજાત યુદ્ધે શા માટે ચડે છે ? ચોતરફ શસ્ત્રો સજવામાં આવતા. સેનાપતિઓ સેના સાથે યુદ્ધ માટે ચોતરફ ઘૂમી રહ્યા હતા. હિંસાનું વાતાવરણ હતું, વેરનો અગ્નિ વધુને વધુ પ્રજ્વલિત થઈ રહ્યો હતો ત્યારે શ્રીકૃષ્ણે એમની આયુધશાળામાં સો-સો સિંહોની ગર્જના થતી સાંભળી. કોઈએ વિચાર્યું કે કાલયવન સજીવન થઈને પાછો આવ્યો લાગે છે, તો કોઈએ ધાર્યું કે જરાસંઘ ફરી પડકારવા આવી રહ્યો છે. પરંતુ શ્રીકૃષ્ણે જેવો આયુધશાળામાં પગ મૂક્યો કે સઘળાં અવાજો શાંત થઈ ગયાં. એમણે દ્વારપાળને પૂછયું, ‘અંદર કોણ આવ્યું છે ? દુષ્ટ જરાસંઘ કે ઉચ્છૃંખલ શિશુપાલ.’
દ્વારપાલ સંગમે નમ્રતાપૂર્વક કહ્યું,’ના, અંદર તો આપના ભાઈ નેમ આવ્યા છે.’ નેમકુમારનું નામ સાંભળતાં જ શ્રીકૃષ્ણના દિલમાં રહેલો ભ્રાતૃભાવ ઊભરાઈ આવ્યો. નેમકુમારના પિતા રાજા સમુદ્રવિજય પ્રારંભથી જ એમના સલાહકાર અને હિંતચિંતક વડીલ હતા. નેમકુમારે આયુધશાળાનું ચક્ર લીધું અને એને કારણે ચોતરફ ગર્જનાના અવાજો થતાં હતાં.
હકીકતમાં આ ચક્ર ફકત શ્રીકૃષ્ણ જ ઉપાડી શકતા હતા, જ્યારે નેમકુમારને આ ચક્ર ઉપાડેલું જોઇ સ્વયં શ્રી કૃષ્ણ આશ્ચર્યચકિત થઈ ગયા. શ્રીકૃષ્ણે નેમકુમારને અહીં આવવાનું કારણ પૂછયું, તો નેમકુમારે એમ કહ્યું કે’ મારે તો એવા ધર્મચક્રનું પ્રવર્તન કરવું છે, જેમાં માનવી હૈયાની હૂંફથી માણસાઈ જાળવતો હોય, એક જીવ બીજા જીવ તરફ અનુંકપા રાખતો હોય, અસૂરો પોતાની દાનવતા છોડી દેતા હોય અને માનવી પ્રેમ અને સ્નેહથી જીવતો હોય.’ નેમકુમારની વાત બધાને સમજાતી નહોતી, પણ શ્રીકૃષ્ણે એ વાત સાંભળી એટલે કહ્યું,’ શાબાશ મારા ભાઈ, આજે તો રાજકારણમાં ભાઈ-ભાઈનો સંબંધ ભૂલીને સામસામે એકબીજાને હણવા સહુ કોઈ તત્પર થયા છે. સ્વજનો દુશ્મન બન્યા છે, માન-સન્માન નેવે મૂકાયા છે. ત્યારે નેમ ! તું જગતને પ્રેમ આપે છે. હિંસાના વાતાવરણ વચ્ચે અહિંસા ફેલાવે છે.’
નેમકુમારે આયુધશાળામાં રહેલી કામોદકી ગદા જોઈ અને પંચજન્ય શંખ વગાડયો. આ શ્રીકૃષ્ણ સિવાય પાંચજન્ય શંખમાંથી કોઈ અવાજ કાઢી શક્તું નહોતું. ત્યારે પ્રશ્ન પણ થતો કે જેમની વેણુ સાંભળીને ગોપીઓ પતિ, પુત્રો કે પરિવારની માયા છોડીને દોડી જતી અને પ્રેમના દૈવી ભાવને પામતી હતી અને એ જ શ્રીકૃષ્ણ પાંચજન્ય શંખ દ્વારા શત્રુઓને પડકાર કરતા હતા. આ પાંચ જન્યના પ્રબળ સ્વરો સાંભળી ભલભલા શૂરવીરો મોમાં તરણું લઈ લેતા હતા. એક બાજુ વેણુને મધુર સ્વર અને બીજી બાજું પાંચજન્યનો નાદ. એક બાજુ પ્રેમ અને બીજી બાજુ ભય.
નેમનાથને મળતાં શ્રીકૃષ્ણે કહ્યું, ‘ મને લાગે છે કે યાદવોમાં હવે પ્રેમ અવતરી રહ્યો છે.’ વાત પણ એવી બની હતી કે રૈવતાચલના કેસરી સિંહો સામે બાથ ભીડનારા બળવાન યાદવો કાલયવન પછીના વિજયોને કારણે મગરૂર બન્યા હતા. એમની મગરૂરી ગર્વમાં ફેરવાઈ ગઈ અને કેટલાક તો એવું પણ માનતા કે એમની અપ્રતિમ વીરતા સામે યાદવકુળકેસરી શ્રીકૃષ્ણ પણ કોઈ વિસાતમાં નથી. આવા યાદવો ગર્વિષ્ઠ બન્યા. શેરીએ શેરીએ એમનો હૂંકાર સંભળાતો હતો, ત્યારે નેમકુમારે એમને સમજાવ્યા કે શ્રીકૃષ્ણ હશે, ત્યાં સુધી કળિયુગ અહીં ચરણ નહીં મૂકી શકે.
યાદવો નેમકુમારનો ભ્રાતા પ્રત્યેનો પ્રેમ જોઈને પ્રસન્ન થવાને બદલે શંકાગ્રસ્ત બની ગયા. એમણે કહ્યું,’ રાજકુળમાં તો ભ્રાતા એ પહેલો શત્રુ દેખાય. એ ભ્રાતા તરફ આટલો ભાવ !’ કૃષ્ણદ્વેષી યાદવ સમુદાયે કહ્યું,’નેમકુમાર, તમે રત્નચક્ર ઘુમાવી શકો, કામોદકી ગદા ફેરવી શકો અને પાંચજન્ય શંખ વગાડી શકો. તમારી વીરતાને ધન્ય છે.’ નેમકુમારે કહ્યું,’વીરતા હણવામાં નથી પણ બચાવવામાં છે. વીરતા પહાડ જેવા હાથીને ગમે તેમ કરીને હણી શકાય, પણ મરેલી કીડી તો હજાર યત્ને પણ સજીવન કરી શકાય ખરી ? તલવારના ઘાથી કોઈનો વધ કરવો સરળ છે, પરંતુ કોઈ દુ:ખીનાં આંસુ લૂછવા માટે તો જાત ઘસવી પડે છે. હિંસા એ હિંસાને જગાડે છે. વેર કદી છૂપાતું નથી, તો પછી વેરનો શો અર્થ ?’
જાણે શ્રીકૃષ્ણની વેણુ અને શંખ વચ્ચે વિવાદ ન જાગ્યો હોય ! વેણુમાંથી પ્રસરતા મધુર સૂર સાંભળીને હૃદયમાં પ્રેમનો ઝરો વહેતો હોય અને પાંચજન્ય શંખના અવાજથી ડરને કારણે માણસ થરથરતો હોય. કોઈએ વિચાર્યું કે નેમ કાયર છે. આથી એની સાથે હાથીના બચ્ચા જેવા ગજકર્ણ મલ્લની કુસ્તી યોજવામાં આવી. ગજની જેમ ગજકર્ણનું માથું મોટું હતું, પણ આંખો નાની હતી. એની આંખો મટમટાવી એણે નેમને પડકાર ફેંક્યો. નેમ તો આપસ્વભાવમાં મસ્ત હતા. એમણે કહ્યું, ‘મને જીતમાં કોઈ રસ નથી. વીરત્વ એ નથી કે જે બીજાને હણે, વીરત્વ એ છે કે જે બીજાને માટે ખપી જાય.’ કુસ્તીબાજ ગજકર્ણે અટ્ટહાસ્ય કહ્યું ને નેમકુમારને પડકાર ફેંક્યો. નેમકુમારે એ મલ્લને થોડી વારમાં ધૂળ ચાટતો કર્યો. એ દિવસે જગત પર એક નવી વીરતાનો જન્મ થયો. જે વીરતા શત્રુને હણવાનો નહીં પણ શત્રુને મિત્ર બનાવવાનો મહિમા કરતી હતી.